Abtak Media Google News

હિંદુ ધર્મમાં તુલસીનું સવિશેષ મહત્વ રહેલુ છે. તુલસીનો છોડ આંગણામાં હોવો  અતિ શુભ માનવામાં આવે છે. દરેકના ઘરે લગભગ તુલસીનો છોડ તો હોય જ છે. શિયાળામાં તુલસીના છોડનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. સૂકી હવા અને ધુમ્મસના કારણે તુલસીનો થોડ સૂકાવા લાગે છે. તુલસીનો છોડ સૂકાઈ જવો અશુભ માનવામાં આવે છે. તો ચાલો જાણીએ કેવી રીતે તુલસીના છોડને શિયાળામાં સૂકાતો અટકાવી શકાય.

છોડમાં એકદમ ઠંડુ પાણી ક્યારેય ન રેડવું

શિયાળામાં તુલસીના છોડમાં પાણી રેડતી વખતે ધ્યાન રાખો કે પાણી થોડું હૂંફાળું હોય. બની શકે તો પાણીમાં થોડું કાચું દૂધ ભેળવીને તે જળ તુલસીને પાવું આ રીત અપનાવવાથી  તુલસીના છોડમાં ભેજ જળવાઈ રહેશે અને તુલસીનો છોડ કાયમ  હર્યો-ભર્યો રહેશે.

સમયસર માંજર કાઢી નાખવા

તુલસીના છોડમાં રહેલા માંજર સૂકાઈ જાય ત્યારે તેને હટાવી દેવા જોઈએ. માનવામાં આવે છે કે, જે ઘરમાં તુલસીના છોડમાં સૂકા માંજર રહે છે તે ઘરના લોકો માનસિક રોગથી પીડાય છે. સાથે જ સૂકા માંજરથી તુલસીના છોડને પણ નુકસાન પહોંચે છે. માટે માંજર હટાવી દેવાથી તુલસીના છોડનો વિકાસ સારો થાય છે.

સવાર સાંજ તુલસીને દીવો કરવો

જો તુલસીનો છોડ ઘરની બહાર કે બાલકનીમાં મૂક્યો હોય તો ઠંડીની ઋતુમાં ઘરની અંદર લાવી દેવો જોઈએ. રોજ સવાર-સાંજ તુલસીના છોડ પાસે દીવો કરવો જોઈએ જેથી તેને ગરમી મળતી રહે. દીવો લાંબો સમય સુધી ચાલે તેવો રાખવો.

આટલું તો અવશ્ય કરવું

અઠવાડિયામાં ઓછામાં ઓછી એક વાર ચપ્પુથી તુલસીના છોડની આસપાસ થોડું ખોદી કાઢવું. આમ કરવાથી તુલસીના છોડને આવશ્યક પોષણ મળશે અને લાંબા સમય સુધી હરિયાળો રહેશે. તુલસીના છોડને શીતલહેરથી બચાવવા માટે કારતક મહિનાની એકાદશીના દિવસે તુલસીને થોડી ભારે ચુંદડી ઓઢાડી દેવી. જેથી તુલસીનો છોડ વળી નહીં જાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.