નવાગામમાં સ્ક્રેપના ધંધાર્થીના મકાનમાંથી રૂા.1.93 લાખની મત્તા ચોરાઇ

જીયાણા પિતાને ત્યાં આટો દેવા જતા બંધ રહેલા મકાનમાં તસ્કરોએ કર્યો હાથફેરો

કુવાડવા રોડ પર આવેલા નવાગામ રાણપુરની શિવધારા સોસાયટીમાં એક દિવસ માટે બંધ રહેલા મકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂા.1.93 લાખની મત્તાનો હાથફેરો કરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ નવાગામ શિવધારા સોસાયટીમાં રહેતા અને જીયાણા ગામે સ્ક્રેપનો વ્યવસાય કરતા શંભુભાઇ દેવરાજભાઇ માંગરોળીયાના મકાનના દરવાજાના તાળા તોડી તસ્કરોએ ગત તા.15મીએ રાતે રૂા.1.93 લાખની મત્તાની ચોરી કર્યાની કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. પી.જી.રોહડીયા સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.

શંભુભાઇના પિતા દેવરાજભાઇ જીયાણા ગામે વાડીએ રહેતા હોવાથી ગત તા.15મીએ સાંજે મકાનને તાળુ મારીને શંભુભાઇ પોતાની પત્ની નર્મદાબેન, બે પુત્ર અને એક પુત્રી સાથે જીયાણા ગામે આટો દેવા ગયા હતા.

તા.16મીએ સાંજે પાંચેક વાગે શંભુભાઇને અરવિંદભાઇએ ફોન કરીને મકાનના તાળા તુટી ગયાની અને ચોરી થયા અંગેની જાણ કરી હતી.

શંભુભાઇ માંગરોળીયા પોતાના ઘરે આવી તપાસ કરતા તસ્કરોએ મુખ્ય દરવાજાના તાળા તોડી તિજોરી તોડી તેમાંથી સોનાની કાનની બુટી, સોનાની વીંટી, સોનાના કાંપ, સોનાનું પેડલ, સોનાની કાનસર, ચાંદીની પાયલ અને રૂા.25 હજાર રોકડા જ્યારે અરવિંદભાઇના રૂમમાંઓથી રૂા.50 હજાર રોકડા મળી રૂા.1.93 લાખની મત્તા ચોરી ગયાનું જણાતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.