- કાર્બોસેલ ખનિજના ગેરકાયદે ખનન, વહન અને સંગ્રહને નિયંત્રણમાં લાવવા રાઉન્ડ ધ ક્લોક ‘ક્વીક રિસ્પોન્સ ટીમ’ કાર્યરત
સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી કાર્બોસેલની ખાણોમાં ગેરકાયદે ખનન અને તે અંગે કરવામાં આવેલી કાર્યવાહી અંગે વિધાનસભા ગૃહમાં ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે વિગતો આપતાં જણાવ્યું હતું કે જિલ્લામાં તપાસ ટીમો દ્વારા તા. 31 ડિસેમ્બર, 2024ની સ્થિતિએ છેલ્લાં બે વર્ષ દરમિયાન વિવિધ માધ્યમોથી મળેલી ફરિયાદો અન્વયે કુલ 197 કેસ કરવામાં આવ્યા છે. જે પૈકી 165 કેસમાં રૂ.288.96 લાખની વસૂલાત કરવામાં આવી છે. જ્યારે 10 કેસમાં કુલ 33 લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેમજ 22 કેસમાં 59 લોકો સામે રૂ.159.67 લાખની કોર્ટ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
છેલ્લાં બે વર્ષમાં સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ, મુળી, સાયલા અને ચોટીલા તાલુકામાં સુરેન્દ્રનગર ભૂસ્તરશાસ્ત્રીની કચેરી અને ફલાઇંગ સ્ક્વોડ તથા ગાંધીનગરની ટીમોએ સાથે મળીને વખતોવખત મુળી, સાયલા અને થાનગઢ તાલુકાઓમાં થતી કાર્બોસેલ ખનીજની ચોરી અન્વયે કામગીરી કરવામાં આવી છે.
આ કાર્યવાહી અંતર્ગત વર્ષ 2023માં વિવિધ મશીનરી સીઝ કરીને 382 જેટલા જુદા-જુદા પ્રાઇવેટ સરવે નંબરોમાં સર્વેયરો દ્વારા ગામોના રેવન્યૂ તલાટી અને સર્કલ ઑફિસરોને સાથે રાખી 835 જેટલા ઊંડા ઉતારેલા કૂવાઓની માપણી અંગેની કામગીરી કરવામાં આવી છે. જેના આધારે થાનગઢ, મુળી અને સાયલા તાલુકાના ખાનગી જમીન માલિકોને વિવિધ 159 કેસોમાં કુલ રૂ.3220.70 લાખની કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે.
તા.31 ડિસેમ્બર, 2024ની સ્થિતિએ સુરેન્દ્રનગર જિલ્લામાં કાર્યરત લીઝની વિગતો આપતાં મંત્રીએ જણાવ્યું કે તા. 31 ડિસેમ્બર, 2024ની સ્થિતિએ જિલ્લામાં કાર્બોસેલ ખનીજની કુલ 30 લીઝ કાર્યરત છે. જે પૈકી મુળી તાલુકામાં એક, જ્યારે થાનગઢ તાલુકામાં કુલ 29 લીઝ કાર્યરત છે. આ સિવાય, જિલ્લામાં અન્ય ખનીજની 344 લીઝ આવેલી છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ, સાયલા અને મુળી તાલુકાઓના અલગ-અલગ ગામોમાં સરકારી, ગૌચર અને ખાનગી માલિકીની જમીનોમાં કાર્બોસેલ તેમજ અન્ય ખનીજોનું ગેરકાયદે ખોદકામ થયેલ કૂવાઓમાં પુરાણ કરવાની કામગીરી કરવામાં આવી છે. આ માટે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર દ્વારા રૂ. 326 લાખની વિશિષ્ટ ગ્રાન્ટ મેળવી ટેન્ડરથી એજન્સી નિયુક્ત કરીને આશરે 2200 જેટલા કૂવાઓમાં માટી પુરાણની કામગીરી કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં લીઝમાંથી રાજ્ય સરકારને થયેલી આવક અંગેની વિગતો આપતા મંત્રીએ જણાવ્યું કે તા. 31 ડિસેમ્બર, 2024ની સ્થિતિએ છેલ્લાં બે વર્ષમાં જિલ્લામાં કાર્બોસેલ ખનીજની 30 લીઝમાંથી કુલ રૂ.779.36 લાખ રોયલ્ટીની આવક થઈ છે. જ્યારે અન્ય ખનીજની 344 જેટલી લીઝમાંથી કુલ રૂ. 13559.36 લાખ રોયલ્ટીની આવક થઈ છે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
મંત્રીએ વધુમાં જણાવ્યું કે સુરેન્દ્રનગર જિલ્લા ક્લેક્ટર દ્વારા થાનગઢ, મુળી અને સાયલા તાલુકામાં ગેરકાયદે કાર્બોસેલ ખનીજના ખનન, વહન અને સંગ્રહ પ્રવૃત્તિને નિયંત્રણમાં લાવવા રાઉન્ડ ધ ક્લોક ’ક્વિક રિસ્પોન્સ ટીમ’ નું ગઠન કરવામાં આવ્યું છે. આ ટીમ દ્વારા સતત સંવેદનશીલ વિસ્તારોમાં ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવે છે.
આ સિવાય, કાર્બોસેલ ખનીજનું ગેરકાયદે ખાણકામ અટકાવવા અને લોકોમાં જાગૃતિ લાવવા ગ્રામસભા તથા પેમ્ફલેટ વિતરણ સહિતની કામગીરી પણ કરવામાં આવે છે તેમ મંત્રીએ જણાવ્યું હતું.