Abtak Media Google News
  • ધો.6 થી 12ના શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત નિ:શુલ્ક શિક્ષણ માટેની અમૂલ્ય તક:
  • ધો.6માં પ્રવેશ માટે કોમન એન્ટરન્સ ટેસ્ટ આપવાની રહેશે

ગુજરાત સરકાર દ્વારા આગામી શૈક્ષણિક સત્ર 2023-24થી સામાજિક ભાગીદારી દ્વારા જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કુલ, જ્ઞાન શક્તિ ટ્રાયબલ રેસીડેન્સીયલ સ્કૂલ, જ્ઞાનસેતુ ડે સ્કુલ અને રક્ષાશક્તિ સ્કૂલ વિવિધ જિલ્લાઓમાં બનવા જઈ રહી છે.

આ શાળાઓમાં ગુજરાત રાજ્યના સરકારી શાળાઓમાં ભણતા  પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની ઓળખ કરી તેમને શ્રેષ્ઠ ભૌતિક અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓથી સજજ ભવિષ્યલક્ષી ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવશે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આધુનિક શૈક્ષણિક માળખું,  રેસીડેન્શીયલ સ્કૂલમાં નિવાસી છાત્રાલય, રમતગમત, કલા અને કૌશલ્ય તાલીમ, શ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિઓ અને ઉચ્ચ અધ્યાપન સામગ્રી વગેરે સુવિધાઓ પ્રદાન કરવામાં આવશે. પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની પ્રતિભાનું સંવર્ધન કરવામાં આવશે અને તેઓને કારકિર્દી માર્ગદર્શન સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓને તૈયારી કરાવવામાં આવશે.આ શળાઓ તેમજ મોડેલ સ્કૂલમાં 2023-24ના શૈક્ષણિક વર્ષમાં ધોરણ 6માં પ્રવેશ મેળવવા માટે રાજ્ય સ્તરની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (સામાન્ય પ્રવેશ પરીક્ષા) લેવાનું આયોજન હાથ ધરાયું છે. આ તમામ શાળાઓ ધોરણ 6 થી 12ની રહેશે અને તેમાં સંપૂર્ણ શિક્ષણ તમામ વિદ્યાર્થીઓ માટે નિ:શુલ્ક રહેશે.

Vlcsnap 2023 03 14 09H48M50S471

રાજકોટ જિલ્લાને 14 જ્ઞાનસેતુ ડે સ્કૂલ મળનાર છે. આ શાળામાં સરકારી અને અનુદાનિત શાળાઓમાં ધોરણ 1 થી 5નો અભ્યાસ કરેલ હોય તથા ધોરણ પનો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ ધોરણ 6 માટે પ્રવેશ પરીક્ષા આપી શકશે. આ પ્રવેશ પરીક્ષાના મેરીટના આધારે ધોરણ 6માં પ્રવેશ આપવામાં આવશે.

ધોરણ 6 માટે કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ માટે ઓનલાઇન ફોર્મ 23 માર્ચ 2023 થી 5 એપ્રિલ 2023 દરમિયાન ભરી શકાશે તેમજ કોમન પ્રવેશ પરીક્ષા 27 એપ્રિલ 2023ના રોજ લેવામાં આવશે. રાજકોટ જિલ્લામાં 11 તાલુકા દીઠ એક જ્ઞાનસેતુ ડે સ્કૂલ અને શહેર કક્ષાએ 3 જ્ઞાનસેતુ ડે સ્કૂલનું નિર્માણ કરવામાં આવશે.જેમાં ધોરણ 6 થી 12 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને નિ:શુલ્ક શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવશે તેમ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી બી.એસ.કૈલાએ જણાવ્યું હતું.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.