Abtak Media Google News

કોંગ્રેસમાં સર્વોપરીતાની લડાઈ ચરમસીમાએ કેપ્ટને જલિયાવાલા બાગના રીનોવેશન મુદ્દે એક કાંકરે બે પક્ષી માર્યા, રીનોવેશનની પ્રસંશા કરી પંજાબીઓના દિલ જીત્યા, સાથે ભાજપ તરફનો ઝુકાવ પણ પ્રદર્શિત કર્યો

 

અબતક, નવી દિલ્હી : કોંગ્રેસમાં સર્વોપરીતાની લડાઈ ચરમસીમાએ પહોંચી છે તે જગજાહેર છે. જેમાં રાહુલે ઉતારેલા નાટકીયા સિદ્ધુ પાજીને ભરી પીવા માટે કેપ્ટન સજ્જ હોવાના સંકેતો ઘણા સમયથી મળી રહ્યા છે. જલિયાવાલા બાગ અંગેના નિવેદનમાં પણ આવું જ જોવા મળ્યું હતું. જેમાં કેપ્ટને એક કાંકરે બે પક્ષી માર્યા, રીનોવેશનની પ્રસંશા કરી પંજાબીઓના દિલ જીત્યા છે. સાથો સાથ ભાજપ તરફનો ઝુકાવ પણ પ્રદર્શિત કર્યો છે.

 

ઐતિહાસિક જલિયાંવાલા બાગ સ્મારકના કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલ આધુનિકીકરણનો વિવાદ ઉગ્ર બની રહ્યો છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ઉપરાંત ડાબેરીઓએ પણ તેને દેશના ઈતિહાસને નષ્ટ કરવાનું કૃત્ય ગણાવ્યું છે. તો બીજી બાજુ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંઘે તેની પ્રશંસા કરી છે. રાહુલે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે જલિયાંવાલા બાગ સ્મારકના નવિનીકરણના નામે સરકારે શહીદોનું અપમાન કર્યું છે. ટ્વિટરના માધ્યમથી પોતાનો આક્રોશ ઠાલવતાં રાહુલે કહ્યું કે હું એક શહીદનો પુત્ર છું. જે લોકો શહીદ શબ્દના અર્થ વિશે ના જાણતાં હોય તેવા લોકો જ આ રીતે જલિયાંવાલા બાગના શહીદોનું અપમાન કરી શકે. હું કોઈ પણ ભોગે આ અપમાન સહન નહીં કરું. જે લોકોએ આઝાદી માટે ભોગ નથી આપ્યો તે લોકો તેના મૂલ્યને નહીં સમજી શકે.

 

સ્મારકના નવિનીકરણમાં મુખ્ય વિવાદ લાઈટ એન્ડ સાઉન્ડ શો અને બાગ સુધી જતાં સાંકડા ગલી જેવા રસ્તામાં કરાયેલા પરિવર્તનનો છે. અગાઉ આ સાંકડા રસ્તાની બંને બાજુ માત્ર કોરી દીવાલો હતી. હવે આ દીવાલો પર ટેક્સચર પેઈન્ટ લગાવી તેની પર લોકોના હસતાં ચિત્રો અંકિત કરાયા છે. આ મુદ્દે આશ્ચર્ય એ સર્જાયું કે રાહુલ ગાંધીએ રીનોવેશનની ટીકા કરી હતી. તો બીજી બાજુ કોંગ્રેસ પક્ષના જ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટને રિનિવેશનના વખાણ કર્યા છે.

સિદ્ધુને મળવા હાઇકમાન્ડે સમય ન આપતા વિવાદનો મામલો વધુ ગૂંચવાયો !!

પંજાબ કોંગ્રેસમાં વિવાદ અટકવાનો નામ નથી લઈ રહ્યો. પાર્ટી હાઈકમાન્ડને મળવા ગયેલા કોંગ્રેસ પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુ ગુરુવારે હાઈ કમાન્ડને મળ્યા વિના દિલ્હીથી પરત ફર્યા છે. કહેવામાં આવી રહ્યુ છે કે સિદ્ધુએ કોંગ્રેસ હાઈકમાન્ડને મળવા માટે સમય માંગ્યો હતો પરંતુ તેમને મળવાનો સમય નહોતો મળ્યો. જોકે તેમના સમર્થકો તેમની આ મુલાકાત અંગત ગણાવી રહ્યા છે. બીજી તરફ પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ રાવત પણ કેપ્ટન-સિદ્ધુ વિવાદના ઉકેલ માટે ગુરુવારે ચંદીગઢમાં રહ્યા હતા. રાવતે નવજોત સિદ્ધુ અને મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ સાથે મુલાકાત કરી છે. તેઓ ત્રીજા દિવસે કોઈ વરિષ્ઠ નેતાને મળવાનો શિડ્યૂલ નથી.

કેપ્ટનના મૂળ પંજાબમાં ખૂબ ફેલાયેલા, તેને ઉખાડવા લોઢાના ચણા ચાવવા જેવું

કેપ્ટનના શક્તિ પ્રદર્શન માટે પોલિટિકલ ડિનર કરાવી ચૂકેલા રમત મંત્રી રાણા ગુરમીત સોઢીએ કહ્યું કે પંજાબમાં મુખ્યમંત્રીનો ચહેરો બદલવાનો મુદ્દો પૂરો થઈ ગયો છે. ભલે દરેક મંત્રી મુખ્યમંત્રી બનવા માંગતા હોય પણ પંજાબમાં કેપ્ટન અમરિન્દરની છબી ખૂબ મોટી છે. કેપ્ટન 2 વખત મુખ્યમંત્રી રહ્યા છે, તેથી તેમના મૂળને હચમચાવી નાખવું એટલું સરળ નથી. કેપ્ટન માટે કોંગ્રેસનું નેતૃત્વ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. બીજી બાજૂ બળવો નબળો પડવાના સવાલ પર મંત્રી તૃપ્ત રાજિંદર બાજવા કહી ચૂક્યા છે કે આવનારો સમય જ બતાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.