Abtak Media Google News

રાજકોટ જિલ્લામાં ૧૨ કલાકમાં વધુ ૨૫ પોઝિટિવ કેસ: ભાવનગરમાં ૩૫, સુરેન્દ્રનગરમાં ૩૮, જૂનાગઢમાં સિવિલ હોસ્પિટલના તબીબ સહિત ૧૨ કોરોનાગ્રસ્ત

સૌરાષ્ટ્રમાં દિન પ્રતિદિન કોરોના કહેર વધતો રહ્યો છે. ત્યારે એક જ દિવસમાં સૌરાષ્ટ્રમાં કોરોનાના વધુ ૨૦૦ પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે રાજકોટ જિલ્લામાં છેલ્લા ૧૨ કલાકમાં વધુ સિટીમાં ૧૨ અને ગ્રામ્યમાં ૧૩ પોઝિટિવ કેસ નોંધાયા છે. અન્ય જિલ્લામાં જૂનાગઢમાં સિવિલ હોસ્પિટલના તબીબ સહિત ૧૨ પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે ભાવનગરમાં વધુ ૩૫, સુરેન્દ્રનગર જિલ્લામાં ૩૮ અને પોરબંદર જિલ્લામાં પ્રથમ વખત એક સાથે ૫ કોરોના કેસ જાહેર થયા છે.ગોંડલના વૃદ્ધ સહિત ત્રણના મોત નિપજ્યા છે.

રાજકોટ જિલ્લામાં કોરોના બેકાબુ બન્યો છે ગઈ કાલે સિટીમાં સાંજ સુધીમાં એક સાથે ૩૩ પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે સાંજ થી ૧૨ કલાકના સમયગાળા માં વધુ ૨૫ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે ગોંડલ તાલુકાના દાળીયાગામના બાબુભાઇ ગાડુંભાઈ લીલા નામના ૭૫ વર્ષના વૃદ્ધ અને રમેશ બાબુભાઇ મારવાડીનું પણ મોત નિપજ્યું છે. રાજકોટ શહેરી વિસ્તારમાં અત્યાર સુધી પોઝિટિવ કેસ ૭૦૦ નજીક પહોંચી રહ્યા છે. જ્યારે ગ્રામ્યમાં કુલ ૪૨૮ પોઝિટિવ કેસ નોંધાયા છે.

સૌરાષ્ટ્રના અન્ય જિલ્લામાં પણ કોરોના કહેર વરસી રહયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં એક સાથે વધુ ૩૮ પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે વઢવાણના ઇબ્રાહિમભાઈ દાઉદભાઈ નામના ૫૮ વર્ષના પ્રૌઢનું રાજકોટ હોસ્પિટલમાં મોત નિપજ્યું છે. જ્યારે જૂનાગઢ જિલ્લામાં સિવિલ હોસ્પિટલના તબીબ સહિત વધુ ૧૨ કોરોનાગ્રસ્ત દર્દી નોંધાયા છે. પોરબંદરમાં પણ એક સાથે પ્રથમ વખત ૫ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્યતંત્રમાં દોડધામ મચી જવા પામી છે.

ગીર સોમનાથ જિલ્લામાં પણ કોરોના કહેર યથાવત રહ્યો છે. વધુ ૫ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે દ્વારકામાં પણ વધુ એક કોરોનાગ્રસ્ત દર્દી જાહેર કરવામાં આવ્યો છે. જામનગર જિલ્લામાં કોરોના બેકાબુ પરિસ્થિતિમાં પહોંચ્યો હોય તેમ એક દિવસમાં વધુ ૧૯ દર્દીઓના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. અને મોરબી જિલ્લામાં પણ વધુ ૩ કોરોનાની ઝપટે ચડી ચુક્યા છે.

જૂનાગઢમાં સિવિલ હોસ્પિટલના ૧૪૨ તબીબો હડતાલ પર ઉતર્યા

જૂનાગઢની સિવિલ હોસ્પિટલના ૧૧૨ જેટલા ઈન્ટરશિપ કરતા તબીબો અને ૩૦ જેટલા જુનિયર તબીબો ગઈકાલથી વહાલા-દવલાની નીતિને લઈને વિરોધ નોંધાવ્યા બાદ હડતાલ ઉપર ઉતરી ગયા છે. જૂનાગઢની સિવિલ હોસ્પિટલ માત્ર જુનિયર તબીબો અને ઈન્ટરશિપ કરતા તબીબો દ્વારા ચાલતી હોવાનું વાતા આગળ ધરી તબીબો જ્યારે હડતાલ ઉપર ઉતર્યા છે ત્યારે તંત્ર પણ ભીંસમાં આવ્યું છે અને દોડતું થયું છે. કારણ કે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય વિભાગ અને સરકાર દ્વારા સ્પેસિયાલિસ્ત અને સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની અનેક નિમણૂક કરવામાં આવી છે પરંતુ આ તબીબો ક્યારેય જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવવા આવ્યા નથી અને મફતના લાખો રૂપિયાના પગાર ખાઇ રહ્યા છે, ત્યારે તંત્ર પણ હવે મૂંઝવણમાં મુકાયું છે અને જૂનાગઢના સ્થાનિક લેવલેથી આ મામલો સંકેલી લેવા ધંધે લાગ્યું છે. પરંતુ હડતાલ પર બેસી ગયેલા તબીબો જ્યાં સુધી નિમણૂક પામેલા અને દાંડી માર જુનિયર તબીબો ફરજ ઉપર પૂર્ણ સમય માટે હાજર નહીં થાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખશે તેવી જાહેરાત કરતા કોરોનાની મહામારી ના સમયે જૂનાગઢની સિવીલ હોસ્પિટલમાં કોરોનાની તથા અન્ય રોગોની સારવાર લઈ રહેલા દર્દીઓ માટે મુશ્કેલીનો સમય આવી પડ્યો છે. જૂનાગઢની સિવિલ હોસ્પિટલ કરોડના ખર્ચે થઈ છે અને અહીં સ્પેશિયાલિસ્ટને સુપર સ્પેશિયાલિસ્ટ તબીબોની સરકાર દ્વારા નિમણુક પણ કરવામાં આવી છે, પરંતુ જો જૂનાગઢની સિવિલ હોસ્પિટલના જુનિયર અને રેસિડેન્ટ ડોક્ટરોની વાત માનીએ તો મોટાભાગના નિમણૂક પામેલા તબીબોને તેઓ લોકોએ ક્યારેય જોયા પણ નથી અને ફરજ બજાવવા આવતા નથી, આ ઉપરાંત જેમની નિમણૂક થયેલ છે તેને પૂરતો પગાર પણ અપાય છે, એ સિવાય પગાર લિસ્ટમાં ૫૦ ને બદલે ૯૪ તબીબોને પગાર ચૂકવાયો હોવાના પણ આક્ષેપો થયા છે, આ સિવાય હાલમાં જે ૫૦ જુનિયર ડોક્ટરો જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા હોવાની વાત છે તેની સામે માત્ર ૨૫ જેટલા જ જુનિયર તબીબો ફરજ ઉપર આવતા હોવાની અને ૨૫ જેટલા વગર ફરજે પગાર મેળવતા હોવાના પણ સનસનીખેજ આક્ષેપો સામે આવતા જૂનાગઢની મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલમાં કંઇક મોટું કોભાંડ ચાલતું હોવાનું સામે આવ્યું છે.

જૂનાગઢ સિવિલ હોસ્પિટલના જુનિયર ડોકટરોના જણાવ્યા અનુસાર તેઓ સિવિલમાં નિષ્ઠા સાથે ફરજ બજાવી રહ્યા છે, અને તેમના સિનિયર ડોકટરો જ્યારે વાર્ષિક નિરીક્ષણ હોય ત્યારે જ એક બે દિવસ માટે આવત  હોય આ સિવાય જુનિયર તબીબો દાંડી મારી પગાર મેળવતા હોય અને અને ફરજ બજાવતા જુનિયર તબીબો અને ઇન્ટર્શિપ કરતા તબીબો ને વધુ વર્ક લોડ અપાતું હોવાની સાથે કોવિદ ૧૯ માં ફરજ દરમિયાન હલકી ગુણવત્તા વાળા ભોજન અપાતા હોવાની સહિતની વિવિધ માગણીઓ લઈને અનેક વખત રજુઆત કરવામાં કરી છે તેમ છતાં કોઇ ઉકેલ આવ્યો નથી, આ અંગે તેઓએ સોમવારે રાજ્યના મુખ્યમંત્રી, જિલ્લા કલેકટર, મેડિકલ કોલેજના ડીન, સહિતના અન્ય અધિકારીઓને અમારી વ્યથા દર્શાવતો પત્ર પણ પાઠવ્યો છે અને તેમની તકલીફો દૂર થાય તે માટે માગણી કરી વિરોધ નોંધાવ્યો હતો, તેમ છતાં  માગણી ન સંતોષાતા ના છૂટકે, ના ઈલાજ ગઇકાલથી તેઓએ ફરજ પર જવાનો ઇનકાર કરી દીધો હોવાનુ. જણાવી રહ્યા છે.

એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે અને જૂનાગઢની સિવિલ હોસ્પિટલ માં કોરોના ના દર્દીઓ મોટા પ્રમાણમાં સારવાર લઇ રહ્યા છે ત્યારે એકીસાથે ૧૧૨ જેટલા ઇન્ટરશિપ કરતા તબીબો અને ૩૦ જેટલા જુનિયર તબીબો ફરજ પર ના જતા  તંત્ર પણ દોડતું થયું હતું અને જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારીને આ બાબતની જાણ થતાં તેઓ ગઇકાલે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા તથા મેડિકલ કોલેજના ડીન, સિવિલના સુપરિટેન્ડન્ ટ, આર.એમ. ઓ. અને નોડલ ઓફિસર સાથે બેઠક કરી, હડતાલ પર ઉતરેલા તબીબોને પણ મળ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.