Abtak Media Google News

રાજવીઓના સમયમાં મેંગો-શોનું આયોજન થતું: ઉપહારમાં અપાતા આંબા

ભારત સહિત વિશ્વભરમાં સોરઠની કેરીઓના પાકની બોલબાલા છે. ત્યારે આજથી સો વર્ષ પહેલાં પણ સોરઠમાં કેરીના 30થી વધુ પ્રકારના પાક પકવવામાં આવતા હતા. એટલું જ નહીં પરંતુ રાજવીના સમયમાં મેંગો-શોનું પણ આયોજન કરવામાં આવતું હતું. જેમાં વિજેતાઓને ઉપહારમાં આંબા પણ આપવામાં આવ્યા હતા.

હાલ ઉનાળાનું અમૃત ફળ કેરીની સિઝન ચાલી રહી છે.એમાંયે ગિરની કેસર કેરીતો વિશ્વ વિખ્યાત છે. સ્વાદ, સુગંધ અને કેસરી કલરના અનોખા સમન્વયથી કેસર કેરી તમામ લોકોની પસંદગી પામી છે. જોકે, આ વખતે પ્રતિકૂળ વાતાવરણના કારણે ઉત્પાદન મોડું અને ઓછું છે. પરિણામે કેસર કેરીની આવક ઓછી થવા સાથે ભાવ પણ ઉંચા રહેશે. દરમિયાન કેરીના ઇતિહાસ પર નજર કરીએ તો જૂનાગઢમાં સ્ટેટ વખતમાં 30થી વધુ જાતિની કેરી થતી હતી.

તે ઉપરાંત રાજવીઓના સમયમાં એગ્રીકલ્ચર દ્વારા 1945થી મેંગો શો કરવામાં આવતો હતો. આમ, રાજ્ય સરકાર કેરીના સંવર્ધન માટે સક્રિય હતી. ખાસ કરીને ઇનામોમાં આંબાના ઝાડ આપવામાં આવતા હતા. જૂનાગઢમાં વિવિધ વિસ્તારો જેવા કે આંબાવાડી, સરદાર પરા, ભવનાથ, આમકુવન, સિંહવન, શેષાવન, દાતાર જંગલ, કાળવાને કાંઠે, સોનરખ કાંઠે, સક્કરબાગ, ધારાગઢ, વાઘેશ્વરી મંદિર, દુગ્ધેશ્વર, સાગડીવીડી કેમ્પસ તેમજ હાલના ખાદી ગ્રામોદ્યોગ પાસેના વિસ્તારમાં કેરી થતી હતી.

આંબા કેસર કેરીના સંવર્ધન માટે તે સમયના અધિકારી આયંગર તેમજ મહમદભાઇએ યોજના જાહેર કરી આંબાના વૃક્ષો વાવવા પ્રોત્સાહન આપતા હતા.

આંબાની કલમો 5 આના, 6 આના અને 8 આનામાં આપવામાં આવતી હતી. સાલેમભાઇની આંબડી કેરી દુગ્ધેશ્વર પાસે આયંગર નામના અધિકારીએ વાવેલ હતી. આમ, જૂનાગઢમાં 30થી વધુ જાતની કેરીઓ થતી હોય જૂનાગઢ કેરીઓનું ગઢ ગણાતું હતું.

ખાસ કરીને આ કેરીના નામ ધોળીયો, અમીરપસંદ, મલગોલા, છોટા હાફૂસ, ફરનાદીન, છીપર, દૂધપેડો, લંગડો, અમરતીયો, કાજુકળીયો, સિંદોરીયો, મુબારક, અશાડીયો, પોપટીયો,દાડમીયો, દીલ પસંદ, બાદશાહ, દૂધલી, ચૂંદડી, આમડી, લાડવો, ગોદડીયો, કાકડા, ગોટા, પાયરી, લીલવા સહિતની 30થી વધુ જાતિની કેરીઓ થતી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.