- અહીં પ્રાચિન સમય મા ‘ઘાતરવડ’ નામનું એક વિશાળ નગર હતું.જ્યાં ‘એભલવાળા’અને ‘અરશીવાળા’ બેઈ રાજપુત ભાઈઓ ના રાજ હતા…
- આજે તો એના અવશેષો પણ ડેમ મા ડુબી ગયા છે,બચ્યા છે પ્રાચિન ગઢ ના થોડાક કાંગરા અને માંગડાવાળા ને નામે ઓળખાતો ઉજ્જડ કોઠો.
- આ એભલવાળાનો દિકરો એજ ‘વિર માંગડાવાળો’
- માંગડાવાળા અને સતી પદ્માવતી ની પ્રેમકહાની ખુબજ પ્રચલિત છે…’ઝવેરચંદ મેઘાણી’ ની કલમે પણ અમુક વાતો લખાણી છે.
- સૌરાષ્ટ્રની ધરામાં ઐતિહાસિક વાર્તાઓ ઢબૂરાઈને પડેલી ઘટના
હાલના દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ભાણવડ તાલુકાના બરડા ડુંગરમાં આવેલા ઘુમલી પર ભાણ જેઠવા રાજપૂતોનું રાજ હતું. ગીરના ધાતરવડ ગામનો વીર માંગડાવાળો જેઠવાનો ભાણેજ થતો હતો અને તેનો માનીતો હતો. ત્યાં ફૂલોનો બગીચો હતો. તેની દેખરેખ માંગડાવાળો રાખતો હતો.
એક વાર માંગડાવાળો મેળામાં જાય છે. ત્યાં જ અંતરિયાળ રસ્તામાં વેલડું લઈને પાટણની પદમાવતી અને તેની સહેલી જતી હોય છે. તેવામાં અલમસ્ત હાથી ગાંડો થઈને આ વેલડાને પાડી દેવાની કોશિશ કરે છે. અને વેલડું પડું… પડું.. થાય છે, ત્યાં જ યુવાન વીર માંગડાવાળો ઘોડી પર સવાર થઈ આવે છે. માંગડાવાળો હાથીને પોતાની મર્દાનગીથી હડસેલી હાથીને કાબૂમાં લઈ તેના પર અસવાર થઈ વેલડા નજીક આવે છે. ત્યાં પદમાવતી અને તેની સહેલી નીચે ઊતરે છે.
પદમાવતી તો આંટિયાળી પાઘડીવાળા લવરમૂછિયા માંગડાવાળાને જોતાંવેંત તેના પ્રેમમાં પડી ગઈ અને ગાંડા હાથીએ માંગડાવાળાને માથામાં ઈજા કરી હતી ત્યાં તેની ચૂંદડીનો છેડો ફાડી તેના કપાળે પાટો બાંધીને આભાર વ્યક્ત કરતાં જણાવે કે આજ આપ ન હોત તો આ હાથી અમે કચડી નાખત.
ત્યાર પછી માંગડાવાળો અને પદમાવતી બન્ને સજોડે મેળામાં જાય છે. રૂપ રૂપના અંબાર જેવી પદમાવતીને નીરખી માંગડાવાળો તેને ચાહવા લાગે છે, અને પદમાવતીએ તો મનોમન નક્કી કરી લીધું કે પરણીશ તો માંગડાવાળાને જ પરણીશ. તે પ્રણ લે છે કે જ્યાં સુધી મારાં લગ્ન માંગડાવાળા સાથે ન થાય ત્યાં સુધી હું નિયમિત શંકર ભગવાનના મંદિરે નિયમિત દર્શન અને પૂજા-અર્ચન કરીશ.
માંગડાવાળો મિયાણીના હરસિદ્ધિ માતાનો ભક્ત હતો એટલે તે ઘુમલીથી મિયાણી હરસિદ્ધિ માતાના દર્શન કરવા ગયો હતો. લૂંટારાઓને બાતમી મળી કે માંગડાવાળો ઘુમલીમાંથી નથી તેથી તેઓ ત્યાં આવીને ઢોર-ઢાંખરને લૂંટી ગયા. ભાણ જેઠવાને આ સમાચાર મળતાં તેમણે લૂંટાઓનો પીછો કર્યો અને ગીરની હીરણ નદીના કાંઠે તેમને આંતરીને પડકાર્યા. ત્યાં લૂંટારાઓ અને ભાણ જેઠવા વચ્ચેે ઘમસાણ યુદ્ધ થયું. તેની જાણ વીર માંગડાવાળાને થતાં તે હરસિદ્ધ માતાનાં દર્શન કરી સીધો ગીર તરફ જવા નીકળે છે, પણ રસ્તામાં પાટણ ગામના પાદરે શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જાય છે ત્યાં પદમાવતી થાળ લઈને દર્શન કરી જતી સામે જ મળે છે. વીર માંગડાવાળો યોદ્ધો બની લડાઈમાં જવાના મૂડમાં હતો, પણ પદમાવતી મળતાં ફરી પ્રેમના અંકુર ફૂટી નીકળ્યા.
માંગડાવાળાએ પૂછ્યું, કાં દર્શને આવ્યાં? પદ્માવતી કહે છે, આપ જ્યારથી મને મળ્યા છો તે દિવસથી હું આપના અપાર પ્રેમમાં પડી છું. આપને જ મારો ભરથાર માની બેઠી છું. જ્યાં સુધી આપની સંગાથે લગ્ન નહિ થાય ત્યાં સુધી શંકર મંદિરે નિત્ય દર્શન કરવા આવું છું. અને એના અનુસંધાને જ હું અત્યારે મંદિરે આવી છું. બોલો માંગડાવાળા, આપ મારી સાથે પરણશો?
માંગડાવાળા તરત જ શંકર ભગવાનનો ઋણી હોય એમ બોલ્યો: મારા મનની વાત તમે કરી દીધી. હા પદમાવતી, હું આપની સાથે જ લગ્ન કરીશ. તો પદમાવતી કહે છે, મને કોલ આપો. માંગડાવાળો પદમાવતીના હાથમાં હાથ રાખી વચન આપે છું કે, પરણીશ તો આપને જ પરણીશ.
માંગડાવાળો આમ કોલ આપી ધીંગાણામાં લડવા જાય છે. લૂંટારાઓ સામે લડતો હતો પણ પદમાવતીની પ્રિત મનમાં ઉછાળા મારતી હતી. પ્રેમમાં પડેલા માંગડાવાળાનું દિલ કૂણું માખણ જેવું બની ગયું હતું. પદમાવતીના વિચારમાં સતત રત રહેતા માંગડાવાળાને લૂંટારાએ દગો કર્યો. માંગડાવાળો પદમાવતીના પ્રેમના કારણે શૌર્યથી લડી શક્યો નહિ અને દુશ્મનોના હાથે માર્યો ગયો.
માંગડાવાળો યુદ્ધમાં મર્યા પછી અધૂરી ઇચ્છાને કારણે ભૂત બન્યો. આ બાજુ પદમાવતીને માંગડાવાળો મરાયો છે તેની જાણ થતાં તે પણ ઉદાસ થઈ ગઈ. ઘરના મોભીએ તેને બહુ સમજાવી તેને ઉનાના પૈસાપાત્ર વેપારીના પુત્ર સાથે પરણાવવાની વાત કરી. પદમાવતીએ સહમતી આપતાં લગ્નની જાન ઉનાથી પાટણ જવા નીકળી ત્યારે તેઓ એક વડના ઝાડ નીચે રોકાયા. માંગડાવાળાના કાકા અરશી આ જાનના સરદાર હતા, અને ઝાડની નીચે સૂતી વખતે તેમના પર માંગડાવાળાનાં આંસુ પડતાં તેઓ વિચારમાં પડ્યા. માંગડાવાળાએ પોતાની વિતકકથા કહી અને કાકા અરશીને પોતાને તેમની સાથે જાનમાં લઈ જવા વિનંતી કરી. ભૂત માંગડાવાળો વરરાજા બની જાનમાં જાય છે અને કાકા માંગડાવાળાનાં લગ્ન પદમાવતી સાથે કરાવે છે અને લગ્ન પછી જાન પાછી વડના ઝાડ પાસે આવતાં ભૂત માંગડાવાળો વડમાં સમાઈ જાય છે અને તૃપ્ત થાય છે.
માંગડાવાળાએ આ વડની નીચે પોતાનો પાળિયો બનાવવાનું સૂચન કર્યું અને પોતે આવતી-જતી જાનનાં જાનૈયાંઓને હંમેશા મદદ કરશે એવું વચન આપ્યું. આજે પણ જ્યારે ગામમાં કોઈ લગ્ન થાય છે ત્યારે વર-કન્યા અહીં આવીને વીર માંગડાવાળા ભૂતડાદાદાને શ્રીફળ ચડાવે છે ને છેડાછેડી અહીં છોડે છે.
વીર માંગડાવાળા નો પાળીયો અને એ ઝાડ ભાણવડની બાજુમાં આવેલ છે, જે ભૂતવડ તરીકે ઓળખાય છે.
આ અજોડ કથાનું વર્ણન ખૂબ સુંદર રીતે ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રની રસધારમાં ‘ભુત રુવે ભેંકાર’ નામની વાર્તામાં કરેલ છે.