- યુવકને શરીરે બંદૂકની ગોળી લાગતા ગંભીર ઇજાને કારણે મો*ત
- વસીમ પીલુડીયાની હ-ત્યા અંગે તેમના પિતાએ નોંધાવી હતી ફરિયાદ
- પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
મોરબીના માળીયા મિયાણાના વવાણીયા ગામે યુવકને શરીરે બંદૂકની ગોળી લાગતા ગંભીર ઇજાને કારણે મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનામાં પોલીસને ગુમરાહ કરવા નિવેદન આપ્યું હતું કે મૃતક યુવકનું બાઇક સ્લીપ થઈ જતા બંદૂકમાંથી ફાયરિંગ થયું જે કારણે તેનું મોત નીપજ્યું હતું. તેમજ મૃતક વસીમ પીલુડીયાની હત્યા અંગે તેમના પિતા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં મૃતકના મિત્ર અસલમ મોવર તથા જાવલો જેડા વચ્ચે બોલાચાલી થયેલ હોય જેનુ મનદુખ રાખી વસીમને શરીરે ગંભીર ઇજાઓ પહોચાડી મોત નીપજાવ્યું હતું. હાલ પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ માળીયા(મી) તાલુકાના વવાણીયા ગામે ગત 02/02ના સાંજે યુવકને શરીરે બંદૂકની ગોળી લાગતા ગંભીર ઇજાને કારણે મોત નિપજ્યા અંગેના બનાવ બાબતે શિકાર કરવા સાથે રહેલાઓએ પોલીસને ગુમરાહ કરવા નિવેદન આપ્યું કે મૃતક યુવકનું બાઇક સ્લીપ થઈ જતા બંદૂકમાંથી ફાયરિંગ થયું જે કારણે મોત થયું હતું. ત્યારે પોલીસ તપાસમાં ગેરકાયદેસર રીતે શિકાર કરવા ગયેલ ત્રણ શખ્સો પૈકી બે વચ્ચે શિકાર બાબતે બબાલ થતા દેશી હાથ બનાવટની બંદૂકમાંથી ફાયરિંગ કરીને યુવકની કરપીણ હત્યા નિપજાવ્યાનુ સામે આવ્યું હતું. હાલ મૃતક યુવકના પિતાની ફરિયાદને આધારે શિકાર કરવા સાથે ગયેલ હત્યારા બંને આરોપીઓ સામે ગુનો નોંધી માળીયા(મી) પોલીસે બંને આરોપીઓની અટકાયત કરવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.અત્રે નોંધનીય છે કે પોલીસને ગુમરાહ કરવા માટે મૃતક યુવકને પોતાની પાસે રહેલ બંદૂક માંથી પોતાની રીતે અકસ્માતે ગોળી લાગી ગયાની જાહેરાત કરવામાં આવી હતી જોકે પોલીસને આ કહાની ગળે ન ઉતરતા ઊંડી તપાસ કરી હતી અને હત્યાનો ભેદ ઉકેલાયો હતો.
મળતી માહિતી અનુસાર, મોરબીના મહેન્દ્રપરા શેરી નં.10માં રહેતા ગુલામહુશેન અબ્દુલ પીલુડીયા ઉવ.62 એ પુત્રના દીકરાના હત્યારા આરોપીઓ વિરુદ્ધ માળીયા(મી) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી અસલમભાઇ ગફુર મોવર રહે.વાવડી રોડ મોરબી તથા જાવેદ ઉર્ફે જાવલો હાજીભાઇ જેડા રહે.માળીયા(મી) વિરુદ્ધ બીએનએસની કલમ 103 હેઠળ હત્યાનો ગુનો નોંધી આરોપીઓની અટક કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
ઉપરોક્ત હત્યાના બનાવ અંગે મૃતક વસીમ ગુલામહુશેન પીલુડીયાની હત્યા અંગે તેમના પિતા દ્વારા નોંધાવેલ ફરિયાદમાં જાહેર કર્યું કે ગત તા. 02 ફેબ્રુઆરીના રોજ ફરીયાદીના દિકરા વસીમ તથા આરોપીઓ અસલમ ગફુર મોવર તથા જાવેદ ઉર્ફે જાવલો હાજી જેડા એમ ત્રણેય વવાણીયા ગામની સીમમા શીકાર કરવા ગયેલ હોય ત્યારે આરોપી અસલમે ઝાડીમાં છુપાવેલ દેશી બનાવટની બંધુક કાઢી લોડ કરેલ અને તેઓ શીકારની રાહમાં હતા. તે વખતે શીકાર આવી જતા તેનો શીકાર કરવા બાબતે ફરીયાદીના દિકરા વસીમ અને આરોપી અસલમ ગફુર મોવર તથા જાવેદ ઉર્ફે જાવલો હાજી જેડા સાથે બોલાચાલી ઝઘડો થયેલ હોય જેનુ મનદુખ રાખી આરોપી જાવેદ ઉર્ફે જાવલો હાજી જેડાએ દેશી બંધુકમાંથી ફાયરિંગ કરી ફરીયાદીના દિકરાને શરીરે ગંભીર ઇજાઓ કરી મોત નિપજાવી બન્ને આરોપીઓએ ગુનામાં એકબીજાની મદદગારી કરી હતી. હાલ પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે આ અંગે આરોપીઓની પૂછપરછના જાણવા મળ્યું હતું કે તેઓને પ્રસંગ હોવાથી પ્રસંગમાં મિજબાની માણવા માટે શિકાર અર્થે ત્રણે મિત્રો નિર્જન વિસ્તારમાં ગયા હતા. જ્યાં મૃતક વસીમ એ પોતે જ શિકાર કરશે તેવી જીદ પકડતા માથાકૂટ થઇ હતી જેમાં બે મિત્રો અસ્લમ અને જાવેદ એ મળી વસીમ ને ગોળી ધરબી મોતને ઘાટ ઉતાર્યો હતો.
અહેવાલ: ઋષિ મહેતા