- પાર્લામેન્ટરી બોર્ડમાં લાંબી ચર્ચાઓ બાદ પણ ઉમેદવારોના નામો જાહેર ન કરી શકી શિસ્તબઘ્ધ પાર્ટી
સ્થાનીક સ્વરાજયની ચુંટણી માટે આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. ત્યારે હમેશા શિસ્તની દુહાઇ ભારતીય જનતા પાર્ટીમાં ટિકીટ ફાળવણીને લઇ એટલી માથાકુટ ચાલી રહી છે કે ભાજપે વિધિવત રીતે ઉમેદવારોના નામ જાહેર કરવાના બદલે ફોન કરીને ઉમેદવારી ફોર્મ ભરાવી દીધા છે. અત્યારે તમે ઉમેદવારી ફોર્મ ભરી દયો પછી મેન્ડેટ મોકલી આપીશું તેવી સુચનાઓ ગઇકાલ સાંજ થી આપવાનું શરુ કરી દેવામાં આવ્યું છે. બીજી તરફ કોંગ્રેસમાં પણ ઉમેદવારોની પસંદગી મામલે કકળાટ ચાલી રહ્યો છે. જુનાગઢમાં હોબાળા થયા હતા.
ભાજપ દ્વારા ગત સોમવાર અને મંગળવારે નીરીક્ષકો દ્વારા સેન્સ લેવામાં આવી હતી. દરમિયાન બુધવારે અને ગુરુવારે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી. બુધવારે મોડી રાત સુધી બેઠકનો ધમધમાટ ચાલ્યો હતો. છતાં ઉમેદવારોના નામ જાહેર થઇ શકયા ન હતા. ગઇકાલે પણ ટિકીટ ફાળવણી માટે ભારે માથ્થા પરચી કરવામાં આવી હતી. પરંતુ વોર્ડ વાઇઝ ડખ્ખાનું ચિત્ર ઉપસીને સામે આવ્યું હતું. જેના કારણે ભાજપ ગુરૂવારે પણ ઉમેદવારોના નામ જાહેર કરી શકતું ન હતું. ઉમેદવારોની પસંદગી કરાયત પૂર્ણ કરી લેવામાં આવી છે. પરંતુ નામોની સત્તાવાર ધોષણા કરવામાં આવી નથી. 68 નગરપાલિકાઓ ની અનેક બેઠકો પર પ્રદેશના આગેવાનો દ્વારા દાવેદારોને ફોર્મ ભરવા માટેની ટેલીફોનીક સુચનાઓ આપી દેવામાં આવી હતી. તેઓને આજે અર્થાત શુક્રવારે ફોર્મ ભરી દેવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. તમે ઉમેદવારી ફોર્મ ભરી નાંખો તમને સોમવાર સુધીમાં પક્ષ દ્વારા મેન્ડેટ મોકલી આપવામાં આવશે. પ્રદેશ હાઇકમાન્ડની સુચના મળતા આજે ઉમેદવારી ફોર્મ ભરવા માટે ઉમેદવારોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. બીજી તરફ જુનાગઢમાં કોંગ્રેસ કાર્યાલયે ગઇકાલે ટિકીટ ફાળવણીના મામલે ભારે હોબાળો સર્જાયો હતો. દાવેદારો વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા પામી હતી. કોંગ્રેસમાં પણ ભારે ખેંચતાણ ચાલી રહી છે.આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોય ભાજપ અને કોંગ્રેસ દ્વારા આજે બપોર બાદ ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે.
ભાજપ દ્વારા જુનાગઢ મહાનગરપાલિકા 68 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયત માટે ઉમેદવારો ફાઇનલ કરી દેવામાં આવ્યા છે. પક્ષમાં ટિકીટ ફાળવણીને લઇ કોઇ વિરોધ વંટોળ ફાટી ન નિકળે તે માટે ફોર્મ ભરવા માટે ટેલીફોનિક સુચનાઓ આપવામાં આવી રહી છે. આજે સાંજે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે જેથી અસંતુષ્ઠનો બળકો કરવાની તક ઓછી મળે અને તેઓને અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરવાનો સમય પ ન મળે હવે ગમે તે ઘડીએ તબકકાવાર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે. કાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. સોમવારે ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને મંગળવારે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હોય સ્થાનીક સ્વરાજયની ચુંટણીનું ચિત્ર મંગળવારે બપોરે સંપૂર્ણ પણે સ્પષ્ટ થઇ જશે.આગામી 16મી ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 18મીએ મત ગણતરી હાથ ધરવામાં આવશે આવતા સપ્તાહથી ચુંટણીનો માહોલ બરાબર જામશે.