- વર્ષ-2018માં વજેપર વિસ્તારની જમીનના વિવાદમાં 12 શખ્સોએ ત્રણની લોથ ઢાળી હતી
Morbi
વર્ષ 2018માં મોરબીના વજેપર વિસ્તારમાં જમીન વિવાદને લઈને થયેલા ત્રિપલ મર્ડર કેસમાં આજે જીલ્લા કોર્ટ દ્વારા 11 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. ગુનામાં દોષિત ઠરેલા દરેક આરોપીને રૂ.50,000 દંડ સાથે દંડની રકમમાંથી મૃતકોના પરિવારોને રૂ. 2 લાખ ચુકવવાનો પણ હુકમ આપવામાં આવ્યો છે.
મોરબી શહેરના વજેપર વિસ્તારમાં વર્ષ 2018માં સર્વે નં. 1086 બાબતે ચાલી રહેલા જમીન વિવાદે રક્તરંજિત રૂપ ધારણ કર્યું હતું. તકરાર તીવ્ર બનતાં 12 શખ્સોએ તલવાર તથા ધોકા જેવા ઘાતક હથિયારો વડે દિલાવર પઠાણ, અફઝલ પઠાણ અને મોમીન પઠાણ પર હુમલો કર્યો હતો. મારામારીમાં ત્રણે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. પોલીસે 12 શખ્સો સામે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
પોલીસે તરત જ કાર્યવાહી કરીને આરોપી ભરત ડાભી, જયંતી નારણભાઈ, અશ્ર્વિન જીવરાજભાઈ, ભરત જીવરાજભાઈ, ધનજી મનસુખભાઈ, કાનજી મનસુખભાઈ, શીવાભાઈ રામજીભાઈ, મનસુખ રામજીભાઈ, જીવરાજ રામજીભાઈ, પ્રવિણ શીવાભાઈ, કિશોર શીવાભાઈ અને સંજય નારણભાઈને ઝડપી પાડ્યા હતા. આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા હતા. પોલીસની તપાસ પૂર્ણ થતા અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું.
જેલવાસ દરમિયાન આરોપી શીવાભાઈ રામજીભાઈનું મૃત્યુ થતા તેની સામે કેસ પડતો મુકવામાં આવ્યો હતો.
મોરબી જીલ્લા કોર્ટમાં કેસ ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ કોર્ટે પુરાવા, સાક્ષીઓના નિવેદનો, તપાસનીશ, તબીબ, એફએસએલ, સાહેદોની જુબાની લેવામાં આવેલ બાદ સરકારી વકીલની મજબૂત દલીલો અને હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટના ટાકેલા ચુકાદાને ધ્યાને લઇ અદાલતે તમામ આરોપીઓને તક્સીરવાન ઠેરવી, તમામ 11 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. સાથે સાથે દરેકને રૂ.50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. આ દંડની કુલ રકમમાંથી રૂ. 2 લાખ મૃતક પરિવારજનોને ચૂકવવાનો હુકમ કર્યો છે. આ ઐતિહાસિક ચુકાદાથી ગુનેગારોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.
કેસ ચાલતા દરમિયાન એકનું મોત નિપજ્યું‘તુ, તમામ આરોપીઓને 50,000નો દંડ: મૃત્તકના પરિવારને 2 લાખનો વળતર ચુકવવા હુકમ