સ્માર્ટ ફોનના વપરાશમાં થઇ રહેલા વધારાને નજરમાં રાખી ટેલિકોમ અને ઇન્ટરનેટ કંપનીઓએ ઇન્ટરનેટ સેવાને વધુ વિકસાવવાની યોજના બનાવી છે. જોકે અવિકિસત દેશોની સરખામણીએ વિકિસત દેશોમાં ઇન્ટરનેટના વપરાશકારોની સંખ્યા ઘણી વધારે છે. અવિકિસત દેશોમાં હજી પણ સામાન્ય નાગરિક સુધી ઇન્ટરનેટ સેવાઓ પહોંચી નથી. આફ્રિકાની પ્રજા હજી વીસ વર્ષ પાછળ છે. આ લોકો હજી ૧૯૯૮માં જીવી રહ્યા છે એમ કહી શકાય. ગ્રામીણ અને ગરીબ પ્રજા મોંઘા મોબાઇલ ફોન ખરીદવા અને ઇન્ટરનેટ સેવાનો લાભ લેવા અસમર્થ છે. દૂરના અંતરિયાળ વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવા પહોંચાડવાનો ખર્ચ ખૂબ વધુ આવે છે તેથી ટેલિકોમ કંપનીઓએ ઇન્ટરનેટના દર ઊંચા રાખવા પડે છે. ઊંચા દરના કારણે ગ્રાહકોને ઇન્ટરનેટ પોસાતું નથી. આફ્રિકામાં ઇન્ટરનેટ સેવાની સ્થિતિ જોઈએ તો મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો, અશિક્ષિતો અને ગ્રામીણ વિસ્તારમાં રહેતી ગરીબ પ્રજા ઇન્ટરનેટનો વપરાશ સૌથી ઓછો કરે છે.