સુરત: નર્સિંગ સમુદાય માટે રમતગમત અને સામાજિક જાગૃતિ માટે ગુજરાત નર્સિંગ ક્રિકેટ પ્રીમિયર લીગ-૩ (GNCP-2025) નું ભવ્ય આયોજન ખજોદના સી.બી.પટેલ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ કરાયું છે, નર્સિંગ સમુદાય માટે એકતા, પ્રગતિ અને જાગૃતિનું પ્રતિક સમાન આ ટુર્નામેન્ટમાં ગુજરાતની વિવિધ નર્સિંગ કોલેજો અને હોસ્પિટલોની 32 ટીમો ભાગ લઈ રહી છે. આ પ્રસંગે યુથ ફોર ગુજરાતના પ્રમુખ જિજ્ઞેશ પાટીલે કહ્યું કે, ગુજરાત નર્સિંગ ક્રિકેટ પ્રીમિયર લીગ નર્સિંગ સમુદાયની એકતાને મજબૂત કરશે અને આ ક્ષેત્રની પ્રગતિનું પ્લેટફોર્મ બનશે. આ ટુર્નામેન્ટ માત્ર રમતગમત સુધી મર્યાદિત નથી, પણ ‘નો ડ્રગ્સ’ અને “મેક્સિમમ ઓર્ગન ડોનેશન’ જેવી મહત્વપૂર્ણ ઝુંબેશોને પ્રોત્સાહન આપવાનો અનોખો મંચ છે. નર્સિંગ સમુદાયના યોગદાનને બિરદાવવાનો પણ પ્રયાસ છે. 24 કલાક નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતાં વિદ્યાર્થીઓ માટે આવી ટુર્નામેન્ટ થવી જાઈએ.
સુરત મનપાના પૂર્વ સ્થાયી સમિતિ ચેરમેન પરેશ પટેલે જણાવ્યું કે, ‘કેચ ધ રેઈન’ થીમ પર આધારિત આ ક્રિકેટ ટુર્નામેન્ટ નર્સિંગ સમુદાયને કામના ભારણમાંથી થોડી હળવાશ આપી મૈત્રી અને ખેલદિલીની ભાવનાને ઉજાગર કરશે. સાથોસાથ કેન્દ્ર અને રાજ્ય સરકારના જળસંચય અભિયાનને વેગ આપવાનો પ્રયાસ છે. વિદ્યાર્થીઓએ પોતાના તેમજ પરિવારનો દૃષ્ટિકોણ બદલી પાણી બચાવવા જાગૃત થવા અને પર્યાવરણ જાળવણીમાં સહયોગ આપવો પડશે. VNSGUના બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય મહેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું કે, નર્સિંગ ક્રિકેટ લીગથી નર્સિંગ સમુદાયની મહેનત અને સમર્પણને બિરદાવવાનો પ્રયાસ સરાહનીય છે એમ જણાવી સૌને આરોગ્ય ક્ષેત્ર અને રમતગમતમાં સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા પિનલ પટેલ, દિવ્યેશ પટેલ, દેવ પટેલ અને વિરાંગ આહિરે અમૂલ્ય સહયોગ આપ્યો હતો.
આ પ્રસંગે VNSGUના એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય ડો.કશ્યપ ખારચીયા, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. ધારિત્રી પરમાર, નવી સિવિલના આર.એમ.ઓ.ડો. કેતન નાયક, ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા, નર્સિંગ કોલેજના આચાર્ય ડો.ઈન્દ્રાવતી રાવ, ક્રિકેટ લીગના આયોજક આદિલ કડીવાલા તથા વિરેન પટેલ, વિદ્યાર્થી સલાહકાર કમલેશ પરમાર, નર્સિંગ એસો.ના અશ્વિન પંડયા, હેમદીપ પટેલ, શનિ રાજપૂત, નર્સિંગ હોસ્પિટલ અને કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.