ટેન્કર અને કેરબા દ્વારા પહોંચાડાતા પાણી પર વસુલાશે 18% GST

પાની રે પાની તેરા રંગ કૈસા… જીસ મેં મિલાયે જાયે લાગે ઉસ જૈસા

દોરડે દીવા થશે… પડીકે પાણી વેચાશે…  દેવાયત પંડિતની સદીઓ પહેલાંની આગમવાણી સાચી ઠરતી દેખાય છે ને… !!!

કુદરતી વરસાદ કે નળ દ્વારા આવતા પાણી પર ‘નો ટેક્સ’ જ્યારે કોમર્શિયલ હેતુથી થતા પાણી વિતરણ પર 18% જીએસટી યોગ્ય: ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલીંગ

જીવન જીવવા માટે પ્રથમ પ્રાથમિકતા એટલે પાણી અને ખોરાક..!! ખોરાક વગર તો હજુય માનવી થોડો સમય ચલાવી લે…. પણ પાણી…??? નો, જ ચાલે ને…!! પણ કહેવાય છે ને કે મફતમાં મળેલી ચીજ-વસ્તુઓની ક્યારેય કદર થતી નથી… બસ એમજ હાલ પાણીની કિંમત કેટલી છે ? એ કોઈને જાણ્યે અજાણ્યે પણ ખબર નથી..!! એમાં પણ હાલ જળતંગી, વિભિન્ન સમસ્યાઓ ઘેરી બની છે.

આથી જ તો સદીઓ પહેલા અગામવાણી થઈ હતી કે ત્રીજું વિશ્વ યુદ્ધ પાણી પર થશે…!! દેવાયત પંડિતની ભવિષ્યવાણી દિવો દોરડાથી થશે…. પડીકે પાણી વેચાશે..!! આજે સાચી ઠરી રહી છે. આજે પાણી પડીકે રૂપિયા દઈ વેચાઈ રહ્યું છે, તોતિંગ  ટેક્સ વસુલાઈ રહ્યો છે. પાણી તો આપણને કુદરત વરસાદ થકી જ  આપે છે ને..!! શું કયારેય કુદરતે આ માટેની પૈસાની વસૂલી કરી..?? નહીં, પણ આજે વ્યવસ્થાના ભાગરૂપે સરકાર ટેક્સ વસૂલી રહી છે.

કુદરતી વરસાદ દ્વારા કે નળ દ્વારા આપણા ઘર સુધી પહોંચતા પાણી પર કોઈ ટેક્સ કે શુલ્ક વસૂલાય રહ્યો નથી. પરંતુ ટેન્કરો અને કેરબાઓ દ્વારા પહોંચાડવામાં આવતા પાણી પર અધધ…. 18% જીએસટી વસૂલાય રહ્યો છે. જે મોટા ભાગનાઓને ખબર નથી..!! આ અંગે તાજેતરમાં આંધ્રપ્રદેશના વિજયવાહિની ચેરિટેબલ ફાઉન્ડેશને ઓથોરિટી ફોર એડવાન્સ રૂલિંગ (AAR) સમક્ષ ફરિયાદ નોંધાવી હતી અને કહ્યું હતું કે સખાવતી સંસ્થા દ્વારા મોબાઇલ ટેન્કરો અથવા ડિસ્પેન્સર મારફતે જાહેર પાણી પીવાના પુરવઠા હેઠળ જે 18 ટકા જીએસટી વસુલાય છે તેમાંથી રાહત મળવી જોઈએ.

એએઆરની આંધ્રપ્રદેશ બેન્ચે ચુકાદો આપ્યો છે કે સંસ્થા શુદ્ધ પાણી સપ્લાય કરી રહી છે, તેથી તેને જીએસટીમાંથી મુક્તિ મળે તે યોગ્ય નથી. બેંચે કહ્યું કે સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવતો મુખ્ય પુરવઠો શુદ્ધ પાણીનો પુરવઠો છે, જે 18 ટકા પર કરપાત્ર છે, જ્યારે મોબાઇલ એકમો દ્વારા વિતરણની સેવા સહાયક સેવા છે અને તે પણ 18 ટકા કરપાત્ર છે. જ્યારે જીએસટી હેઠળ, 20 લિટરની બોટલોમાં ભરેલા પીવાના પાણી પર 12 ટકા ટેક્સ લાગુ પડે છે જ્યારે કુદરતી અથવા કૃત્રિમ ખનિજ જળ સહિતના પાણીમાં વધારાની સુગર કે અન્ય મધુર પદાર્થ ન હોય તેના પર 18 ટકા ટેક્સ લાગે છે. એએમઆરજી એન્ડ એસોસિએટ્સના વરિષ્ઠ ભાગીદાર રજત મોહને કહ્યું કે, ખુલ્લા બોરવેલ/ જમીનમાંથી મેળવવામાં આવતું પાણી પીવાલાયક નથી. અને આમ, સામાન્ય લોકોને સપ્લાય કરતા પહેલા તેને શુદ્ધ/ શુદ્ધ કરવાની જરૂર છે. આમ, જીએસટીમાં રાહત મળવી જોઈએ પણ ઓથોરિટી ફોર એડવાન્સ રુલિંગ- એએઆર દ્વારા આ માંગ સ્વીકારાઈ ન હતી.