Abtak Media Google News

અબતક, ગાંધીનગર

રશિયાએ યુક્રેન પર આક્રમણ કરી દેતાં ગુજરાતમાંથી યુક્રેન ભણવા ગયેલાં હજારો લોકો ત્યાં ફસાઈ ગયા છે. અને પોતાને સુરક્ષિત વતન પરત લાવવા માટે માગ કરી રહ્યા છે. આ વચ્ચે ભારત સરકાર દ્વારા પણ યુક્રેનમાં ભણતાં ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવા માટેના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. જેમાંથી હવે જાણકારી સામે આવી રહી છે કે, યુક્રેનમાં ભણતાં 100 જેટલાં ગુજરાતી વિદ્યાર્થીઓ આજ રોજ વતન પરત ફરી જશે. આ માટે રાજ્ય સરકાર દ્વારા દિલ્હી અને મુંબઈ વિદ્યાર્થીઓને ગુજરાત પરત લાવવા માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી હતી.

દિલ્લી અને મુંબઈથી ગુજરાતના વિધાર્થીઓને પરત લાવવા
માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ વ્યવસ્થા કરાઈ: સીએમ ભુપેન્દ્ર પટેલે કેન્દ્ર સરકારનો આભાર માન્યો

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, યુક્રેનના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલાં વિદ્યાર્થીઓને પરત લાવવા માટે ફ્લાઇટ્સનું આયોજન ભારત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. બુકારેસ્ટથી આવતીકાલે પ્રથમ રેસ્ક્યુ ફ્લાઇટમાં 100 જેટલાં યુવાન વિદ્યાર્થીઓ હેમખેમ વતન પરત આવશે તે બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો.

આ ઉપરાંત સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ભારત આવેલા વિદ્યાર્થીઓને ગુજરાતમાં તેમના વતન સુધી પહોંચાડવાની સંપૂર્ણ વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે. દિલ્હી અને મુંબઇથી વિદ્યાર્થીઓને ગુજરાત લાવવા માટે રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓને નોડલ અધિકારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. દિલ્હીથી વિદ્યાર્થીઓને પરત લાવવા માટે દિલ્હી ખાતે ગુજરાતના રેસિડેન્ટ કમિશનર અને મુંબઈમાંથી વિદ્યાર્થીઓને પરત લાવવા માટે રાજ્યના જીયોલોજી અને માઇનિંગ વિભાગના કમિશનરને જવાબદારી સોંપવામાં આવી છે.

યુક્રેનમાં ફસાયેલાં ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વિશેષ વિમાન મોકલવામાં આવી રહ્યા છે. યુક્રેનમાં ભારતીય દૂતાવાસે કહ્યું કે, ભારતના 470થી વધારે વિદ્યાર્થીઓને આજે પોરુબ્રેર-સિરેટ સીમા મારફતે યુક્રેનથી બસો મારફતે રોમાનિયા માટે રવાના થઈ ગયા છે. દૂતાવાસે કહ્યું કે, અમે સીમા પર મળેલાં ભારતીય નાગરિકોને બચાવવા માટે તેઓને પાડોશી દેશમાં પહોંચાડી રહ્યા છે. અંતરિયાળ વિસ્તારોમાંથી આવતા ભારતીયોને બીજા સ્થાનો પર પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. યુક્રેનમાં ફસાયેલાં ભારતીય નાગરિકોના એક જૂથને આજરોજ  વિશેષ ઉડાનથી નવી દિલ્હી પહોંચાડવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.