Abtak Media Google News

મગજમાં પાણી-ગાંઠથી આવનારા અંધાપાના ખતરામાંથી કુતિયાણાના દર્દીને અપાવી મૂકિત

આંખની દ્રષ્ટિ માનવ જીવનને મળેલી મહામૂલી ભેટ છે, ગંભીર બીમારીને કારણે દ્રષ્ટિ જવાના અનેક કિસ્સા સામે આવે છે, ત્યારે આવા જ એક કિસ્સામાં રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલમાં દર્દીની પિટ્યુટરી ગ્રંથિમાં થયેલી ગાંઠની ક્રિટિકલ સર્જરી કરીને ચેન્નઈના ડોક્ટર્સે દર્દીને મોટું નુકસાન થતા બચાવ્યું છે. આ દર્દીને નાક વાટે મગજના પાણી (સી.એસ.એફ.)ને વહી જતું અટકાવી નાક અને મગજના તાળવે આવેલી પિટયુટરી ગ્રંથિની ખાસ ટેક્નિક સાથે કરવામાં આવેલી આ સર્જરી 120 થી વધુ ઈ.એન.ટી. સર્જને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે આયોજિત વર્કશોપમાં લાઈવ નિહાળી વિશેષ માર્ગદર્શન મેળવ્યાનું એસોસિએટ  પ્રોફેસર અને ઈ.એન.ટી. સર્જન ડો. સેજલ મિસ્ત્રી જણાવે છે.

ડો. સેજલ જણાવે છે કે, કુતિયાણાના  ગોવિંદભાઈ સોલંકીને નાકમાંથી પાણી નીકળતું હતું, જેનો તેઓ ઘરમેળે ઉપચાર  કરતા હતાં. સમય જતાં તકલીફ વધવાથી માથાના ભાગે સતત દુખાવો થતા તેઓ રાજકોટ સિવિલ હોસ્પિટલ આવ્યા. જયાં સીટી સ્કેન, એમ.આર.આઈ., હોર્મોન્સ સહિતના રીપોર્ટ કરતાં તેઓને પિટ્યુટરી ગ્રંથીમાં દર્દીને 31ડ્ઢ24ડ્ઢ19 એમ.એમ. ની ગાંઠ મગજની મુખ્ય ધામની પર વિસ્તરેલી હોવાનું નિદાન થયું. જે કેન્સર પ્રકારની હતી. મગજમાં રહેલું પ્રવાહી નાક વાતે જો બેક્ટેરિયાના સંપર્કમાં આવે તો રસી થવા અને આ રસી મગજ તેમજ સમગ્ર શરીરમાં પ્રસરી શકે. જે દર્દી માટે  જોખમરૂપ હતી. પરંતુ યોગ્ય સમયે નિદાન થતા તેમની સર્જરી કરવાનું નક્કી કરાયું.

જ વિશ્વપ્રસિદ્ધ ચેન્નઈના ડો. તુલસીદાસ અને ડો. અહિલ્યા સ્વામીનો ફંકશનલ એન્ડોસ્કોપિક સાયનસ સર્જરીનો લાઈવ નિદર્શન કેમ્પ રખાયેલો. જેનો લાભ આ દર્દીને મળ્યો. જેમાં રાજકોટના  ન્યુરો સર્જન ડો. કાર્તીક મોઢાનો પણ સહયોગ મળ્યો. ડોક્ટર્સની ટીમ દ્વારા આ ક્રિટિકલ સર્જરી કરાઈ, સર્જરી કેટલી ક્રિટિકલ હોય છે, તે અંગે  જણાવતા  ડો. સેજલ કહે છે  કે, મગજના સાઇનસના ભાગે અંદર મગજના તાળવે મગજની મુખ્ય ધમની આસપાસ આ ગાંઠ પ્રસરી હતી. સર્જરી દરમ્યાન એક મી.મી. જેટલા  સોયના દોરા સમાન જગ્યામાં ગાંઠની સર્જરી દૂરબીન વાટે કરવામાં ડોક્ટર્સની ટીમને સફળતા મળી હતી.

દર્દી પ્રતિભાવ આપતા જણાવે છે કે, મને  કેટલી ગંભીર બીમારી હતી તેની મને સ્હેજેય કલ્પના નહોતી. આટલી ક્રિટિકલ સર્જરી વિનામૂલ્યે વિશ્વપ્રસિદ્ધ ડોક્ટરે કરી, જેનાથી મને  અને મારા પરિવારને નવજીવન મળ્યું છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે અધ્યક્ષ ડો. આર. એસ. ત્રિવેદીના નિદર્શનમાં નિયમિત સમયાંતરે આરોગ્ય જાગૃતિ અર્થે વિવિધ સેમિનાર  અને વર્કશોપના આયોજન કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.