- મ્યુનિ.કમિશનર તુષાર સુમેરા વર્ષ-2024/24 રિવાઇઝ્ડ બજેટ અને વર્ષ-2025/26નું સામાન્ય અંદાજપત્ર સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત સ્વરૂપે રજૂ કરશે: ખડી સમિતિ દ્વારા એક સપ્તાહ સુધી બજેટ પર વિસ્તૃત અભ્યાસ કર્યા બાદ મંજૂરી અપાશે
- ચૂંટણી વર્ષમાં જો મ્યુનિ.કમિશનર વેરામાં વધારો કરવાની દરખાસ્ત કરશે તો શાસકો તેને ફગાવી દેશે: નવા ભળેલા વિસ્તારો માટે સતત પાંચમા વર્ષે માતબર નાણાની ફાળવણી કરાય તેવી શક્યતા
મ્યુનિ.કમિશનર તુષાર સુમેરા આવતીકાલે સવારે 9:30 કલાકે રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ-2025/2026નું સામાન્ય અંદાજપત્ર દરખાસ્ત સ્વરૂપે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરશે. આ ઉપરાંત ચાલુ નાણાકીય વર્ષ અર્થાત 2024/2025નું રિવાઇઝ્ડ બજેટ પણ ખડી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે. બજેટનું કદ આશરે 3000 કરોડ રૂપિયાની આસપાસ રહેવાની સંભાવના હાલ જણાઇ રહી છે. વર્તમાન બોર્ડનું અંતિમ બજેટ છે. આવતા વર્ષના આરંભે જ કોર્પોરેશનની ચુંટણી યોજાવાની હોય શહેરીજનો પર કરબોજ લાદવામાં આવે તેવી શક્યતા નહિંવત છે. કોર્પોરેશનની હદમાં ભળેલા વિસ્તારો માટે સતત પાંચમા વર્ષે માતબર નાણાની ફાળવણી કરવામાં આવશે. તેવું હાલ દેખાઇ રહ્યું છે.
આવતીકાલે સવારે 9:30 કલાકે મ્યુનિ.કમિશનર તુષાર સુમેરા દ્વારા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ વર્ષ-2024 અને વર્ષ-2025નું રિવાઇઝ્ડ બજેટ અને વર્ષ-2025-2026નું સામાન્ય બજેટ રજૂ કરવામાં આવશે. ત્યારબાદ તેઓ 10 કલાકે પત્રકાર પરિષદ સંબોધીને બજેટ અંગે પૂરી માહિતી આપશે. ગત વર્ષના બજેટનું કદ 2843 કરોડનું રહ્યું હતું. જો કે, મૂળ બજેટના 50 ટકા જેટલું પણ વાસ્તવિક બજેટ હોતું નથી. બજેટમાં મોટી-મોટી યોજનાઓની ઘોષણા ચોક્કસ કરવામાં આવે છે પરંતુ નાણાકીય વ્યવસ્થાના અભાવે યોજનાઓ સાકાર થઇ શકતી નથી. વર્ષ-2024/2025ના મ્યુનિ.કમિશનરે રજૂ કરેલા બજેટમાં સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.17.77 કરોડનો વધારો કર્યો હતો અને નવી 50 યોજનાઓનો પણ ઉમેરો કર્યો હતો. જે પૈકી માત્ર આંગળીના વેઢે ગણી શકાય તેટલી જ યોજનાઓ સાકાર થઇ શકી હતી. મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાનું પ્રથમ બજેટ હોય તેઓની સામે પણ અનેક પડકાર છે. કારણ કે તેઓની નિયુક્તી થયા બાદ બજેટ તૈયાર કરવા પૂરતો સમય મળ્યો નથી. છતાં તેઓ ચુંટણી વર્ષમાં સર્વોત્તમ અને વાસ્તવિક બજેટ આપવાનો પ્રયાસ કરશે. તે વાત નિશ્ર્ચિત મનાઇ રહી છે.
કોર્પોરેશનની પોતીકી કહી શકાય તેવી એકમાત્ર આવક ટેક્સની છે. બીજી તરફ સરકાર દ્વારા જમીન-વેંચાણ માટે પણ છૂટ આપવામાં આવતી ન હોવાના કારણે વિકાસ કામો સતત રૂંધાઇ રહ્યા છે. આવામાં 3000 કરોડનું બજેટ આપવું અને તેને સાકાર કરવું કોર્પોરેશનના તંત્ર માટે મોટો પડકાર બની રહેશે. કાલે મ્યુનિ.કમિશનર દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવશે તેના પર સોમવારથી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા અભ્યાસ શરૂ કરવામાં આવશે. સતત એક સપ્તાહ સુધી અભ્યાસ કર્યા બાદ સંભવત: 10મી ફેબ્રુઆરી આસપાસ ખડી સમિતિ દ્વારા બજેટને બહાલી આપી જનરલ બોર્ડ સમક્ષ આખરી મંજૂરી માટે રજૂ કરી દેવામાં આવશે. 18 અથવા 19 ફેબ્રુઆરીના રોજ બજેટ બોર્ડ મળશે. કોર્પોરેશનના વર્તમાન બોર્ડની મુદ્ત 12, માર્ચ-2026ના રોજ પૂરી થઇ રહી છે. ડિસેમ્બર અથવા જાન્યુઆરી માસમાં ચુંટણીની તારીખ જાહેર કરી દેવામાં આવે તેવી સંભાવના હાલ જણાઇ રહી છે. આવામાં અંતિમ બજેટ અને ચૂંટણી વર્ષમાં ફૂલ ગુલાબી કરબોજ વિહોણું બજેટ આપવાના પ્રયાસો કરવામાં આવશે. છતાં આવક અને ખર્ચના આંકડાના ટાંગામેળ કરવા માટે મ્યુનિ.કમિશનર દ્વારા પાણી વેરો, મિલકત વેરો કે અન્ય કોઇપણ પ્રકારના વેરામાં વધારો કરવાની દરખાસ્ત કરશે તો ભાજપના શાસકો શહેરીજનોની વાહ વાહી મેળવવા માટે નવો કરબોજ એક ઝાટકે ફગાવી દેશે. સાથોસાથ કેટલીક મહત્વપૂર્ણ યોજનાની પણ જાહેરાત કરવામાં આવે તેવું હાલ દેખાઇ રહ્યું છે. બજેટનું કદ ઐતિહાસિક રહે તેવું લાગી રહ્યું છે.