- પાલિકા – પંચાયતની ચૂંટણીના ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ
- જૂનાગઢ મહાપાલિકાની બે વોર્ડની આઠ બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ: બાંટવા પાલિકામાં ભાજપ મતદાન પહેલા 10 બેઠકો જીતી ગયું, માંગરોળ પાલિકામાં ચાર અને ઉપલેટામાં બે બેઠકો પર કમળ ખિલ્યું
- જે ઉમેદવારોના ફોર્મ માન્ય થયા છે તેઓને કોંગ્રેસ અજ્ઞાત સ્થળે લઇ ગયું
ગુજરાતમાં આગામી 16મી ફેબ્રુઆરીના રોજ યોજાનારી સ્થાનીક સ્વરાજયની ચુંટણીમાં આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે બપોર સુધીમાં ભાજપ જબ્બરો ખેલ પાડવાના મુડમાં છે. મોટા નેતાઓને ઓપરેશન ફોર્મ પરત ખેંચાવો માટે કામે લગાવી દેવામાં આવ્યા છે. સામા પક્ષે કોંગ્રેસ હાલ એલર્ટ થઇ ગયું છે. મોટા કડાકા-ભડાકાથી શકયતા નકારી શકાતી નથી.
જુનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપના ચુંટણી પ્રભારી કમલેશભાઇ મિરાણી, ધારાસભ્ય સંજયભાઇ કોરડીયા અને જુનાગઢ શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઇ શર્માએ ગઇકાલે રુબરુ ઓપરેશન પાર પાડયું હતું. વોર્ડ નં.3 ના કોંગ્રેસના ચારેય ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા ભાજપના ઉમેદવાર શરીફાબેન કુરેશી,સહેનાજબેન કુરેશી, અબ્બાસભાઇ કુરેશી અને હસમુખભાઇ મકવાણા જયારે વોર્ડ નં. 14 માં કોંગ્રેસના ચારેય ઉમેદવારો હટી જતા ભાજપના જમકુબેન છાયા અધિશકિતબેન મજમુદાર, બાલુભાઇ રાડા અને કલ્પેશભાઇ અજવાણી બીન હરીફ ચુંટાયા હતા.
આ ઉપરાંત બાંટવા નગરપાલિકાના 6 વોર્ડની કુલ 24 બેઠકો માટે પ1 ઉમેદવારો મેદાનમાં છે. ગઇકાલે વોર્ડ નં.ર માં ભાજપના ત્રણ ઉમેદવાર, વોર્ડ નં.3 માં ભાજપના ચાર ઉમેદવાર અને વોર્ડ નં.4 માં ભાજપના ત્રણ ઉમેદવાર બિન હરીફ જાહેર કરવામાં આવ્યા છે. કમળના પ્રતિક પરથી ચુંટણી લડી રહેલા ગીતાબેન રમણીકભાઇ મકવાણા, નિર્મળાબેન તુલસીપરી ગોસ્વામી, કનુભાઇ રામદેવભાઇ સોલંકી, કુસુમબેન કિરીટભાઇ રાઠોડ, રસીલાબેન ગોવિંદભાઇ પરમાર, હીરીબેન જીવાભાઇ કોડિયાતર, ધીરજલાલ ખીમજીભાઇ કણસાગરા, દિપ્તીબેન રણજીતભાઇ વાઢેર, ગીતાબેન ભરતભાઇ ગુરબાણી અને સુનિલભાઇ પીતાંબરદાસ જેઠવાણી બીન હરીફ ચુંટાય આવ્યા છે.
માંગરોળ પાલિકાના વોર્ડ નં. પ ના ભાજપના ઉમેદવાર ક્રિષ્નાબેન કૌશિકભાઇ થાપણીયા, મિતીસાબેન મોહનભાઇ હોદાર, ધનસુખભાઇ માધાભાઇ હોદાર અને રમેશભાઇ હરુભાઇ ખારવા બિન હરીફ ચુંટાયા છે.
આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હોય ભાજપ જબ્બરો ખેલ પાડવાના મુડમાં છે. શકય હશે ત્યાં સુધી હરીફોના ફોર્મ પરત ખેંચાવી લેશે અથવા ચુંટણી લડવાનારા ઉમેદવારોને સંપૂર્ણ પણે નિષ્કીય કરી દેવામાં આવશે અથવા ભાજપના ઉમેદવારોને ટેકો જાહેર કરી દે તેવી સત્તાવાર જાહેરાત કરી દેવાશે. સામા પક્ષી કોંગ્રેસ એલર્ટ મોડમાં આવી ગયું છે. ઉમેદવારો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આજે સાંજ સુધીમાં ચુંટણી ચિત્ર સ્પષ્ટ થઇ જશે.
જે ઉમદવારોના ફોર્મ ચકાસણીમાં માન્ય રાખવામાં આવ્યા છે. તેઓ કોઇ દબાણવશ ઉમેદવારી પાછી ન ખેંચી લ્યે તે બાબતે ઘ્યાનમાં રાખી કોંગ્રેસે પોતાના ઉમેદવારોન અજ્ઞાન સ્થળે રાખ્યા હોવાનુ જાણવા મળી રહ્યું છે.
ભાજપ ડરાવી-ધમકાવી કોંગ્રેસના ઉમેદવારોને ફોર્મ પાછા ખેંચાવતું હોવાનો આક્ષેપ કોંગ્રેસના ચૂંટણી સંકલન સમિતિના ચેરમેન બાલુભાઇ પટેલના આક્ષેપથી ખળભળાટ
રાજ્યમાં 68 નગરપાલિકાઓ, ત્રણ તાલુકા પંચાયતો અને જુનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી સહિત ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણીના ઉમેદવારી પત્રોની ચકાસણી સમયે ભાજપાએ વિવિધ સ્થળો પર કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને ડરાવવા, ધમકાવવા અને પોલીસતંત્ર-વહીવટંત્રના જોરે કોંગ્રેસના ઉમેદવારી પત્રો યેન-કેન પ્રકારે રદ કરવાના માનસિકતા હોવાનો આરોપ મુક્તા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ચૂંટણી સંકલન સમિતિના ચેરમેન બાલુભાઈ પટેલે જણાવ્યું હતું. ગુજરાતમાં મુક્ત અને પારદર્શક રીતે ચૂંટણી યોજવાની જવાબદારી રાજ્ય ચૂંટણી પંચની છે. ગુજરાતમાં કોડીનાર નગરપાલિકામાં ગેરકાયદેસર મંડળી રચીને ત્યાંનો પૂર્વ સાંસદે સમગ્ર વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો. માણસામાં ભાજપાના સ્થાનિક ધારાસભ્ય અને હિત ધરાવતા તત્વો સતત કોંગ્રેસ પક્ષના ઉમેદવારો પર દબાણ કરીને ફોર્મ પરત ખેંચવા હથકંડા અપનાવી રહ્યા હતા જે ઘણી જ ગંભીર બાબત છે. હળવદ નગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારો મજબૂતીથી ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે. ઉમેદવારી પત્રો ભરી દીધા બાદ રવિવાર રાત્રિથી કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને ધાકધમકી આપવામાં આવતા તમામ ઉમેદવારોએ સ્થાનિક કોંગ્રેસ સંગઠનના પદાધિકારીઓ સાથે પોલીસ સ્ટેશનમાં પહોંચીને રક્ષણ માંગ્યું હતું યોગ્ય જવાબ ન મળતા પ્રાંત અધિકારી સમક્ષ સમગ્ર બાબત રજુ કરવામાં આવી છે.
બિલિમોરા નગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારોના ટેકેદારો સાથે યાદી જાહેર કરીને ચૂંટણી અધિકારીએ ભાજપને મદદ થાય, અને કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને નુકસાન થાય તે રીતે ગેરબંધારણીય વર્તુણક કરી છે. મહિસાગરના જિલ્લાના જોધપુર તાલુકા પંચાયત બેઠકના ભાજપાના ઉમેદવારનું જાતિ પ્રમાણપત્ર અંગે કોંગ્રેસ પક્ષે વિસ્તૃત રજુઆત કર્યા છતાં ચૂંટણી અધિકારીએ એકતરફ નિર્ણય કરીને ફોર્મ મંજૂર કર્યું છે. સમગ્ર બાબતે કોંગ્રેસ પક્ષ જે ચૂંટણી અધિકારી સમક્ષ રજુઆત કર્યા છતા પગલા ન ભરાતા રાજ્ય ચૂંટણી પંચને રજુઆત કરશે.
- ઉપલેટા પાલિકામાં પણ કોંગ્રેસના પંજાની બે આંગણીઓ કપાય
- ભાજપના ઉમેદવાર દિવ્યાબેન સુવા અને લાખીબેન નંદાણીયા બીનહરિફ: હજી વધુ વિકેટ ખડવાની સંભાવના
આગામી 16મીએ યોજનાર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં શિયાળામાં પણ ગરમાવો લાવી દીધો છે. કોંગ્રેસે માંડ માંડ શોધેલા ઉમેદવારો ટપો ટપ ખડવા લાગતા ભાજપ ગેલમાં આવી ગયું છે. પાલિકાની બે બેઠકો બીન હરીફ થઇ છે. હજી વધુ કડાકા ભડાકા ભાજપ કરવાના મુડમાં છે.
ભારતીય જનતા પાર્ટી દ્વારા ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે એડી ચોટીનું જોર લગાવી વોર્ડ નં.3 ના બક્ષીપંચ મહિલા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિયતિ મારડીયા ફોર્મ પરત ખેંચી લેતા ભાજપના મહિલા ઉમેદવાર દિવ્યા સુવા બીનહરીફ વિજેતા થયા હતા. જયારે વોર્ડ નં.6 ના કોંગ્રેસના મહિલા ઉમેદવાર પ્રવિણા નંદાણીયાએ ફોર્મ પરત ખેંચી લેતા ભાજપના મહિલા ઉમેદવાર લાખી નંદાણીયા બીન હરીફ થા હતા. તેવી જ રીતે ભાજપમાંથી બળવો કરીને કોંગ્રેસમાંથી ઉમેદવારી કરનાર બળવાખોર વિનોદ બારાઇએ ફોર્મ પરત ખેંચી લેતા કોંગ્રેસની બે વિકેટ ખેડવી કોંગ્રેસના ગાલે તમાચો માર્યો હતો. ચુંટણી પહેલા જ ભાજપનું બુલડોઝર કોંગ્રેસના પંજા ઉપર ફરી રહ્યું છે. ત્યારે બપોર બાદ વધુ કડાકા ભડાકા થશે.