- જાગો… મહાજન… જાગો…
- ‘અબતક’એ ચોથી જાગીરનો ધર્મ બજાવ્યો નહીંતર….
વર્ષ 2024નો અંત થવાને જયારે ગણતરીની કલાકો બાકી હતી, રાજકોટ આખું નવા વર્ષના સ્વાગત માટે થનગની રહ્યું હતું તેવા જ અરસામાં દાણાપીઠમાં આવેલી મહાજનોની ત્રણ દુકાનોના ગેરકાયદે તાળા તોડી, સામાન બહાર ફેંકી, વેપારીઓને ધમકાવી ત્રણેય દુકાનોનો કબ્જો ફારૂક મુસાણી આણી ટોળકીએ લઇ લીધો હતો. માથાભારે તોફાનીઓની આવી કરતૂત અને દાદાગીરીથી વેપારીઓ ડઘાઈ ગયાં હતા પણ ’અબતક’એ ચોથી જાગીરની ભૂમિકા ભજવી હતી. ભોગ બનનાર વેપારીઓની પડખે ઉભા રહી મામલામાં તોફાનીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી કડક પગલાં લેવામાં આવે તેવી રજુઆત એ ડિવિઝન પોલીસને કરવામાં આવી હતી પણ પોલીસ જાણે ફારૂક મુસાણી આણી ટોળકીને છાવરવા માંગતી હોય તેમ ભોગ બનનાર ફરિયાદીને અરજી પરત ખેંચી લઇ સમાધાન કરી લેવા દબાણ કરવામાં આવ્યું હતું પણ ચોથી જાગીરે આ મામલાની રજુઆત છેક ગૃહમંત્રી સુધી કરવામાં આવી અને અંતે પોલીસે ગુનો દાખલ કર્યો હતો. ત્યારબાદ પણ પોલીસે તેનું બેવડું વલણ જારી રાખ્યું હતું અને ફરિયાદીને દુકાનનો કબ્જો અપાવવાનો પણ નનૈયો ભણી દેવામાં આવ્યો હતો. જે બાદ ગૃહમંત્રીની સીધી દેખરેખ હેઠળ ધારાસભ્ય સહિતનાએ ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ કરતા અંતે પીઆઈ બારોટની ટીમે કબ્જો પરત અપાવ્યો હતો.
હવે આ ઘટના બાદ જયારે ગત મહિનાની 30 તારીખે જીવદયાપ્રેમીઓએ એ ડિવિઝન પોલીસને ગૌ માસના વેચાણ અંગે ફરિયાદ કરતા પોલીસની ટીમે આઈપી મિશન સ્કૂલની પાછળ આવેલ મકાનમાં દરોડો પાડતા શંકાસ્પદ ગૌ માસ અને અવશેષો મળી આવ્યા હતા જેનો નમૂનો લઇ એફએસએલમાં મોકલી દેવામાં આવ્યો હતો, જે માસ ગૌ માંસ જ હોવાનો રિપોર્ટ પણ એફએસએલએ આપી દીધા બાદ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધવામાં ઢીલી નીતિ અપનાવી હતી પણ જીવદયા પ્રેમીઓએ આ મામલે પણ ગૃહમંત્રીને રજુઆત કરતા અંતે ગઈકાલે મોડી રાત્રે નવાબ મસ્જિદના પ્રમુખ ફારૂક મુસાણી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
સમગ્ર ઘટના પર એકવાર નજર કરવામાં આવે તો ગત 31 ડિસેમ્બર 2024ની બપોરે અંદાજિત પાંચ વાગ્યાંના અરસામાં દાણાપીઠ ખાતે આવેલી નવાબ મસ્જિદના પ્રમુખ ફારૂક ઈબ્રાહીમ મુસાણીએ 20થી વધુનું ટોળું લઇ નવાબ મસ્જિદમાં આવેલી અને 70 વર્ષથી વધુ સમયથી પાઘડી પેટે રહેલી ત્રણ દુકાનના તાળા ભાડુઆતોને જાણ કર્યા વિના જ તોડી નાખી, દુકાનમાં રહેલો સામાન બહાર ફેંકી કબ્જો મેળવી લીધો હતો. જે મામલે મહાજન વેપારી વીરેન્દ્ર કોટેચાએ ફારૂક મુસાણીને આવું નહિ કરવા જણાવતા વકફ બોર્ડએ અમને કબ્જો લઇ લેવા આદેશ આપ્યો છે કહી વકફ બોર્ડનો ઓર્ડર બતાવ્યો હતો. ઉપરાંત વેપારીઓને ડરાવી-ધમકાવી કબ્જો આપી દેવા ધમકીઓ આપવામાં આવી હતી. ડઘાઈ ગયેલા ભાડુઆતી વેપારીઓ ભયમાં મુકાઈ ગયાં હતા તેવા જ સમયે સમગ્ર ઘટનાની જાણ ’અબતક’ને થતાં ચોથી જાગીરે તેની ફરજ બજાવી હતી અને આ પ્રકારે કબ્જો મેળવી શકાતો જ નથી તેવો અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો તેમજ આ મામલે ગુનો નોંધવામાં આવે તેવી ધારદાર રજુઆત પોલીસ સમક્ષ કરવામાં આવી હતી.
એકતરફ ગંભીર ગુનો આચરનાર ફારૂક મુસાણી આણી ટોળકી બેખૌફ થઈને ફરી રહી હતી અને બીજી બાજુ ફરિયાદ નોંધાવવામાં પહોંચેલા ફરિયાદીને અરજી પરત ખેંચી લેવા દબાણ કરવામાં આવ્યું હતું. ’અબતક’એ આ મામલે ગુનો નોંધાવો જ જોઈએ તેવી રજુઆત કરતા એ ડિવિઝન પોલીસના પીઆઈ આર જી બારોટએ આ મામલામાં કોઈ ગુનો બનતો જ નથી, ફક્ત અટકાયતી પગલાં લઇ શકાય તેવી શેખી હાકી હતી. જે બાદ ’અબતક’ દ્વારા આ મામલે પોલીસ કમિશ્નર, ડીસીપી, ધારાસભ્યો, શહેર ભાજપ પ્રમુખથી માંડી ગૃહમંત્રી હર્ષ સંઘવી સહીતને ટેલિફોનિક રજુઆત કરી હતી કે, ફારૂક મુસાણી અને ટોળાંએ ગેરકાયદે તાળા તોડી ભાડુઆતની દુકાનમાં ગેરકાયદે પ્રવેશ કર્યો, માલ સામાન બહાર ફેંકી દઈ મિલ્કતને નુકસાની અને ટોળાં સ્વરૂપે ધસી જઈ વેપારીઓને ધમકાવવા સહિતનો ગંભીર ગુનો આચર્યો હોય તેવું જણાવતા અંતે ઉચ્ચ સ્તરેથી ગુનો નોંધવા આદેશ થતાં પોલીસે અંતે ગુનો નોંધ્યો હતો.
ઘટનાની જાણ થતાં ગૃહમંત્રી હર્ષ સંઘવી તમામ બાબતની જાતે જ પળે પળની માહિતી મેળવી રહ્યા હતા તેમ છતાં અરજદારને તેમની અરજી પરત ખેંચી લેવા એ ડિવિઝન પોલીસે દબાણ ચાલુ જ રાખ્યું હતું. બાદમાં ગુનો નોંધ્યા પછી હર્ષ સંઘવી પોતે જ રાજકોટ પ્રવાસ દરમિયાન ઘટનાસ્થળે દોડી ગયાં હતા અને વેપારીઓને ભયમુક્ત બની રહેવા તાકીદ કરી હતી.
હવે આ આખેઆખી ઘટનામાં ફારૂક મુસાણીનો ખૌફનાક ઈરાદો સામે આવ્યો હતો. પ્રથમ નવાબ મસ્જિદમાં આવેલી ત્રણ દુકાનોનો કબ્જો મેળવી લીધા બાદ તેમાં ગેરકાયદે નોનવેજની દુકાન ચાલુ કરવાનો પ્લાન હતો. ઉપરાંત જો આ ખતરનાક મનસુબો સફળ થાય તો નવાબ મસ્જિદની પાછળ આવેલી નગીના મસ્જિદની 15 દુકાનો પચાવી પાડી તેમાં પણ કતલખાનું શરૂ કરી દેવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. જો આ વિસ્તારમાં મોટાપાયે કતલખાના અને નોનવેજના હાટડા શરૂ કરી દેવામાં આવે તો મહાજનો આપોઆપ તેમની મિલ્કત છોડીને જવા મજબૂર થઇ જાય અને દાણાપીઠ તેમજ સટ્ટાબજારને કતલખાનામાં પરિવર્તિત કરી દેવાનો ખૌફનાક પ્લાન ઘડવામાં આવ્યો હતો. આ અહેવાલ પણ અગાઉ ’અબતક’ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો અને હવે આ અહેવાલને સમર્થન મળે તેવો બનાવ સામે આવ્યો છે.
નવાબ મસ્જિદનો પ્રમુખ ફારૂક મુસાણી દાણાપીઠ અને સટ્ટા બજારને કતલખાનામાં ફેરવી દેવાનો ઈરાદો ધરાવતો હતો તે વાતને સમર્થન ત્યારે મળ્યું જયારે ગત 30મી જાન્યુઆરીના રોજ જીવદયાપ્રેમીઓએ પોલીસને સાથે રાખીને હોસ્પિટલ ચોક નજીક આવેલી આઈપી મિશન સ્કૂલની પાછળ આવેલ ફારૂક મુસાણીના ઘરે દરોડો પાડતા 40 કિલો શંકાસ્પદ ગૌ માસનો જથ્થો મળી આવ્યો હતો. જેનો નમૂનો એફએસએલમાં મોકલવામાં આવ્યો હતો. જે મામલે ગત 4 ફેબ્રુઆરીના રોજ એફએસએલએ સ્પષ્ટ કરી દીધું હતું કે, ફારૂકના ઘરેથી મળી આવેલું માસ ગૌ માસ જ હતું. હવે રિપોર્ટ આવ્યા બાદ પણ એ ડિવિઝન પોલીસ ફારૂકને છાવરવામાં લાગી હોય તેમ બે દિવસ સુધી ગુનો નોંધવામાં આવ્યો ન હતો. જે બાદ જીવદયાપ્રેમીઓએ આ મામલે ગૃહમંત્રી સુધી રજુઆતો કરતા અંતે ગઈકાલે રાત્રે ફારૂક મુસાણી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.
ખુદ વકફ બોર્ડ કે વકફ બોર્ડના ખંભે બંધૂક?
ફારૂક મુસાણીએ વકફ બોર્ડનો ઓર્ડર બતાવી અમને ત્રણેય દુકાનોનો કબ્જો લઇ લેવા વકફ બોર્ડએ આદેશ આપ્યો છે તેવું જણાવ્યું હતું. જે બાદ ’અબતક’એ વકફ બોર્ડનો સંપર્ક કરતા બોર્ડએ સ્પષ્ટતા કરતો નવો પરિપત્ર જાહેર કર્યો હતો કે, અમે કાયદેસરની પ્રક્રિયા કરવા આદેશ આપ્યો હતો જેનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું હતું. હવે આ મામલે ફારૂક મુસાણીએ વકફને એવુ જણાવ્યું હતું કે, 12 વર્ષથી આ દુકાનોમાં વીજ કનેક્શન નથી તેવું જણાવવામાં આવ્યું હતું પણ ખરેખર આ ત્રણેય દુકાનોમાં આજ દિન સુધી વીજ પુરવઠો અવિરતપણે ચાલુ જ છે. હવે જયારે ફારૂકએ વકફને ગેરમાર્ગે દોર્યા હોય અને તેના લીધે આટલો મોટો વિવાદ ઉભો થતો હોય અને તેમાં પણ વકફના ઓર્ડરનો ગેરઉપયોગ કરવામાં આવ્યો હોય ત્યારે વકફ બોર્ડએ ખરેખર ફારૂક વિરુદ્ધ પગલાં લેવા જોઈએ પણ ઘટનાને એક માસનો સમય વીત્યા છતાં હજુ સુધી ફારૂક વિરુદ્ધ કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી.
ગૃહમંત્રીના હારતોરા કરવા દોડી ગયેલા વેપારી આગેવાનો ભયગ્રસ્ત વેપારીઓની બાજુમાં ઉભા રહેતા કેમ ડરે છે?
જયારે મામલામાં ગુનો નોંધાયો, આરોપીઓની ધરપકડ થઇ ત્યારબાદ ગૃહમંત્રી હર્ષ સંઘવી પોતે જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને વેપારીઓ સાથે મુલાકાત કરી હતી ત્યારે ગૃહમંત્રીના હારતોરા કરવા દોડેલા વેપારી આગેવાનો હવે જયારે ફારૂક મુસાણીની ટોળકી દાણાપિઠને કતલખાનામાં ફેરવી નાખવા રઘવાઈ થઇ હોય ત્યારે હવે વેપારી આગેવાનો કેમ આગળ આવતા નથી? ચેમ્બર ઓફ કોમર્સ, ગ્રેટર ચેમ્બર સહીતની સંસ્થાઓને શું આ મુદ્દો જરા પણ ગંભીર નથી દેખાતો કે પછી તેઓ પોતે ડરે છે તેવો પણ સવાલ છે. આ મામલે દાણાપીઠ વેપારી એસો.ના સેક્રેટરી મહેશભાઈ સંઘવીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વેપારીઓ ડરે છે પણ અમે આ મુદ્દો આગામી કારોબારીમાં ઉઠાવવાના છીએ.
ભાજપ નેતાઓના બેવડા મુખવટા ફારૂક જેવાને મોટા કરી રહ્યા છે?
ફારૂક મુસાણી જેવા તત્વોને સાચવવા પાછળ ક્યાંક રાજકારણીઓ અને તંત્રની જ ભૂંડી ભૂમિકા હોય તે સ્પષ્ટ છે. ફારૂક મુસાણી જેવા તત્વો ગેરકાયદે કબ્જો કરે, તાળા તોડે, ગૌ માસનું વેચાણ કરે એટલી હિંમત ક્યાંથી આવે છે તે તરફ એકવાર જો નજર કરવામાં આવે તો જયારે મહાજન વેપારીઓણી દુકાનના તાળા તોડી નાખવામાં આવ્યા ત્યારે આંગળીના વેઢે ગણી શકાય એટલા જ રાજકારણીઓ જ ચિત્રમાં આવ્યા હતા અને વેપારીઓણી પડખે ઉભા રહ્યા હતા. જયારે શેરીએ ગલીએ નેતા બનીને બેઠેલા રાજકારણીઓએ એકવાર ડોકિયું પણ ન કર્યું તે વાત જ સૂચક છે કે, ફારૂકને ટેકો ભાજપના નેતાનો જ હોય અને ફારૂક પણ ભાજપના ખેસ સાથે ફારૂકનો ફોટો પણ વાયરલ થયો હતો.
કાંઠાળા અને ધાર્મિક દબાણો કરતા શહેરની વચ્ચે રહેલા ગેરકાયદે બાંધકામો ક્યારે હટાવાશે?
એકતરફ રાજ્ય સરકારી ઓખા, દ્વારકા, સોમનાથ સહિતના સ્થળો પર બુલડોઝર ચલાવી ગેરકાયદે બાંધકામો તોડી રહી છે ત્યારે કાંઠાળા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો તોડવા કરતા શહેરની વચ્ચે આવેલ રાજાશાહી સમયની દાણાપીઠ બજારમાં ગેરકાયદે થતાં કબ્જા, નોનવેજની દુકાનો અને ગેરકાયદે બાંધકામો તોડી પાડી અસામાજિક તત્વોને પાંજરે પુરી દેવા ખુબ જરૂરી છે.
‘મોઢું મીઠું કરવું’ કે શહેરની સુલેહ શાંતિ જરૂરી?
દાણાપીઠ, સટ્ટા બજારમાં ફ્રૂટ સહિતના વેપારની આડમાં અનેક ગેરકાયદે ગોરખધંધા ચલાવવામાં આવે છે. હવે આ બાબતની ચર્ચા તો સામાન્ય પ્રજાના મુખે પણ થતી હોય છે તો પછી તદ્દન સક્રિય પોલીસને આ બાબતની જાણ સુધા જ નહિ હોય તેવું કેમ માની લેવું. કે પછી ફ્રૂટ સહિતના પાર્સલ-કવર આપી પોલીસનુ મોઢું મીઠું કરાવી દેવામાં આવે છે જેથી પોલીસ આંખ આડા કાન કરી લ્યે છે તેવો પણ સવાલ ઉઠે છે.
પોલીસ અધિકારીને પોલીસ જ ‘ઉઠા’ ભણાવી રહી છે?
અગાઉ જયારે ત્રણ દુકાનોના તાળા તોડવામાં આવ્યા હતા ત્યારે જ એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ રવિ બારોટે બેવડું વલણ દાખવ્યું હતું. અગાઉ આ પ્રકરણમાં ગુનો દાખલ થઇ શકે નહિ, ફક્ત અટકાયતી પગલાં લઇ શકાય છે તેવું જણાવ્યા બાદ પોલીસ કમિશ્નર સહિતના ઉચ્ચ અધિકારીઓ, ધારાસભ્ય અને ગૃહમંત્રી સુધી રજુઆત કરવામાં આવતા પીઆઈએ પોતે ગુનો દાખલ કરાવવા અરજદારોને જણાવી દીધાનું જણાવ્યું હતું. જો કે, બીજી બાજુ ફરિયાદ દાખલ કરશો તો દુકાનનો કબ્જો અમે પરત અપાવીશું નહિ તેવી ગર્ભિત ધમકી આપી ગુનો દાખલ થાય નહિ તેવો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ દુકાનનો કબ્જો અપાવવા મામલે જયારે અરજદારોએ પોલીસનો સંપર્ક કર્યો ત્યારે કાયદેસર રીતે પોલીસ કબ્જો અપાવી જ શકે છે પણ તેમ છતાં પીઆઈએ હવે કોર્ટ આદેશ આપે ત્યારબાદ જ તમને કબ્જો પરત મળશે તેવું જણાવ્યું હતું.
મહાજન જાગશે તો જ રાજકારણીઓ ‘ઉભા’ રહેશે
જેવી રીતે દાણાપીઠમાં દુકાનના તાળા તૂટ્યા, કબ્જો લઇ લેવાયો, વેપારીઓને ધમકી દેવાઈ ત્યારે વેપારીઓ ડરી ગયાં હતા અને પોતાની દુકાનનો સામાન પોતે જ બહાર કાઢવા લાગ્યા હતા ત્યારે ’અબતક’ મીડિયા વેપારીઓની પડખે આવ્યું હતું અને જરૂર પડ્યે તમામ મોરચે સાથ આપ્યો હતો. જે બાદ નેતાઓ પણ હરકતમાં આવી ગયાં હતા અને મુદ્દો ગાંધીનગર સુધી પહોંચ્યો હતો ત્યારે હવે મહાજને જાગવાની જરૂરિયાત છે નહીંતર મહાજન પ્રથા લુપ્ત થઇ જાય તો નવાઈ નહિ.
‘અબતક’ના પ્રતિનિધિઓએ રાત્રીના દોઢ વાગ્યાં સુધી હાજર રહી ગુનો દાખલ કરાવ્યો’તો
ઘટનાની જાણ થયાં બાદ તાત્કાલિક અબતકની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યાં વેપારીઓનો સામાન દુકાનની બહાર ફેંકી દેવાયો હતો. વેપારીઓ ડઘાયેલા અને આવારા તત્વો બેફામ બનીને ઉભા હતા ત્યારે અબતકની ટીમે આખી ઘટનાનો વિડીયો રેકોર્ડ કરી અબતક મીડિયાના મેનેજીંગ તંત્રી સતિષકુમાર મહેતાને જાણ કરી હતી. જે બાદ તેઓ પોતે જ ઘટનાસ્થળે અને ત્યારબાદ પોલીસ મથકે દોડી ગયાં હતા અને આ મામલે ગુનો દાખલ થાય જ તેવી દલીલ કરી હતી. તેમ છતાં પોલીસ આ મામલે ગુનો બનતો નથી તેવી ધડ માથા વિનાની દલીલ કરતા અબતકની ટીમ અડગ રહી હતી અને રાત્રીના દોઢ વાગ્યાં સુધી પોલીસ મથકમાં હાજર રહી ગુનો દાખલ કરાવ્યો હતો.
જરૂર પડશે તો વકફ બોર્ડ ફરિયાદી બનશે: ડો.લોખંડવાલા
આ મામલે અબતક દ્વારા વકફ બોર્ડના ચેરમેન ડો. લોખંડવાલાનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે તેમણે કહ્યું હતું કે, બોર્ડને ગેરમાર્ગે દોરવા બદલ ફારૂક પાસે ખુલાસો માંગ્યો છે અને ત્યારબાદ ફારૂકને ટ્રસ્ટી પદેથી દૂર કરવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જરૂર પડ્યે વકફ બોર્ડ ફરિયાદી બની ફારૂક વિરુદ્ધ ગુનો નોંધાવશે.