Abtak Media Google News

જુનાગઢ જિલ્લામાં આજથી ટીબીને હરાવવા જાગૃતિ અભિયાન: 502 ગાંમડાઓને જોડાશે

ટીબીના દર્દીઓના પોષણ માટે 158 નીક્ષય મિત્ર આગળ આવ્યાં

એક સમયે અસાધ્ય ગણાતો ટીબી રોગ આજે આધુનિક સારવાર પદ્ધતિ અને દવાના લીધે સાધ્ય બન્યો છે. પરંતુ આજે પણ દુનિયાના 4 ટીબીના દર્દીએ ભારતનો 1 દર્દી છે. ત્યારે આ સ્થિતિમાંથી દર્દીઓને  બહાર લાવવા માટે ટીબીના રોગ વિશે એક વ્યાપક જનજાગૃતિ ઉભી થાય તે માટે આજે વિશ્વ ટીબી દિવસથી એક અભિયાન જુનાગઢ જિલ્લામાં શરૂ કરવામાં આવશે.

જૂનાગઢ જિલ્લામાં વર્ષ 2022માં 1611 જેટલા ટીબીના કેસ નોંધાયા હતા. જેમાં યોગ્ય સારવાર પરિણામે 1400 જેટલા દર્દીઓને ટીબીને હરાવીને સંપૂર્ણ સ્વસ્થ્ય બન્યાં છે. આમ, જિલ્લામાં 93 ટકા જેટલો સકસેસ રેટ જોવા મળી રહ્યો છે. આ ટીબીના એક દર્દીને સાજો કરવા માટે છ મહિનાના કોર્સ માટે કેન્દ્ર-રાજ્ય સરકાર રૂ. 1 લાખનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.

વિશ્વ ટીબી દિવસના પૂર્વ દિવસે માધ્યમ કર્મીઓ સાથેના પરિસંવાદમાં જિલ્લા ટીબી અધિકારી ચંદ્રેશ વ્યાસે ટીબીના લક્ષણો, સારવાર, નિદાન વગેરેની વિગતવાર જાણકારી આપતા જણાવ્યું હતું કે, જિલ્લાના આરોગ્ય તંત્ર દ્વારા ટીબીના દર્દીની ઓળખ કરવા અને ટીબીગ્રસ્ત લોકોની સારવાર માટે  આયોજનબદ્ધ રીતે કામગીરી કરવામાં આવી રહી છે. મેડિકલ-પેરા મેડિકલ સ્ટાફ અને આશા બહેનો દ્વારા સતત ટીબીના દર્દીઓનું મોનિટરિંગ-ફોલોઅપ લેવામાં આવી રહ્યું છે. આમ, આ સઘન પ્રયાસોથી જિલ્લામાં અંદાજે 30 ટકા જેટલા દર્દીઓ ઘટ્યા છે. તે સાથે કોઈ પણ રોગમાંથી બહાર આવવા માટે વહેલું નિદાન ખૂબ જરૂરી હોય છે. તેથી જ ટીબીના દર્દીએ ડોક્ટર સલાહ મુજબ નિયમિત દવા લેવી ખૂબ આવશ્યક છે. અન્યથા ટીબીમાંથી મુક્તિ મેળવવી મુશ્કેલરૂપ બની જાય છે.

ટીબી મુક્ત ભારતના નિર્માણ માટે વિશ્વ ટીવી દિવસ એટલે કે આજે તા. 24 માર્ચથી જૂનાગઢ જિલ્લામાં જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવશે. જેમાં જિલ્લાના 502 ગાંમડાઓને જોડવામાં આવશે.ગૂગલ મીટના માધ્યમથી ગ્રામ પંચાયતના હોદ્દેદારો અને અન્ય આગેવાનોના માધ્યમથી એક વ્યાપક જનજાગૃતિ ઊભી થાય તે દિશામાં કામ કરવામાં આવશે.

આ પરિસંવાદમાં શહેર ટીબી અધિકારી  પાંડે, મેડિકલ ઓફિસર ડો. કૌશલ નિમાવત, જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર  પીયુષ ચુડાસમા  સહભાીગ થયા હતા.

નીક્ષય મિત્ર તરીકે લોકોને જોડાવા તંત્રનો અનુરોધ

પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન (PMTBMBA) અંતર્ગત જૂનાગઢ જીલ્લામાં કુલ 158 નીક્ષય મિત્ર નોંધાયેલા છે.આ તમામ 158 નીક્ષય મિત્ર દ્વારા અત્યાર સુધીમાં ટીબી ના દર્દીઓને 1131 જેવી પોષણ આહારની કીટ (અંદાજીત રૂ. 600) આપવામાં આવી છે. જેથી ટીબીની સારવાર દરમ્યાન દર્દીની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય અને દર્દી સંપૂર્ણ સાજો થાય શકે.

આ સાથે આરોગ્ય તંત્ર દ્વારા નીક્ષય મિત્ર તરીકે જોડાવા નજીકનાં આરોગ્ય કેન્દ્ર, કર્મચારી અથવા જીલ્લા ક્ષય કેન્દ્ર (મો. 7597884999) નો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

જૂનાગઢ જિલ્લામાં ટીબીનું નિદાન અને સારવાર વિનામુલ્યે

જૂનાગઢ જિલ્લામાં એક જિલ્લા ક્ષય કેન્દ્ર અને દરેક તાલુકા હેલ્થ ઓફીસ ખાતે ટીબી યુનીટ બનાવવામાં આવ્યાં છે. જનરલ હોસ્પિટલ, તમામ સામુહીક આરોગ્ય કેન્દ્ર તથા પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર પર ગળફા નિદાન કેન્દ્ર (ડીએમસી) આવેલ છે. કુલ 50 ગળફા નિદાન કેન્દ્ર (ડીએમસી) જૂનાગઢ જિલ્લામાં કાર્યરત છે અને દરેક ગ્રામ્ય-શહેરી વિસ્તારોમાંથી ટીબીનાં શંકાસ્પદ ઓળખી નિદાન માટે ઉક્ત કેન્દ્રો પર મોકલવામાં આવે છે. આમ, ટીબીનું નિદાન અને સારવાર જુનાગઢ જિલ્લામાં વિનામુલ્યે કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.