- બીજી દીકરીનો જન્મ થતા પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા
- ઝઘડામાં પતિ દ્વારા જ પત્નીનું મોઢું દબાવાયુ અને નણંદે ઉંદર મારવાની દવા પરિણીતાને પીવડાવી દીધી
- ઘટનામાં પરિણીતાને તાત્કાલિક અસરથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ
- ઘટનાને લઈને પતિ અને નણંદ સામે પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી
- પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે
સુરત: એક તરફ બેટી બચાવોની વાત સરકાર દ્વારા કરવામાં આવે છે અને બીજી તરફ હજુ પણ દીકરીના જન્મથી પરિવાર ના ખુશ હોય તેવા કિસ્સા સામે આવે છે. ત્યારે આવી જ એક ઘટના સુરતના ઉમરવાડા વિસ્તારમાં સામે આવી છે. બીજી દીકરીનો જન્મ થતા પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા અને એક દિવસ તો પતિએ હદ કરી નાખી અને આ ઝઘડામાં પતિ દ્વારા જ પત્નીનું મોઢું દબાવવામાં આવ્યુ અને નણંદે ઉંદર મારવાની દવા પરિણીતાને પીવડાવી દીધી. તો બીજી તરફ આ ઘટનાને લઈને પતિ અને નણંદ સામે પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ કરી.
સુરતના ઉમરવાડા વિસ્તારમાં પતિ સાથે રહેતી પરિણીતા તસ્લીમાના લગ્ન ત્રણ વર્ષ પહેલા આકિબ યુસુફ અન્સારી નામના યુવક સાથે થયા હતા. લગ્ન બાદ પરણીતાએ એક દીકરીને જન્મ આપ્યો હતો અને ત્યારબાદ ફરી ગર્ભવતી થતા બીજી દીકરીનો જન્મ થયો. દીકરીનો જન્મ થયો હોવાની વાત આકીબ અને તેના પરિવારના સભ્યોને પસંદ ન હતી. આકીબ અને તેની પત્ની વચ્ચે અવારનવાર ઝઘડાઓ પણ થતા. તો થોડા મહિના પહેલા જ આકીબની બહેનની સગાઈ થઈ હોવાને લઈને અણબનાવમાં આકિબ દ્વારા તેની પત્ની તસ્લીમાને માર મારવામાં આવ્યો હતો.
પતિ પત્ની વચ્ચે જે ઝઘડાઓ થતા હતા. તો ઘણી વખત આ ઝઘડા ઉગ્ર સ્વરૂલ ધારણ કરી લેતા હતા. 17 જાન્યુઆરીના રોજ ફરીથી આકીબ અને તેની પત્ની વચ્ચે ઝઘડો થયો હતો અને બીજી દીકરીના જન્મ બાબતનો રોષ રાખીને આ ઝઘડાની અદાવતમાં પતિએ પોતાની પત્નીનું મોઢું પકડી રાખ્યું હતું અને ત્યારબાદ નણંદ રોશન દ્વારા ઉંદર મારવાની દવા પરિણીતાને પીવડાવી દેવામાં આવી હતી.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય