75 રૂપિયામાં 1 કિલો ગ્રીન હાઈડ્રોજન વેચાશે..!!

મુંબઈ, અબતક:

આજના સમયે ઔદ્યોગિક વિકાસ તો ઝડપભેર વધ્યો છે પરંતુ આ સાથે “પર્યાવરણનું રક્ષણ” પણ એક મહત્વનું અને અવગણી ન શકાય તેવું પરિબળ બન્યું છે. આથી ગ્રીન ડેવલપમેન્ટ પણ એક મહત્વનો મુદ્દો બન્યો છે. આ તરફ મહત્વનું ધ્યાન દોરી રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટ શરૂ કરવા પર ભાર મૂક્યો છે. ઈન્ટરનેટ, તેમજ અન્ય ટેલિકોમ સુવિધા અને ક્રૂડ તો ઠીક પણ હવે મુકેશ અંબાણી 1 ડોલરના ભાવે એટલે કે 75 રૂપિયામાં ગ્રીન હાઈડ્રોજન પણ વેચશે. ગ્રીન હાઈડ્રોજન થકી મુકેશ અંબાણી “હાથીની અંબાડી”એ બેસશે એટલે કે વધુ ઊંચાઈ હાંસલ કરશે.

દેશની સૌથી મોટી નિકાસકર્તા કંપની રિલાયન્સે થોડા દિવસો પૂર્વે જાહેરાત કરી હતી કે ભારતને વિશ્વનું ગ્રીન એનર્જી હબ બનાવીશું. આ માટે રૂપિયા 75 હજાર કરોડના રોકાણ કરવામાં આવશે. વર્ષ 2030 સુધીમાં 1 લાખ મેગાવોટ (100 ગીગાવોટ) સોલાર પાવર ઉત્પાદન ક્ષમતા સ્થાપિત કરીશું. તેમજ ગ્રીન એનર્જી માટે જામનગરને માત્ર ગુજરાત કે ભારત નહિ પણ વિશ્વના એક મોટા હબ તરીકે વિકસાવવા રણનીતિ ઘડી છે. જામનગરમાં ધીરુભાઈ અંબાણી નામનું ગ્રીન એનર્જી કોમ્પલેક્ષ ઉભુ કરી તેમાં સૌર સેલ, ફ્યુલ સેલ, ઊર્જા સંગ્રહ માટે બેટરી, તેમજ ગ્રીન હાઇડ્રોજન માટે ચાર મોટા કદના પ્લાન્ટ સ્થાપવા કવાયત શરૂ કરી દીધી છે.

ઉલ્લેખનીય છે કે મુકેશ અંબાણીનો આ યુટર્ન અને રિલાયન્સનો ગ્રીનટર્ન ભારતીય ક્રૂડ અને ગેસ ક્ષેત્રમાં મોટા બદલાવ લ્યાવી દેશે. તેમજ મોદી સરકારના વર્ષ 2022 સુધીમાં 175 ગીગા વોટ સોર ઉર્જા ઉત્પાદિત ક્ષમતા હાંસલ કરવાના લક્ષ્યને પૂર્ણ કરવામાં પણ મદદરૂપ થશે. તાજેતરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય આબોહવા સમિટમાં મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે રિલાયન્સે ગ્રીન હાઇડ્રોજન બનાવવાની કિંમતને શરૂઆતમાં $ 2 પ્રતિ કિલોથી નીચે લાવવાનું અને પછી એક દાયકામાં $ 1થી નીચે લાવવાનું લક્ષ્ય સેવ્યું છે. આનાથી ભારત એક દાયકામાં માત્ર 75 રૂપિયામાં હાઇડ્રોજન વેચનાર દેશ અને આ માટેના હબ બનવાના લક્ષ્યને હાંસલ કરનાર વિશ્વનો પ્રથમ દેશ બનશે.

નોંધનીય છે કે નવીનીકરણીય સંસાધનોમાંથી ઉત્પાદિત ગ્રીન હાઇડ્રોજનની કિંમત પ્રતિ કિલોગ્રામ $ 3 થી $ 6.55 સુધીની છે. મુકેશ અંબાણીએ કહ્યું કે પૂરતા સૂર્યપ્રકાશથી ભારત માત્ર 0.5 ટકા જમીન પર 1000 ગીગા વોટ વધુ સોલર પાવર પેદા કરી શકે છે. અને દેશે પહેલેથી જ 100 GW સ્થાપિત નવીનીકરણીય ઉર્જા ક્ષમતા હાંસલ કરી લીધી છે અને ડિસેમ્બર 2022 સુધીમાં 175 ગીગાવોટનું લક્ષ્ય સ્પષ્ટ દેખાય છે.