- સાયબર ફ્રોડનાં નાણાં જૂનાગઢનાં બેંક ખાતાંઓમાં જમા કરાવતી ગેંગ પકડાઈ
- જૂનાગઢની મહિલા, અમદાવાદના 2 શખ્સ સહિત 8 ની ધરપકડ
- 200માંથી 42 બેંક ખાતામાં 50 કરોડથી વધુની રકમ સાયબર ફ્રોડથી જમા કર્યાનું ખુલ્યું, અન્ય રાજ્યના લોકોની પણ સંડોવણી
જૂનાગઢ: દેશભરમાં સાયબર ફ્રોડ આચરી અલગ-અલગ ખાતાઓમાં નાણાં જમા કરાવવામાં આવે છે. તેમજ અમદાવાદના 2 એજન્ટો દ્વારા જૂનાગઢના 5 પેટા એજન્ટ રાખી વિવિધ રાજ્યોમાં ગઠીયાઓએ સાયબર ફ્રોડ દ્વારા મેળવાતી રકમ ટ્રાન્સફર કરવા સામાન્ય લોકોના બેંક એકાઉન્ટ ભાડે રાખ્યા હતા. તેમજ આ અંગે રેન્જ સાયબર પોલીસે તપાસ આદરી જૂનાગઢની મહિલા સહિત 8 વ્યક્તિને પકડી પૂછપરછ કરતાં બહાર આવ્યું કે આ ટોળકી લોકોને કમિશન તેમજ ભાડું આપી ટ્રાન્સફર કરેલા પૈસા લેતા હતા અને તે રકમ રાજ્ય અને રાજ્ય બહાર હવાલા તેમજ આંગડીયા મારફત મોકલતા હતા.
આ દરમિયાન તપાસમાં આવા 42 બેંક ખાતામાં સાયબર ફ્રોડ કરેલી 50 કરોડથી વધુની રકમ જમા થયાનું સામે આવ્યું હતું. તેમજ રકમનું ટ્રાન્ઝેક્શન જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ ગેંગમાં અન્ય રાજ્યના શખ્સો પણ સંડોવાયેલા હોવાની શંકા છે. તેમજ હાલ પોલીસ દ્વારા એ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.
આ અંગેની વધુ વિગત મુજબ, દેશમાં છેલ્લા ઘણા સમયથી સાયબર ફ્રોડ દિવસે-દિવસે વધી રહ્યું છે. તેમજ સાયબર અપરાધ કરનારાઓ અલગ-અલગ મોડસ ઓપરેન્ડી અપનાવી રહ્યા છે. આ ઉપરાંત પોતાના બેંક એકાઉન્ટમાં પૈસા જમા થાય તો પકડાવાનો ભય રહે છે, તેથી આ ટોળકી સામાન્ય લોકોના બેંક ખાતા ભાડે અથવા કોઈ રકમ કમિશન સ્વરૂપે આપવાની લાલચ આપી સાયબર ફ્રોડની રકમ તેના બેંક ખાતામાં જમા કરાવે છે.
ત્યારે હાલ તાજેતરમાં જૂનાગઢ, પોરબંદર, ગીર- સોમનાથ, રાજકોટ સહિતના વિસ્તારમાં બેંક ખાતાધારકોનો સંપર્ક કરી તેમાં સાયબર ફ્રોડના નાણા જમા કરાવવા બાબતની વાતો કરતી ગેંગ સક્રિય થયાની રેન્જ સાયબર પોલીસને બાતમી મળી હતી. IG ની સૂચનાથી રેન્જ સાયબર PI સહિતની ટીમ દ્વારા છેલ્લા એકાદ માસથી આ અંગે તપાસ કરવામાં આવી રહી હતી. આ દરમ્યાન એક વ્યક્તિ પોતાના બેંક ખાતામાં રકમ જમા કરવા અંગે કમિશન આપવા અંગેની ફરિયાદ કરી હતી. જેના આધારે રેન્જ સાયબર પોલીસે મૂળ મેંદરડા તાલુકાના સમઢીયાળાના અને હાલ અમદાવાદના ન્યુ રાણીપમાં આવેલા
આ અંગે રેન્જ IG એ જણાવ્યું હતું કે, આ ગેંગ દ્વારા જૂનાગઢના 200 જેટલા બેંક ખાતાધારકોનો સંપર્ક કરી તેના ખાતામાં દેશભરમાં થતી સાયબર ફ્રોડની રકમ જમા કરાવવામાં આવી હતી, જેમાંથી 82 ખાતાની વિગતો મળી છે. તેમજ તેમાંથી 42 ખાતામાં 50 કરોડથી વધુની રકમ સાયબર ફ્રોડ દ્વારા જમા થયાનું સામે આવ્યું છે. આ દરમિયાન ગેંગમાં અભિષેક ઉર્ફે અભિ શાંતિલાલ માથુકીયા અને સચિન ઉર્ફે ભોલો ગોવિંદ વોરા મુખ્ય એજન્ટ છે, બાકીના લોકલ એજન્ટ છે.
આ ઉપરાંત વધુમાં IGએ જણાવ્યું હતું કે, લોકોની જાણ બહાર સાયબર ફ્રોડના નાણા જમા કરાવી તે ઉપાડી લેવામાં આવતા હતા. તેમજ આ નાણા રાજ્ય અને રાજ્ય બહાર હવાલા તેમજ આંગડીયા મારફત મોકલવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. 200 એકાઉન્ટની વિગત મળી છે, તેમાંથી 42 ખાતામાં જ 50 કરોડથી વધુની રકમ સાયબર ફ્રોડ કરી જમા થઈ છે. તેમજ હજુ બાકીના એકાઉન્ટની વિગતો તપાસવામાં આવી રહી છે. ત્યારે હાલ મહિલા સહિત આઠેય એજન્ટની ગેંગની વધુ પૂછપરછ માટે આવતીકાલે રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
200માંથી 152 ફરિયાદ શભઇ પોર્ટલ પર નોંધાયેલી
દેશનાં વિવિધ રાજ્યોમાંથી સાયબર ફ્રોડ થયા બાદ જૂનાગઢના 200 એકાઉન્ટમાં નાણા જમા થયા છે. તેમાંથી 152 જેટલી ઓનલાઈન ફરિયાદ એનસીસીઆરપી પોર્ટલ પર નોંધાયેલી છે. તેમજ ચેન્નાઈ, નાસિક, કરીમનગર, વલસાડ, જામનગર, એર્નાકુલમ, થાણે, પટના, થ્રીસુર (કેરળ), બહેરામપુર, દિલ્હી, બેંગ્લોર, જજ્જર, વિશાખાપટ્ટનમ, અમદાવાદ, પુના, પુરી, ગરવાહ, મહેસાણા, અંકલેશ્વર, મુંબઈ, કુચ બિહાર(બંગાળ), કન્નુર, અંબિકાપુર, સાગર, હૈદરાબાદ, પલ્લવપુર, બદલાપુર, નવસારી, દાર્જીલીંગ, જોરહટ, નરોડા, દીમાપુર, ચકલાશી(ખેડ), રાયબરેલી (યુપી), રાયગંજ, મણીમંગલમ, કોલકતા, નેતાજીનગર, ફઝીલકા (પંજાબ), કોઝીકોડ, ભુવનેશ્વર, વારંગલ, બેલાગવી, તીરૃચીરાપલ્લી, વિજયપુર, ગૌતમબુધ્ધનગર અને લખનૌ સહિતના શહેરના લોકોનાં ખાતામાંથી સાયબર ફ્રોડના નાણા આ 200માંથી 42 એકાઉન્ટમાં જમા થયા છે. અમુક એકાઉન્ટમાં 3 થી 4 વખત સાયબર ફ્રોડની રકમ આવી છે.
બેંક ખાતાં જેણે આપ્યાં હોય તેવા ખાતેદારો પોલીસને જાણ કરે
આ ઉપરાંત IGએ જણાવ્યું હતું કે, જે લોકોએ આ ગેંગને સાયબર ફ્રોડના નાણા હેરફેર કરવા બેંક ખાતા આપ્યા છે, તેવા લોકો પોલીસને જાણ કરે, જો આ અંગેની જાણ કરવામાં નહી આવે અને તપાસ દરમ્યાન સામે આવશે તો પોલીસ દ્વારા ખાતેધારક સામે પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.