- ભારે પોલીસ બંદોબસ્તની સાથે મહાનગરપાલિકાની ટીમ દ્વારા 98,000 ચોરસ ફુટ જગ્યા ખુલ્લી કરાવાઈ
- 6 રહેણાક મકાનો અને 6 ગેરેજ સહિતના કોમર્શિયલ દબાણ દૂર કરવા માટે 20 માણસો સાથે 4 જેસીબી ની મદદ લેવાઇ
જામનગર મહાનગરપાલિકાનું તંત્ર હાલમાં મોટા પાયે દબાણ હટાવની ઝુંબેશ હાથ ધરી રહ્યું છે, અને અનેક નાના મોટા દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને કેટલાક ગુન્હેગારો પર વધારે સિકંજો કસવામાં આવી રહ્યો છે. દરમિયાન જામનગર શહેરની ઐતિહાસિક રંગમતી-નાગમતી નદી વહેણ પણ દબાણ કરનારા તત્વો દ્વારા બંધ કરી દેવામાં આવ્યા હતા, અને છડે ચોક મકાનો તેમજ ધંધા ના સ્થળો ઉભા કરી દેવાયા હતા, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ ઊભી થાય છે. જે તમામ દબાણો ઉપર તંત્રનો હથોડો ઝીંકાયો છે.
જામનગરની રંગમતી-નાગમતી નદીના વહેંણ ના પટ કે જ્યાં મોટા પાયે દબાણ થઈ ગયા હોવાથી ગઈકાલે સાંજે મહાનગરપાલિકા ના કમિશનર ડી.એન. મોદી તેમજ જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ અને પોલીસ કાફલો તેમજ મહાનગરપાલિકાની ટીમ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. અને કેટલાક આસામીઓને આખરી નોટિસ પાઠવી દેવામાં આવી હતી, જેમાં ૬ રહેણાંક મકાનો અને છ કોમર્શિયલ બાંધકામાનો સમાવેશ થાય છે.
આ તમામ સ્થળોએ આજે વહેલી સવારથી ડિમોલેશનનું કામ હાથ પર લેવાયું હતું. જામનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગના કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવા, એસ્ટેટ અધિકારી નીતિન દીક્ષિત, દબાણ હટાવ અધિકારી સુનિલ ભાનુશાલી, તથા યુવરાજસિંહ ઝાલા ની રાહબરી હેઠળ એસ્ટેટ શાખાનો ૨૦ કર્મચારીઓનો કાફલો ચાર જેસીબી મશીન અને બે ટ્રેક્ટર સહિતની મશીનરીઓ સાથે રંગમતી નાગમતી નદીના પટમાં પહોંચ્યો હતો.
આવેળાએ જામનગર શહેર વિભાગના ડીવાયએસપી જે એન ઝાલા, સિટી એ. ડિવિઝનના પી.આઇ. એન એ ચાવડા તથા વિશાળ પોલીસ કાફલો બંદોબસ્તમાં જોડાયો હતો. મહાનગરપાલિકા ની લાઇટ શાખાની ટુકડીને પણ સાથે રાખવામાં આવી હતી, અને સૌ પ્રથમ ગેરકાયદે જણાતા વિજ વાયરો ઉતારી લેવામાં આવ્યા હતા.
આજે વહેલી સવારથી જ પાકા મકાનો તેમજ ગેરેજ સહિતના કોમર્શિયલ દબાણો દૂર કરવા માટે જેસીબી મશીનથી ડીમોલેશન ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, અને આશરે ૯૮ હજાર ચોરસ ફુટ જગ્યા ખુલ્લી કરાવવામાં આવી છે. આ મેગા ડીમોલેશનને લઈને બચુનગર સહિતના આસપાસના વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. હજુ પણ બચુનગર સહિતના વિસ્તારમાં અનેક દબાણો હોવાથી મહાનગરપાલિકાની ટીમ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યું છે, અને નજીકના ભવિષ્યમાં તે સ્થળે ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, તેમ મહાન નગરપાલિકાના સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
અહેવાલ: સાગર સંઘાણી