Abtak Media Google News

નીતા મહેતા

ભગવાન શિવની 12 જ્યોતિર્લિંગ માંથી 4 થી જ્યોતિર્લિંગ ૐકારેશ્વર જ્યોતિર્લિંગ છે. તે મધ્યપ્રદેશના માલવા જિલ્લામાં પવિત્ર નર્મદા નદીના કિનારે આવેલ છે. આ જગ્યાએ નર્મદાની બે ધારાઓ અલગ થવાથી વચમાં એક ટાપુ જેવું બને છે. આ ટાપુને માંધાતા પર્વત કે શિવપુરી કહેવાય છે.આ પર્વત ની આજુબાજુ વહેતી નદીનો આકાર ૐ જેવો થતો હોવાથી આ જ્યોતિર્લિંગ ને ૐકારેશ્વર જ્યોતિર્લિંગ કહેવાય છે.

ૐકારેશ્વર જ્યોતિર્લિંગ ની કથા અને તેનો મહિમા

એક વખત નારદજી ફરતા ફરતા વિંધ્યાચલ પર્વત પર પહોંચ્યા. ત્યાં પર્વતરાજ વિંધ્યાચલે નારદજી નું સ્વાગત કર્યું અને નારદજીને કહ્યું કે હું સર્વગુણ સંપન્ન છું મારી પાસે દરેક પ્રકારની સંપત્તિ છે. વિંધ્યાચલ પર્વતની વાણીમાં અભિમાન નીતરતું હતું, તે સાંભળીને નારદજી ચૂપચાપ ઊભા રહ્યા. વિંધ્યચલે નારદજીને પૂછ્યું કે તમને મારામાં શેની કમી દેખાણી, ક્યારે નારદજી એ કહ્યું કે તમારી પાસે બધું છે પરંતુ તમે સુમેરુ પર્વતથી ઊંચા નથી. સુમેરુ પર્વતનાં શિખર નો ભાગ દેવલોક સુધી પહોંચે છે અને તમારા શિખર નો ભાગ ત્યાં સુધી પહોંચતો નથી, આટલું કહીને નારદજી ત્યાંથી ચાલ્યા ગયા. પરંતુ વિંધ્યાચલ પર્વત ને ખુબ દુઃખ થયું અને મનમાં ને મનમાં શોખ કરવા લાગ્યો.

1200Px Omkareshwar

વિંધ્યાચલ પર્વતે ભગવાન શિવની આરાધના કરવાનો નિશ્ચય કર્યો અને જ્યાં સાક્ષાત ઓમકાર હાજર છે ત્યાં તેમણે શિવલિંગ ની સ્થાપના કરી અને સતત છ મહિના સુધી પૂજા કરી. ભગવાન શિવજી પ્રગટ થયા અને તેમણે વિંધ્યાચલને કહ્યું કે હું તારાથી ખૂબ જ પ્રસન્ન છું, તું કોઈ પણ વરદાન માંગ. ત્યારે વિંધ્યાચલે કહ્યું કે મારું કામ સિદ્ધ થાય એવી બુદ્ધિ મને આપો. શિવજીએ તેને વરદાન આપ્યું, થોડીવારમાં દેવગણ અને ઋષિગણ ત્યાં આવ્યા. તે બધાએ ભગવાન શિવની પૂજા કરી અને પ્રાર્થના કરી કે હે પ્રભુ તમે હંમેશા માટે અહીંયા બિરાજમાન રહો.

ભગવાન શિવ અત્યંત પ્રસન્ન થયા લોક કલ્યાણ માટે ભગવાન શિવે તે વાત માની લીધી. ઓમકાર લિંગ બે લિંગમાં વિભક્ત બની ગઈ. જે પાર્થિવ લીંક વિંધ્યાચલે બનાવી હતી તે પરમેશ્વર લિંગ ના નામે ઓળખાય છે અને ભગવાન શિવ જ્યાં સ્થાપિત થયા તે ઓમકાર લિંગ કહેવાય છે. પરમેશ્વર લિંગ ને અમલેશ્વર લિંગ પણ કહેવાય છે. ત્યારથી આ બંને શિવલિંગ જગતમાં પ્રસિદ્ધ છે.

ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ ની બીજી કથા પણ પ્રચલિત છે. રાજા માંધાતા એ આ પર્વત પર ઘોર તપસ્યા કરીને ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા. તેની તપસ્યાથી ભગવાન શિવ અત્યંત પ્રસન્ન થઈને પ્રગટ થયા. ત્યારે રાજા માંધાતા એ ભગવાન શિવને હંમેશા માટે અહીંયા બિરાજમાન થવાનું કહ્યું. ત્યારથી ભગવાન શિવજી અહીંયા બિરાજમાન છે. તેથી આ નગરી ને ઓમકાર કે માંધાતા પણ કહેવાય છે.

આ જગ્યાએ 68 તીર્થ સ્થાન છે, એવું કહેવાય છે કે અહીંયા 33 કરોડ દેવી-દેવતા નિવાસ કરે છે. અહીંયા નર્મદા નદીમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે. માન્યતા છે કે ભગવાન શિવ ત્રણેય લોકનું ભ્રમણ કરીને અહીંયા વિશ્રામ કરે છે. એટલા માટે અહીંયા રાત્રિના શિવ ભગવાનની શયન આરતી થાય છે. એવું કહેવાય છે કે બધી તીર્થયાત્રા કરી હોય પણ ઓમકારેશ્વર ના દર્શન ન કર્યા હોય તો તે તીર્થયાત્રા અધુરી છે. તેથી ભક્તો દૂર દૂરથી મોટી સંખ્યામાં દર્શનાર્થે અહીંયા આવે છે. આવું છે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ નું મહત્વ….

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.