સોમવારે શહેરમાં પડેલા અનરાધાર વરસાદના કારણે રાજકોટની જળ જરૂરીયાત સંતોષતા તમામ જળાશયોમાં માતબર પાણીની આવક થવા પામી છે. ન્યારી-1 ડેમ ઓવરફલો થઈ ગયો છે.આ ઉપરાંત આજી ડેમ હવે ઓવરફલો થવામાં માત્ર 1॥ ફૂટ જ બાકી રહ્યો છે. ભાદર ડેમની સપાટી આજે બપોરે 30.20 ફૂટે પહોંચી જવાના કારણે ડેમ છલકાવામાં હવે માત્ર 3.80 ફૂટ જ બાકી રહ્યો છે. 917 એમસીએફટીની જળ સંગ્રહ શક્તિ ધરાવતા આજીમાં હાલ 827 એમસીએફટી પાણી સંગ્રહિત છે. જે રાજકોટને 28મી ફેબ્રુઆરી સુધી ચાલશે.

આ ઉપરાંત 34 ફૂટે ઓવરફલો થતાં ભાદરની સપાટી હાલ 30.20 ફૂટે પહોંચી જવા પામી છે. કુલ 6640 એમસીએફટીની સંગ્રહ શક્તિ સામે ડેમમાં હાલ 4963 એમસીએફટી પાણી સંગ્રહિત છે. જે 31મી જુલાઈ સુધી રાજકોટને સાથ આપશે. જ્યારે ન્યારી ડેમ ઓવરફલો થતાં 30મી એપ્રીલ સુધી ચાલે તેટલું પાણી ડેમમાં હાલ સંગ્રહિત છે. ભાદરમાં હજુ ધીમીધારે પાણીની આવક ચાલુ છે.

મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ જળાશયોની આજે બપોરેની સ્થિતિ વિશે માહિતી આપતા એમ જણાવ્યું હતું કે, 29 ફૂટની ઊંડાઈ ધરાવતા આજી-1 ડેમની જળ સપાટીમાં વધારો થતા હાલની પાણીની સપાટી 27.45 ફૂટે પહોંચી છે. જ્યારે 25 ફૂટ ઊંડાઈ ધરાવતા ન્યારી-1 ડેમ પાણીની નવી આવકથી છલોછલ ભરાઈ ગયો છે અને વર્તમાન જળસ્તર 25 ફૂટે પહોંચેલ છે. આ ઉપરાંત 34 ફૂટની ઊંડાઈ ધરાવતા ભાદર-1 ડેમમાં નવી જળ રાશી સાથે વર્તમાન સપાટી 30.20 ફૂટે પહોંચી છે. આજી-1 ડેમમાં છેલ્લા 24 કલાકમાં જળ સપાટીમાં 7.65 ફૂટનો વધારો. ન્યારી-1 ડેમમાં 7.71 ફોતનો વધારો અનેર ભાદર-1 ડેમમાં 6.10 ફૂટનો વધારો થયો હતો.