- ધોરણ – 10 અને ધોરણ – 12 ની પરીક્ષાઓ તારીખ – 27-02-2025 થી તારીખ – 17-03-2025 દરમ્યાન યોજાશે
- સ્ટ્રોંગ રૂમના સ્ટ્રીક બંદોબસ્તથી લઇને સ્ટ્રીકલી એક્ઝામ કન્ડકટ થાય તેવી તકેદારી રાખવા અપાઈ સૂચના
દાહોદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી / માર્ચ – ૨૦૨૫ માં લેવાનાર ધોરણ – 10 અને ધોરણ – 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, રિપીટર, પૃથ્થક અને ખાનગી ઉમેદવારોની પરીક્ષાઓ તારીખ – 27-02-2025 થી તારીખ – 17-03-2025 દરમ્યાન યોજાનાર છે. આ પરીક્ષા માટે દાહોદ જિલ્લામાં ધોરણ – 10 ના કુલ 36 કેન્દ્રો અને ધોરણ – 12 ના કુલ 22 કેન્દ્રો ખાતે કુલ 122 જેટલી બિલ્ડીંગો પર પરીક્ષા યોજવામાં આવશે.
આ પરીક્ષાનું આયોજન વ્યવસ્થિત રીતે થઇ રહે તેમજ પરીક્ષાર્થીઓ કોઈપણ પ્રકારની સમસ્યા ઉદભવે નહીં એ માટેના આગોતરા આયોજન માટે જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિના અધ્યક્ષ અને જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતા હેઠળ એસ. એસ. સી. અને એચ. એસ. સી. પરીક્ષાની તૈયારીના ભાગરૂપે જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિની બેઠક યોજવામાં આવી હતી.
આ નિમિતે કલેકટર યોગેશ નિરગુડેએ પરીક્ષા દરમ્યાન લાઈટ તેમજ સી. સી. ટી. વી. કેમેરાની કન્ડિશન ચેક કરવા સહિત વિદ્યાર્થીઓને આવવા – જવામાં કોઈ મુશ્કેલી પડે નહીં એ માટે એસ. ટી. બસની સુવિધા, સ્ટ્રોંગ રૂમ પર બન્દોબસ્ત રાખવા, આરોગ્ય વિભાગ દ્વારા ઇમરજન્સી ટીમ જરૂરી કીટ સાથે ઉપસ્થિત રહેવા, કાયદા અને વ્યવસ્થાપન જળવાઈ રહે એ હેતુસર એસ. આર. પી. જવાનો તેમજ કંટ્રોલ રૂમમાંથી જ સમગ્ર પ્રક્રિયા હેન્ડલ કરી શકાય તે માટે હેલ્પલાઇન વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટેની સૂચના આપવામાં આવી હતી.
આ નિમિતે નિવાસી અધિક કલેકટર જે. એમ. રાવલ, નાયબ પોલીસ અધિક્ષક રાઠોડ, જિલ્લા શિક્ષણધિકારી એસ. એલ. દામા સહિત સંબંધિત અન્ય તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.