Abtak Media Google News

કોર્પોરેશન દ્વારા ઇડબલ્યૂએસ-2 કેટેગરીના આવાસ લાભાર્થીઓને માત્ર રૂ.5.50 લાખમાં અપાશે

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કોર્પોરેશન દ્વારા શહેરના વોર્ડ નં.3માં પોપટપરા વિસ્તારમાં સ્મશાન સામે આરએમસી ગાર્ડન પાસે ઘનશ્યામ બંગ્લોઝની નજીક ઇડબલ્યૂએસ-2 કેટેગરીના લાભાર્થીઓ માટે 2-બીએચકે હોલ, કિચનની સુવિધાથી સજ્જ 1010 આવાસ બનાવવામાં આવશે. આ ઉપરાંત 47 દુકાનોનું પણ નિર્માણ કરવામાં આવશે. લાભાર્થીઓને આવાસ માત્ર રૂ.5.50 લાખમાં ફાળવવામાં આવશે. 1010 આવાસ બનાવવા માટે રૂ.119.05 કરોડનો ખર્ચ મંજૂર કરવા માટે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અલગ-અલગ 43 દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.

આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત શહેરના વોર્ડ નં.3માં પોપટપરા વિસ્તારમાં ટીપી સ્કિમ નં.19 (રાજકોટ)ના ફાઇનલ પ્લોટ નં.12/એ અને 12/બીમાં ઇડબલ્યૂએસ-2 પ્રકારના 1010 આવાસનું નિર્માણ કરવા માટે રૂ.112.67 કરોડના એસ્ટીમેન્ટ સાથે ટેન્ડર પ્રસિદ્વ કરવામાં આવ્યું હતું. 1010 આવાસ ઉપરાંત 47 દુકાનોનું પણ નિર્માણ કરવામાં આવશે. ફાઇનલ ટેન્ડરમાં બે એજન્સીઓની ઓફર આવી હતી. જેમાં વિનાયક ઇન્ફ્રાટેક પ્રાઇવેટ લીમીટેડ રાજકોટે આ કામ 5.97 ટકા ઓન સાથે કરી આપવાની ઓફર આપી હતી.

વાંટા-ઘાટાના અંતે એજન્સી 5.67 ટકા વધુ ભાવે કામ કરી આપવા માટે તૈયાર થઇ હોય 1010 આવાસ અને 47 દુકાનોના નિર્માણ માટે રૂ.119.05 કરોડનો ખર્ચ મંજૂર કરવા માટે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. અલગ-અલગ આઠ યુનિટ બનાવવામાં આવશે. પ્રત્યેક આવાસનો કાર્પેટ 40 ચો.મીટરનો રહેશે. જેમાં બે રૂમ, હોલ અને કિચનની સુવિધા લાભાર્થીઓને આપવામાં આવશે.

Img 20230328 Wa0166

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે આવાસમાં પૂરતા પ્રમાણમાં હવા-ઉજાસ મળી રહે તે રીતનું પ્લાનિંગ રહેશે. કોમન લાઇટીંગ માટે રૂફટોપ સોલાર સિસ્ટમની વ્યવસ્થા, પાણીની લાઇન, ડ્રેનેજ સિસ્ટમ, ગેસ પાઇપલાઇન, વીજ કનેક્શન, ઓટો ડોર લીફ્ટ, રેઇન વોટર હાર્વેસ્ટીંગ સિસ્ટમ, બિલ્ડીંગ દીઠ ઓટો ડિજી જનરેટર સેટ, ફાયર ટેંક, ફૂલ પ્રૂફ ફાયર સિસ્ટમ, સિક્યુરિટી રૂમ, ચિલ્ડ્રન પ્લે એરિયા સહિતની સુવિધાઓ આપવામાં આવશે. હોલ, બેડરૂમ અને રસોડામાં વિટ્રીફાઇડ ટાઇલ્સ ફ્લોરિંગ, વોશિંગ એરિયા અને ટોયલેટ-બાથરૂમ વોલ ટાઇલ્સ રાખવામાં આવશે.

બિલ્ડીંગની છત ઉપર વોટર ટ્રીટમેન્ટ સાથે ચાઇના મોજેક ફ્લોરિંગ કરવામાં આવશે. પૂરતા પ્રમાણમાં પાર્કિંગ વ્યવસ્થા, એન્ટ્રી ગેઇટ, બિલ્ડીંગની બહાર આકર્ષક કલર તથા ટ્રી પ્લાન્ટેશન કરવામાં આવશે. 1010 આવાસ ઉપરાંત 47 દુકાનોનું પણ નિર્માણ કરવામાં આવશે. જે સ્થળે આવાસ યોજના બનાવવામાં આવી રહી છે. તેની બાજુમાં આરએમસીનો વિશાળ બગીચો હોવાના કારણે આવાસ યોજનાના રહેવાસીઓને ગાર્ડન વ્યૂ પણ મળી રહેશે. ટૂંક સમયમાં આવાસ યોજના માટે ફોર્મ વિતરણ સહિતની કામગીરી શરૂ કરવામાં આવશે.

આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અલગ-અલગ 43 દરખાસ્ત અંગે નિર્ણય લેવામાં આવશે. જેમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવના કાર્યક્રમમાં થયેલા ખર્ચને બહાલી આપવા, સ્પોર્ટ્સ કાર્નિવલમાં થયેલા ખર્ચને બહાલી આપવા, વોર્ડ નં.6માં ઇસ્ટ ઝોન ઓફિસ પાસે ભાવનગર રોડ વાઇટ ટોપીંગ સિસ્ટમથી નવો રોડ બનાવવા, અલગ-અલગ આવાસ યોજનાના શોપિંગ સેન્ટરની દુકાનોના વેંચાણના દસ્તાવેજ કરી આપવા સહિતની દરખાસ્ત અંગે નિર્ણય લેવામાં આવશે.

મવડીમાં રોડ પહોળો કરવા કપાતમાં ગયેલી જમીનના બદલામાં જમીન અપાશે

શહેરના વોર્ડ નં.12માં મવડી વિસ્તારમાં આવેલી સુખ સાગર સોસાયટી, માધવ વાટિકા, રાણી પાર્ક, કૈલાશ પાર્ક, નંદનવન, રૂપ રેસિડેન્સી, ગાયત્રી પાર્ક વગેરે સોસાયટીને 150 ફૂટ રીંગ રોડ પરથી સિધો પ્રવેશ મળે તે માટે માધવ પાર્કને લાગૂ હયાત રસ્તાની લંબાઇ ખૂબ જ નાની હોવાના કારણે લાઇનો પબ્લીક સ્ટ્રીટ દાખલ કરી આ રસ્તાને 18 મીટર પહોળો કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત સર્વે નં.37 પૈકીના પ્લોટ નં.4, 53 અને 54ના જમીન માલિકની 257.95 ચો.મીટર જમીન કપાતમાં ગઇ હતી. જેની સામે આટલી જ જમીન વૈકલ્પિક વળતરરૂપે મવડી ટીપી સ્કિમ નં.28ના વાણિજ્ય હેતુ માટેના અનામત પ્લોટ નં.38/એમાં ફાળવણી કરવા માટે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવ્યો છે.

એવીપીટી કોલેજ પાસે નાલું બનાવવા રેલવેને રૂ.2.79 કરોડ ચૂકવાશે

ટ્રાફીકની સમસ્યા હલ કરવા માટે કોર્પોરેશન દ્વારા હોમી દસ્તૂર માર્ગ પર એવીપીટીઆઇ કોલેજના છેડે રેલવે ટ્રેક નીચે નાલું બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કામને રેલવે વિભાગ દ્વારા મંજૂરીની મહોર મારવામાં આવી છે. રેલવે વિભાગને ડિપોઝીટ વર્ક પેટે રૂ.2.79 કરોડ ચૂકવવા માટે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. ચાર મીટર બાય અઢી મીટરની પહોળાઇ અને 18 મીટરની લંબાઇના બે નાલા બનાવવામાં આવશે. આ નાલાના નિર્માણ બાદ એસ્ટ્રોન ચોકના નાલા હેમુગઢવી હોલની પાછળ આવેલા નાલા પર ટ્રાફીકનું ભારણમાં ઘટાડો થશે. કોર્પોરેશન દ્વારા રકમ ભરપાઇ કર્યા બાદ રેલવે વિભાગ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવશે. થોડા સમયમાં ટ્રાફીકની સમસ્યા ઉકેલાઇ જાય તેવી આશા ઉભી થવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.