- ઈરોસ પર લગભગ 2,000 કરોડના ભંડોળના ગેરઉપયોગનો આરોપ
ફિલ્મ પ્રોડક્શન અને ડિસ્ટ્રીબ્યુશન કંપની ઇરોસ હાલ ઇડીના શકાંજામાં આવી ગઈ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ ગઇ કાલે જણાવ્યું હતું કે તેણે તાજેતરમાં 2,000 કરોડ રૂપિયાના વિદેશી હૂંડિયામણ કાયદા ઉલ્લંઘન કેસની તપાસના ભાગ રૂપે અગ્રણી મનોરંજન કંપની ઇરોસ ઇન્ટરનેશનલ મીડિયા લિમિટેડ અને તેની કેટલીક સંકળાયેલી કંપનીઓ સામે દરોડા પાડ્યા હતા. તપાસ એજન્સીએ જણાવ્યું હતું કે 5 ફેબ્રુઆરીએ મુંબઈમાં પાંચ સ્થળોએ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા) હેઠળ દરોડા પાડવામાં આવ્યા હતા.
ઇડીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ દરોડા ઇરોસ ઇન્ટરનેશનલ મીડિયા લિમિટેડ અને અન્ય ઇરોસ ગ્રુપ કંપનીઓ દ્વારા ભંડોળના કથિત દુરુપયોગની તેની ચાલી રહેલી તપાસનો એક ભાગ હતો. ઓફશોર કંપનીઓ, સ્થાવર મિલકતો, વિદેશી બેંક ખાતાઓ અને ડિજિટલ ઉપકરણો સંબંધિત અનેક દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા.
ઇડીએ જણાવ્યું હતું કે ઇરોસ ગ્રુપ અને તેના પ્રમોટરો સામે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) ની તપાસના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી, જેમાં નાણાકીય ખોટી રજૂઆત અને લગભગ 2,000 કરોડ રૂપિયાના ભંડોળના “ટ્રાન્સફર/ગેરઉપયોગ”નો આરોપ મૂકવામાં આવ્યો હતો.
ઇરોસ ગ્રુપની મુખ્ય એન્ટિટી ઇરોસ ઇન્ટરનેશનલ મીડિયા લિમિટેડ છે, જે એક ભારતીય ફિલ્મ નિર્માણ અને વિતરણ કંપની છે. ઇડીએ જણાવ્યું હતું કે ઇરોસ વિશ્વભરમાં થિયેટર, ટેલિવિઝન સિંડિકેશન અને ડિજિટલ પ્લેટફોર્મ સહિત અનેક ફોર્મેટમાં ભારતીય ફિલ્મોનું સહ-નિર્માણ, હસ્તગત અને વિતરણ કરે છે.