- SC/ST/OBC સેલ અને સામાજિક ઉત્કર્ષ ફાઉન્ડેશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વ્યાખ્યાનમાળા યોજાયો
- વિવિધ સમાજના અગ્રણીઓ સહિત વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં રહ્યા ઉપસ્થિત
- 75 વર્ષની બંધારણની યાત્રા વિશે મનનીય વ્યક્તવ્ય યોજાયા
વેરાવળ: એસ.સી./એસ.ટી./ઓ.બી.સી. સેલ અને સામાજિક ઉત્કર્ષ ફાઉન્ડેશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે વિશેષ વ્યાખ્યાનમાળા યોજાઇ હતી. તેમજ વ્યાખ્યામાળામાં અનુસૂચિત જાતિ આયોગના રાષ્ટ્રીય અધ્યક્ષ કિશોર મકવાણા અને જાણીતા લેખિકા રસિકબા કેસરિયાએ 75 વર્ષની બંધારણની યાત્રા વિશે મનનીય વ્યક્તવ્ય વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કર્યા હતાં. તેમજ આ અવસરે વેરાવળના જાણીતા અગ્રણી ઝવેરી ઠકરાર, સમાજના અગ્રણીઓ, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના પ્રાધ્યાપક અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
આ અંગે મળતી માહિતી મુજબ, અનુસૂચિત જાતિ આયોગના રાષ્ટ્રીય અધ્યક્ષ કિશોર મકવાણાએ “75 વર્ષની બંધારણની યાત્રા“ વિશે વ્યક્તવ્ય આપતાં જણાવ્યું કે, ભારત આજે શક્તિશાળી બની રહ્યું છે તેની પાછળ બંધારણની સશક્તતા રહેલી છે. બંધારણમાં રહેલી આ શક્તિને કારણે આજ સુધી તેમાં કોઇ ફેરફાર કરી શકાયો નથી. તેવી ચુસ્તતા બંધારણ ઘડવૈયાઓએ દાખવેલી છે. તેમણે, વધુમાં જણાવ્યું કે, મહાત્મા ગાંધીજી, વીર સાવરકર, સ્વામી વિવેકાનંદ જેવા મહાનુભાવોએ ભારતને જેવા દિવ્ય અને ભવ્ય જોવાની વાત કરી હતી તેને સાકાર કરવાની વાત ભારતીય બંધારણમાં રહેલી છે.
અધ્યક્ષએ ભારતીય બંધારણમાં રહેલી વિશેષતાઓ, બંધારણ ઘડતરની પ્રક્રિયા, બંધારણ અમલીકરણની પ્રક્રિયા વગેરે વિશે વાત કરીને ભારતીય બંધારણ વિશ્વમાં સૌથી લાંબુ, લેખિત અને લચિલુ છે. તે વિશેની વિગતે વાત કરી હતી. બંધારણનો આત્મા ‘સમાનતાનો અધિકાર’ છે તેમ જણાવી લોકશાહી અખંડિત, અક્ષુણ્ણુ રહે અને લોકશાહીના મંદિરમાં લોકતંત્ર ધબકતું રહે તે માટે બંધારણની જરૂરિયાત વિશે તેમણે પ્રકાશ પાડ્યો હતો.
બંધારણ ઘડતર દરમિયાન આવેલા પડકારો અને સદિયોથી પોતાના ન્યાય અને અધિકારીથી વંચિત રહેલા દલિતોને તેમનો અધિકાર કઇ રીતે મળી શકે તે માટે ડો.બાબા સાહેબ આંબેડકરનું ચિંતન અને તે દિશામાં ઉઠાવેલા પગલાઓની સવિસ્તાર ચર્ચા કરી હતી. જાણીતા લેખિકા રસિકબા કેસરિયાએ સ્વતંત્ર ભારતના સ્વપ્ન વિશે વાત કરીને ભારત માતાની આઝાદી માટે વીર સાવરકરે કરેલા પ્રત્યનોની હ્રદયસ્પર્શી વાત કરી હતી.
સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ સુકાંન્તકુમાર સેનાપતિએ રાષ્ટ્રના સ્વાભિમાનમાં જ પોતાનું ગૌરવ સન્માન સમજશું તો જ ભારતને વિશ્વ ગુરૂ સુધી પહોંચાડી શકીશું. તેમ જણાવી ભારતની સંસ્કૃતિ ઋષિ અને કૃષિની છે. ભારતનો સ્વર્ણિમ વૈભવ કવિઓ અને ભક્તોએ લીપીબંધ કર્યો છે. રાષ્ટ્ર પ્રત્યે સ્વાભિમાન ન હોય તો આપણે આગળ વધી શકીશું નહીં તેમ જણાવી રાષ્ટ્રને પ્રેમ કરવાની જરૂરિયાત વર્ણવી હતી. સોમનાથ યુનિવર્સિટીના કાર્યકારી કુલસચિવ લલિતકુમાર પટેલએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને એસ.સી./એસ.ટી./ઓ.બી.સી. સેલના ડી.એન.મોકરિયાએ આભારવિધિ કરી હતી.
આ અવસરે વેરાવળના જાણીતા અગ્રણી શ્રી ઝવેરીભાઇ ઠકરાર, સમાજના અગ્રણીઓ, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના પ્રાધ્યાપક અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
અહેવાલ: અતુલ કૉટૅચા