સમાન ટ્રેનોના નામો અને ટ્રેનોના વિલંબને કારણે ભાગદોડ થતા અંધાધૂંધીભરી સ્થિતિ સર્જાઈ
સમાન ટ્રેનોના નામો અને અનેક વિલંબને કારણે દિલ્હી રેલ્વે સ્ટેશન પર ભારે ભીડને કારણે અંધાધૂંધીભરી સ્થિતિ સર્જાઈ હતી.તે દરમિયાન થયેલી નવી ભાગદોડમાં 14 મહિલાઓ સહિત 18 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે LNJP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના પ્લેટફોર્મ 14 અને 15 પર રાત્રે 10 વાગ્યે બની હતી. એવું કહેવાય છે કે પ્લેટફોર્મ પર અચાનક ભીડ વધી જવાને કારણે આ અકસ્માત થયો હતો. આ ભીડમાંથી મોટાભાગના લોકો મહાકુંભ સ્નાન માટે જઈ રહ્યા હતા. આ સાથે NDRFની ટીમને પણ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી.
ત્યારે આ અંગે દિલ્હી પોલીસે ખુલાસો કર્યો હતો કે સમાન ટ્રેનોના નામો અને અનેક વિલંબને કારણે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર જીવલેણ ભાગદોડ મચી હતી, જેમાં 18 લોકોના મોત થયા હતા. આ ઉપરાંત અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્લેટફોર્મ 16 પર પ્રયાગરાજ સ્પેશિયલના આગમનની જાહેરાત કરવામાં આવી ત્યારે અંધાધૂંધી શરૂ થઈ હતી. આના કારણે ઘણા મુસાફરો, જેઓ પ્લેટફોર્મ 14 પર પ્રયાગરાજ એક્સપ્રેસમાં ચઢવાના હતા, તેઓ ભૂલથી પ્લેટફોર્મ 16 તરફ દોડી ગયા હતા, જેના પરિણામે લોકોનો ભારે ધસારો થયો હતો. આ સાથે વધુમાં જણાવ્યું હતું કે પ્રયાગરાજ જતી 4 ટ્રેનો હતી, જેમાંથી 3 મોડી પડી હતી, જેના કારણે અણધારી ભીડ થઈ હતી,”
આ અંગે મુસાફરોએ સ્ટેશન પર ભારે અરાજકતાનું વર્ણન કરતા જણાવ્યું હતું કે, અચાનક ટ્રેન પ્લેટફોર્મ બદલવાની જાહેરાતથી ગભરાટમાં વધારો થયો. આ સાથે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, “મેં રેલ્વે સ્ટેશન પર આટલી મોટી ભીડ ક્યારેય જોઈ નથી, તહેવારો દરમિયાન પણ નહીં. અધિકારીઓ હાજર હતા, પરંતુ ભીડ એક ચોક્કસ મર્યાદા ઓળંગી ગયા પછી, તેને કાબૂમાં રાખવું અશક્ય બની ગયું,” તેમણે કહ્યું.
રાત્રે 10 વાગ્યાની આસપાસ ભાગદોડ મચી ગઈ કારણ કે હજારો મુસાફરો મહાકુંભ માટે પ્રયાગરાજ જતી ટ્રેનોમાં ચઢવા માટે ધક્કામુક્કી કરી રહ્યા હતા. બે નિર્ધારિત ટ્રેનોમાં વિલંબ અને ખાસ એક્સપ્રેસ સેવા માટે ધસારાને કારણે અંધાધૂંધી વધુ તીવ્ર બની, જેના કારણે અનેક પ્લેટફોર્મ પર ભીડ થઈ ગઈ. રેલ્વે મંત્રાલયે આ ઘટનાને “દુર્ભાગ્યપૂર્ણ” ગણાવી છે અને દુર્ઘટનાના કારણની તપાસ કરવા અને નિવારક પગલાં લેવાની ભલામણ કરવા માટે બે સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે.