ગુજરાતના ૧૦,૦૦૦ ખેડૂતો દિલ્હી તરફ કુચ કરશે

Farmers gather as they take part in a nationwide general strike to protest against the recent agricultural reforms at the Delhi-Haryana state border in Singhu on December 8, 2020. (Photo by Sajjad HUSSAIN / AFP) (Photo by SAJJAD HUSSAIN/AFP via Getty Images)

ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિએ દિલ્હીની સરહદે પહોંચવા તૈયારીઓ શરૂ કરી

પંજાબ-હરિયાણાથી શરૂ થયેલા આંદોલનમાં યુદ્ધના મંડાણ થઈ ચૂકયા છે. ફક્ત એ રાજ્યથી શરૂ થયેલી ખેડૂતોની લડત હાલ દેશ વ્યાપી આંદોલનનું સ્વરૂપ લઈ ચૂકયું છે. દેશના અનેક રાજ્યોમાંથી ખેડૂતો દિલ્હી બોર્ડર ખાતે જઈ ખેડૂત આંદોલનનું સમર્થન કરી રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં પણ કૃષિ આંદોલનના પગલે વાતાવરણ ગરમાયું છે અનેકવિધ ખેડૂત સંગઠનોએ અગાઉ કૃષિ આંદોલનને ટેકો જાહેર કરી દેશવ્યાપી બંધના એલાનનું પણ પાલન કર્યું હતું. જે બાદ ફરી એકવાર ગુજરાતના ૧૦,૦૦૦ જેટલા ખેડૂતો કૃષિ આંદોલનમાં જોડાવા આગામી એક પખવાડીયામાં દિલ્હી પહોંચશે તેવું ગુજરાત કિશાન સર્ંઘષ સમીતીએ જાહેર કર્યું છે.

દેશભરમાં ચાલી રહેલા કૃષિ આંદોલનના ગરમ માહોલમાં ગુજરાતના ૧૭ જેટલા ખેડૂત સંગઠનોએ દિલ્હીની સરહદે ચાલી રહેલા ખેડૂત આંદોલનના દેખાવોમાં ટેકેદાર બનવાનું નક્કી કરી આગામી ૧૫ દિવસમાં ગુજરાતમાંથી ૧૦,૦૦૦ ખેડૂતો દિલ્હી જવા તૈયાર કરી રહ્યાં છે.

ગુજરાત કિશાન સંઘર્ષ સમિતિએ શરૂ કરેલી તૈયારીઓમાં આગામી એક પખવાડિયામાં ગુજરાતના ૧૦,૦૦૦ ખેડૂતો રાજધાની દિલ્હીની સરહદે પહોંચશે. ગુજરાતના ૧૦,૦૦૦ ખેડૂતો જયપુર-દિલ્હી સરહદે જવાનું આયોજન કરી રહ્યાં છે. અત્યાર સુધી ૧૫૦ ખેડૂતો દિલ્હી પહોંચી ચુકયા છે. વધુ ૬૦ આગેવાનો બુધવારે પહોંચ્યા હતા અને ૮૦ જેટલા આગેવાનોએ ટેકાની જાહેરાત કરી હતી. આઝાદીના ઈતિહાસ બાદ કદાચ પહેલી વખત આટલા મોટાપાયે દેખાવો થઈ રહ્યાં છે. ત્રણ કૃષિ કાયદાઓના વિરોધમાં ચાલી રહેલાં આંદોલનમાં ખેડૂતોની નારાજગી પ્રવર્તી રહી છે. આ કાયદાઓથી ખેડૂત, આમ આદમી, નાના ધંધાર્થીઓ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મોટુ નુકશાન થશે તેમ કોંગ્રેસના કેસરી સેલના પાલ આંબલીયાએ જણાવ્યું હતું.

પ્રથમ તબક્કામાં ગુજરાતના દરેક ખેડૂતો દરરોજ અલગ-અલગ આશ્ર્ચર્યજનક કાર્યક્રમો સંપૂર્ણપણે અહિંસાના ધોરણે ગાંધી ચિંધ્યા માર્ગે આપશે અને નવા ત્રણ કાયદાઓ જ્યાં સુધી રદ નહીં થાય ત્યાં સુધી ગુજરાતનો એકપણ ખેડૂત પાછો નહીં આવે. બુધવારે ગુજરાતના ખેડૂતોએ આશ્ર્ચર્યજનક કાર્યક્રમોના ભાગરૂપે ગુજરાતના પરંપરાગત ગરબાના કાર્યક્રમ યોજ્યો હતો.