કોર્પોરેશનમાં ૧૮મીએ જનરલ બોર્ડ : વિપક્ષના પ્રશ્ર્નો તળીયે

ભાજપના ૧૪ કોર્પોરેટરોએ ૨૮ પ્રશ્ર્નો અને કોંગ્રેસના ૪ કોર્પોરેટરોએ ૧૨ પ્રશ્ર્નો પૂછ્યા : સૌ પ્રથમ પરેશ પીપળીયાના ફૂડના નમૂનાના પ્રશ્ર્નની થશે ચર્ચા

 

અબતક, રાજકોટ

રાજકોટ મહાનગર પાલિકામાં આગામી ૧૮મી સપ્ટેમ્બરના રોજ મેયર ડો.પ્રદિપ ડવના અધ્યક્ષસ્થાને જનરલ બોર્ડની બેઠક મળશે. જેમાં અલગ-અલગ પાંચ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે. બોર્ડમાં એક કલાકના પ્રશ્ર્નોત્તરી કાળમાં ભાજપ અને કોંગ્રેસના ૧૮ કોર્પોરેટરોએ ૪૦ પ્રશ્ર્નો રજૂ કર્યા છે. વિરોધપક્ષ કોંગ્રેસના પ્રશ્ર્નો સાવ તળીયે ધકેલાઇ ગયાં છે. સૌ પ્રથમ વોર્ડ નં.૬ના કોર્પોરેટર પરેશ પીપળીયાના ફૂડ અને વ્યવસાય વેરાના પ્રશ્ર્નની ચર્ચા થશે.

આગામી ૧૮મી સપ્ટેમ્બરના રોજ મળનારી જનરલ બોર્ડની બેઠકમાં ભાજપના ૧૪ કોર્પોરેટરોએ ૨૮ પ્રશ્ર્નો બોર્ડ સમક્ષ રજૂ કર્યા છે. જ્યારે વિરોધપક્ષની પ્રશ્ર્નોતરી કાળમાં ૧૦૦ ટકા હાજરી છે. કોંગ્રેસના ૪ કોર્પોરેટરોએ બોર્ડમાં કુલ ૧૨ પ્રશ્ર્નો રજૂ કર્યા છે. સામાન્ય રીતે જનરલ બોર્ડનો કલાકનો પ્રશ્ર્નોતરી કાળ એક જ નગરસેવક ના પ્રશ્ર્નની ચર્ચા કરવામાં પસાર કરી દેવામાં આવતો હોય છે. બાકીના જનપ્રતિનિધીઓને તેઓના પ્રશ્ર્નોના જવાબ લેખિતમાં આપી દેવામાં આવતા હોય છે. આ વખતે બોર્ડમાં સૌ પ્રથમ પરેશ પીપળીયાના ફૂડના કેટલા નમૂના લેવામાં આવ્યા અને વ્યવસાયવેરાની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવશે. બીજા ક્રમે જયાબેન ડાંગર અને ત્રીજા ક્રમે જયમીનભાઇ ઠાકરનો પ્રશ્ર્ન છે.

વિરોધપક્ષ કોંગ્રેસના ચારેય નગરસેવકોએ કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે લડવા કોર્પોરેશનનું શું આયોજન છે. તમામ શાખાઓની ત્રિ-વાર્ષિક કામગીરીનો અહેવાલ, સ્માર્ટ બસસ્ટોપ, કોર્પોરેશનના ચોપડે કેટલી મિલકતો નોંધાઇ છે. અને દસ લાખથી વધુનો બાકી વેરો ધરાવતાં બાકીદારોની સંખ્યા, કેન્દ્ર અને રાજ્યસરકારની કેટલી યોજના અંતર્ગત જનસુખાકારીના કામો થયા તથા રોગચાળાને નાથવા શું પગલાં લેવાયા, સ્માર્ટ સિટીમાં ક્યાં ક્યાં પ્રોજેક્ટ ચાલુ છે અને ડીઆઇ પાઇપલાઇન સહિતના પ્રશ્ર્નો પૂછ્યા છે.

જનરલ બોર્ડમાં આયોજન સેલમાં રિસર્ચ એનાલીસ્ટની એક જગ્યા, આંકડા મદદનીશની એક જગ્યાનો કાયમી સેટઅપનો સમાવેશ કરવા, એડીશનલ સિટી એન્જીનીયરીંગની નવી ૪ જગ્યાઓની ઉપસ્થિત કરવા, એક્રોચમેન્ટ ઓફિસરની એક જગ્યાનો કાયમી સ્ટાફ સેટઅપમાં સમાવેશ કરવા તથા ગાંડીવેલ દૂર કરવા માટેનું ભાડે આપવા ભાડુ નક્કી કરવા સહિતની ૫ દરખાસ્તો અંગે નિર્ણય લેવાશે.