Abtak Media Google News

કુલ 545 કર્મચારીઓનું લીસ્ટ મંગાવાયું વધુ 400 જેટલા કર્મચારીઓને ચુંટણી ફરજ સોંપાય તેવી સ્થિતિ: અરજદારોને ધરમના ધકકા

આગામી 21મીએ યોજાનારી રાજકોટ મહાનગરપાલિકાની અને ત્યારબાદ 28મી ફેબ્રુઆરી યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચુંટણી માટે કોર્પોરેશનનાં 170 કર્મચારીઓને ચુંટણી ફરજમાં જોતરી દેવામાં આવ્યા છે. વધુ 400 કર્મચારીઓને ટુંક સમયમાં ચુંટણીની કામગીરી સોંપવામાં આવે તેવું લાગી રહ્યું છે. હાલ કોર્પોરેશનમાં ઉડે-ઉડે જેવી સ્થિતિ જોવા મળી રહી છે અને અરજદારોને ખોટા ધકકા ખાવા પડે છે.

ચુંટણી માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા મહાપાલિકા પાસે અલગ-અલગ કુલ 3 લીસ્ટ મંગાવવામાં આવ્યું હતું જેમાં પ્રથમ લીસ્ટમાં 250 કર્મચારીઓના નામ આપવામાં આવ્યા હતા જે પૈકી 170 કર્મચારીઓને ચુંટણીલક્ષી કામગીરી સોંપવામાં આવી છે. તેઓને ગોંડલ નગરપાલિકામાં ફરજ નિયુકત કરવામાં આવ્યા છે. ગઈકાલથી તાલીમનો તબકકો પણ શરૂ થઈ ચુકયો છે.

આ ઉપરાંત રાજકોટ તાલુકા પંચાયતની ચુંટણીમાં વર્ગ-3માં આવતા 300 કર્મચારીઓના નામ મંગાવ્યા હતા જેની સામે મહાપાલિકાએ 245 નામો મોકલ્યા છે જેને આવતા સપ્તાહે ચુંટણીલક્ષી કામગીરી સોંપવામાં આવશે. જયારે વર્ગ-4ના 100 કર્મચારીઓના નામ પણ મંગાવવામાં આવ્યા છે જે પૈકી 50 કર્મચારીઓના નામ મોકલી દેવામાં આવ્યા છે. આજથી જ મહાપાલિકાનો મોટાભાગનો સ્ટાફ ચુંટણીલક્ષી કામગીરીમાં જોતરાઈ જતા ઉડે-ઉડે જેવી સ્થિતિ જોવા મળી રહી છે. સામાન્ય કામે આવતા અરજદારોને ધરમના ધકકા થઈ રહ્યા છે. આગામી 3જી માર્ચ સુધી આવી સ્થિતિ રહે તેવું લાગી રહ્યું છે. 170 કર્મચારીને ચુંટણીલક્ષી કામગીરીનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. બાકી રહેતા 400 કર્મચારીઓને પણ ટુંક સમયમાં ઓર્ડર મળી જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.