ગૌશાળા રોડ, દોલતગંજ બજાર, દાહોદ ખાતેથી 01 (એક) બાળ શ્રમિકને મુક્ત કરવામાં આવ્યો
દાહોદ : દાહોદ જિલ્લામાં કલેક્ટર યોગેશ નિરગુડે દ્વારા બાળ શ્રમયોગી પ્રથા નાબુદી માટે નિયુકત કરવામાં આવેલ જિલ્લા ટાસ્ક ફોર્સ કમિટીની રચના કરવામાં આવી છે. સરકારી શ્રમ અધિકારી એમ.એમ.હિરાણીના માર્ગદર્શન હેઠળ આ કમિટી દ્વારા જિલ્લામાં બાળ શ્રમિકો પાસે કરાવતી સંસ્થાઓ તેમજ જોખમી વ્યવસાયમાં કામ કરતાં તરૂણ શ્રમિકોને મુક્ત કરાવવા માટેની સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે.
જે દરમ્યાન ગઈ તારીખ 06-02-2025નાં રોજ દાહોદ સીટીમાં સતીષ પરમારની બાંધકામ સાઈટ, મું. ગૌશાળા રોડ ખાતે આ ટાસ્ક ફોર્સ દ્વારા રેડ કરવામાં આવી હતી. જે દરમ્યાન જિલ્લા ટાસ્કફોર્સ સમિતિના સભ્યો દ્વારા પ્રાથમિક પુછપરછ દરમિયાન જોખમી વ્યવસાયમાં આ તરૂણ શ્રમિક હોવાનું જણાઈ આવતા ટીમ દ્વારા આ તરૂણ શ્રમિકને મુક્ત કરાવી જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.
જેમાં 01 (એક) બાળ શ્રમિકને મુક્ત કરીને બાળ શ્રમયોગીને ચિલ્ડ્રન હોમ, દાહોદને સોંપવામાં આવ્યો છે, એ સાથે સંસ્થાના માલિક સતીષભાઈ હસમુખલાલ પરમાર સામે ફોજદારી પગલાં લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી રહેલ છે.
આ સમગ્ર કાર્યવાહીમાં દાહોદ સરકારી શ્રમ અધિકારી એમ.એમ.હિરાણી અને પોલીસ ખાતાના અધિકારીઓ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરી, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીના અધિકારીઓ / કર્મચારીઓએ ભાગ લીધો હતો. આ ખાતા દ્વારા સઘન રીતે આ પ્રકારની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેમ સરકારી શ્રમ અધિકારી એમ.એમ.હીરાણી, દાહોદ દ્વારા જણાવાયું છે.