- આકાશ કુકડીયા નામના યુવકનું થયું અપહરણ
- ચાર આરોપીઓ વોન્ટેડ જાહેર
- યુવક પાસેથી એક કરોડ માગ્યા હોવાની નોંધાઈ હતી ફરિયાદ
- કાપોદ્રા વિસ્તારમાંથી થયું હતું કીડનેપીંગ
સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી એક યુવકના અપહરણની ઘટના સામે આવી છે. વરાછા વિસ્તારમાં આવેલ રંગ અવધૂત સોસાયટીમાં પરિવાર સાથે રહેતા આકાશ કુકડીયા નામનો યુવક ઓનલાઇનનો ધંધો કરીને પરિવારનુ ગુજરાન ચલાવે છે. આકાશ કુકડીયા બપોરના સમયે ઓફિસ જતો હતો તે સમયે કાપોદ્રા સરકારી ગોડાઉન પાસે કાર અને બાઈકમાં આવેલા ઈસમો દ્વારા આકાશનું અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણ બાદ યુવક પાસેથી એક કરોડ માગ્યા હોવાની ફરિયાદ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાય છે. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી ત્રણેય ઈસમને પકડવામાં આવ્યા છે અને ચાર લોકોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી અનુસાર, ઓનલાઇન મોબાઇલ એસેસરીઝના ધંધા સાથે સંકળાયેલા વેપારીનું કાપોદ્રા ચાર રસ્તા પાસેથી કારમાં અપહરણ કરાયું હતું. આ વેપારી બુકી હોવાનું અને તેની પાસે રાજકોટથી 10 કરોડ રૂપિયા આવ્યા હોવાનું કહી એક કરોડ રૂપિયાની ખંડણી માટે ધમકાવી અબ્રામા ગામ પાસે છોડી દેવાયો હતો. પોલીસે ત્રણ અપહરણકર્તાઓને દબોચી લીધા હતા.
ઝડપાયેલા ખુશાલે પોલીસને જણાવ્યું હતું કે, આકાશ સાથે તેની મિત્રતા બંનેના કોમન ફ્રેન્ડ દિપેન સાથે થઇ હતી. તે વખતે ત્રણેય સટ્ટો રમતા હતા તે વખતના અઢી લાખ રૂપિયા આકાશ પાસે લેવાના હતા તે નહીં આપતો હોવાથી ઉઘરાણીમાં અપહરણ કર્યું હતું. બીજી તરફ આકાશ પોતે ક્યારેય સટ્ટો રમતો નહીં હોવાનું પોલીસને જણાવતો હોઇ મામલો ગૂંચવાયો છે.
ખુશાલે વધુમાં જણાવ્યું હતું કે, દિપેન હાલ ઓસ્ટ્રેલિયા રહે છે. તેણે થોડાક સમય પહેલા ફોન કરીને જણાવ્યું હતું કે આકાશ પાસે 10 કરોડ રૂપિયા આવ્યા છે. જેથી નાણાં પરત મળવાની અપેક્ષા જાગી હતી. ખુશાલે પોતાની સાથેના સાગરીતોને 40 લાખની ઉઘરાણી બાકી હોવાનું જણાવ્યું હતું. 40 લાખ બાદ ખંડણીમાંથી જે રકમ બચશે તેનો સરખો ભાગ કરવાનું કહ્યું હતું.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય