Abtak Media Google News

Table of Contents

ખેતી, ખેત ઓજારો સહિત અન્ય દેશોમાં રહેલા વ્યાપારની તકોને ઉજાગર કરશે એસવીયુએમ: પરાગભાઈ તેજુરા

રાજકોટ ખાતે તા.૧૧ થી ૧૫ ફેબ્રુઆરીના રોજ એનએસઆઈસી ગ્રાઉન્ડ આજી વસાહત ખાતે એસવીયુએમ ૨૦૧૯નું આયોજન થવા જઈ રહ્યું છે. જેમાં આફ્રિકા સહિત અનેક દેશોમાંથી ૨૦૦થી વધુ વિદેશી ડેલીગેટ્સ રાજકોટના આંગણે આવશે અને સૌરાષ્ટ્રમાં રહેલી ક્ષમતા અને એમાં પણ ખાસ વેપારની કુશળતાને લઈ તેઓ રાજકોટના મહેમાન બનશે. સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા એસવીયુએમ ૨૦૧૯નું જે આયોજન કરવામાં આવ્યું છે.

તેનાથી સૌરાષ્ટ્રને વિકાસમાં વેગ મળશે અને સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોને એક નવી રાહ પણ દેખાશે. જેથી સૌરાષ્ટ્રની ચીજ-વસ્તુઓ અને ભારતને ઉચ્ચ સ્તર ઉપર લઈ જવા માટે આ આયોજન ખૂબજ મદદરૂપ અને કુશળતાસભર નિવડશે ત્યારે એસવીયુએમના અધ્યક્ષ પરાગભાઈ તેજુરા સાથે ‘અબતક’ની ખાસ મુલાકાતમાં અનેક ચર્ચા-વિચારણા અને પ્રશ્નોતરી યોજવામાં આવી હતી. જેમાં પરાગભાઈએ નિખાલસતાપૂર્વક અનેકવિધ મુદ્દાઓ ઉપર પ્રકાશ પાડયો હતો.

પ્રશ્નો. કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટ વિશે આપનું શું માનવું છે ?

જ. પ્રશ્નોના જવાબમાં પરાગભાઈ તેજુરાએ જણાવતા કહ્યું હતું કે, આ વર્ષનું બજેટ ખરા અર્થમાં લોક ઉપયોગી સાબીત થશે. વધુમાં તેઓએ જણાવતા કહ્યું હતું કે, કોઈપણ પ્રકારના અને ગમે તે બજેટ અત્યાર સુધી રજૂ થયા છે તેનાથી સૌરાષ્ટ્રની જનતાને કોઈ અસર પડી નથી જેનું કારણ એ છે કે, સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો અને વેપારીઓ તમામ પરિસ્થિતિથી ટેવાયેલા છે.

બજેટમાં ઘણી વખત અનેક પ્રવિધાનો કરવામાં આવતા હોય છે. કયાંક ટેકસનું ભારણ ઘટાડવામાં આવતું હોય છે તો કયાંક ટેકસનું ભારણ વધારવામાં આવતું હોય છે એટલે કે, રૂપિયા એકના બદલે બીજી જગ્યાએથી લેવાની વાતો કરવામાં આવતી હોય જેને બજેટ સ્વરૂપે રજૂ કરવામાં આવે છે.

ત્યારે કોઈપણ પ્રકારનું બજેટ હોય તેનાથી સા રાષ્ટ્રના લોકો એટલે કે વેપારીઓને કોઈપણ તકલીફ પડતી નથી કારણ કે પહેલાના સમયમાં પણ તેઓ સંયમતાથી અને સુઝબુજની વ્યાપાર કરતા હતા ત્યારે તેને કોઈપણ પ્રકારનું અને ગમે તેવું બજેટ તેમને અસરકારક થતું ન હતું પરંતુ હાલ સરકાર દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તે ખરા અર્થમાં પ્રજાલક્ષી કહી શકાય.

પ્રશ્નો. રજૂ થયેલા બજેટથી એસવીયુએમને કયાં પ્રકારની અસર થશે ?

જ. આ પ્રશ્નોના ઉત્તરમાં પરાગભાઈ તેજુરાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આપણે જે રીતે બજેટની વાસ્તવિકતાને જાણી તેનાથી એ વાત તો પુરવાર થાય છે કે, બજેટ સૌરાષ્ટ્રના લોકો માટે ખરા અર્થમાં ઉપયોગી નિવડશે ત્યારે સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે

તેનાથી એસવીયુએમને નકકર ફાયદો થશે જે વાત નકકી છે. કારણ કે ૨૦૦થી વધુ દેશો આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યાં છે જે પુરવાર કરે છે કે તેમના કરતા ભારતની આર્થિક સ્થિતિ ખુબજ સુદ્રઢ અને મજબૂત છે. સાથો સાથ ભારતમાં ઉજ્જવળ તકો પણ વ્યાપારને લઈ રહેલી છે એટલે મારું માનવું છે કે, કેન્દ્ર સરકાર દ્વારા રજૂ થયેલા બજેટથી એસવીયુએમને ફાયદો જ થશે.

પ્રશ્નો. એસવીયુએમનું જે આયોજન થવા જઈ રહ્યું છે તેની રૂપરેખા આપવા વિનંતી ?

જ.  આ પ્રશ્નોના ઉત્તરમાં પરાગભાઈએ જણાવતા કહ્યું હતું કે, એસવીયુએમ ૨૦૧૯માં ઘણી આંતરરાષ્ટ્રીય ઈવેન્ટો, એક્ઝિબીશન તથા સમીટ, બિઝનેસ કોન્ફરન્સ, બિઝનેસ ટુ બિઝનેસ મીટીંગ, ઈન્ટરનેશનલ ડેલીગેશન સહિત અન્ય મુદ્દાઓને લઈ ચર્ચા-વિચારણા પણ કરવામાં આવશે. જેમાં વિશેષ માહિતી આપતા તેઓએ જણાવ્યું હતું કે, આર્કિટેકટ તથા સ્ટ્રકચરલ એન્જીનીયર્સ, કોન્ટ્રાકટર્સ અને બિલ્ડરો માટે આફ્રિકામાં વ્યાપારને લઈ તકો જયારે અફઘાનિસ્તાન, આફ્રિકા, કમ્બોડીયા તથા બાંગ્લાદેશ જેવા દેશોમાં વ્યાપાર માટેની દિશા, ત્યારબાદ વિઝા પ્રોસેસ ઉપરનો સેમીનાર જે યુકેના ડેપ્યુટી હાઈકમિશનરના ભૂતપૂર્વ સલાહકાર અને નિષ્ણાંત દિગંતભાઈ સોમપુરાનો સેમીનાર, ભારતમાં વુમન એન્ટર પ્રિન્યોરશીપ અને આફ્રિકામાં રહેલી તકોનો સેમીનાર, સ્ટાર્ટ અપ, ઈનોવેટર્સ મીટ, આફ્રિકામાં ખેતી અને ખેત ઓજારોના નિકાસ અંગેનો સેમીનાર સહિત વિદેશથી પધારેલા તમામ મહેમાનોનો સત્કાર સમારંભ કરવાનો પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું. જયારે છેલ્લા દિવસે બ્યુરો ઓફ એનર્જી ક્ધઝર્વેશન ઉપર સેમીનાર તથા મીની પ્રદર્શનનું પણ આયોજન કરવાનું જણાવવામાં આવ્યું હતું. આ સમીટમાં ૩૨ જેટલી મલ્ટીનેશનલ કંપનીના પ્રતિનિધિઓ હાજર રહી સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિઓને માર્ગદર્શન આપવાનું પણ જણાવ્યું હતું.

પ્રશ્નો. કેટલા દેશો સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળમાં જોડાશે ?

. સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ ૨૦૧૯ દ્વારા તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તે ખરા અર્થમાં લોકો માટે એટલે કે, સૌરાષ્ટ્રના વેપારીઓ માટે ખૂબજ મહત્વપૂર્ણ બની રહેશે જયારે અનેક દેશોમાં રહેલી વ્યાપારની તકોને ઉજાગર કરવા માટે મહત્તમ દેશોના ડેલીગેટ્સ એસવીયુએમ ૨૦૧૯માં જોડાશે જેમાં યુએસએ, બ્રિટન, જર્મની, કેનેડા, ઓસ્ટ્રેલીયા, કમ્બોડીયા, મોઝંમ્બીક, ઝીમ્બાબવે, બ્રાઝીલ, મોરેસીયસ, અંગોલા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, યુગાન્ડા, ઝામ્બીયા, નાઈઝીરીયા, સેનેગલ, શ્રીલંકા, ઈરાન, ઘાના, કેન્યા, લુસોટો, નેપાળ, ઈથોપીયા, સુદાન, તાન્ઝાનીયા, ટોગો સહિતના દેશો આ કાર્યક્રમમાં હાજર રહેશે અને તેમના દેશોમાં રહેલી વ્યાપાર અને ઉદ્યોગને લઈ તેઓ તેમના પ્રતિભાવો પણ જણાવશે. એટલે કે, ભારતભરમાં વ્યાપારને લઈ ખૂબજ વધુ તકો રહેલી છે જેનાથી અરસપરસ દેશોને એકબીજાની સુવિધાઓ તથા એકબીજાના વ્યાપારના દ્રષ્ટીકોણ મળવા પાત્ર રહેશે જેથી સૌરાષ્ટ્ર અને ગુજરાતનો જે વિકાસ થઈ રહ્યો છે તેને ખરા અર્થમાં વેગ મળશે.

પ્રશ્નો. આફ્રિકા સીવાય ઈરાન, ઈરાક તથા ગલ્ફમાં વ્યાપારને લઈ શું સ્કોપ છે ?

. એસવીયુએમના અધ્યક્ષ પરાગભાઈ તેજુરાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આફ્રિકામાં ખેતીને લઈ ઘણા સ્કોપો રહેલા છે. ત્યારે ખેત ઉત્પાદન તથા ખેત ઓજારોને લઈ ઘણી વસ્તુઓ સૌરાષ્ટ્રના વેપારીઓ માટે ખુબજ ઉદ્યોગી સાબીત થાય તે માટે આફ્રિકાના દેશોમાં સૌરાષ્ટ્ર માટે વ્યાપારને લઈ ખુબજ મોટો સ્કોપ રહેલ છે. વાત કરીએ તો ઈરાન, ઈરાક અને ગલ્ફ દેશોની તો ગલ્ફ દેશમાં સૌથી મોટી માર્કેટ ચીન અને ભારત પાસે છે.

પરંતુ વાસ્તવિક સ્તિથિ અને સમયની વાત કરવામાં આવે તો હવે ગલ્ફ દેશોને ચીની વસ્તુઓ ઉપરથી ભરોસો ઉઠી રહ્યો છે એટલે કે હવે ગલ્ફ દેશોમાં સૌથી વધુ મહત્વ ભારતીય બજારને મળી રહ્યું છે ત્યારે ખરા અર્થમાં પરિસ્થિતિ એવી નિર્માણ થઈ છે કે ભારત જો પોતાનું સ્તર પ્રસ્થાપિત કરવા માંગતુ હોય તો તેને ગલ્ફ દેશોમાં નહીં પરંતુ ભારત દેશમાં જ પોતાનો માલ સામાન વેંચવો જોઈએ.

ઉદાહરણ તરીકે અમેરિકાનો કોઈ વ્યક્તિ ભારતની કોઈ ચીજને ખરીદવા માટે તે ગલ્ફ દેશોમાં જતો હોય છે પરંતુ તે જ વસ્તુ અને તે વસ્તુનો માલીક તેની પ્રોડકટ ભારત દેશમાંથી જ વેંચે તો વિદેશી હુંડીયામણ સુધી ભારત દેશમાં આવી શકે જેનાથી ભારતની આર્થિક સ્થિતિ ખુબ વેગ મળશે અને ઘણી ખરી સ્થિતિમાં સુધારો જોવા મળશે માત્ર જરૂર છે જાગૃતતાની જો સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો જાગૃતતા કેળવી લે તો વિશ્વમાં એવી કોઈ જગ્યા નથી જયાં સૌરાષ્ટ્રનું પ્રભુત્વ હોય.

પ્રશ્નો.આફ્રિકન દેશોમાં ખેતી અને ઉદ્યોગ માટે કેટલા સ્કોપ ?

. આ પ્રશ્નોના જવાબમાં પરાગભાઈ તેજુરાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આફ્રિકન દેશોમાં ખેતી ખુબજ અસરકારક માધ્યમ છે. વિકા જેટલી ખેતી આફ્રિકન દેશોમાં થાય છે જયારે વિશ્ર્વના ૧૦ ટકાની વસ્તી આફ્રિકામાં ખેતીના ઉદ્યોગ સાથે સંકળાયેલી છે. એટલે કે, જગ્યા વધુ હોવા છતાં ખેડૂતો કે, ઉદ્યોગકારો જેટલા પ્રમાણમાં હોવા જોઈએ તેટલા પ્રમાણમાં નથી. જેથી આફ્રિકાના દેશોમાં ખેતી માટે જે તક રહેલી છે તે ખૂબજ વિશાળ છે. ૨૦૦૦ થી લઈ ૨૦૦૦૦ સુધી એકર જમીન મળતી હોય છે અને કહીં શકાય કે, આફ્રિકન ગર્વમેન્ટ લોંગટર્મ લીઝ ઉપર લોકોને ખેતીની જમીન આપતી હોય છે.

સાથો સાથ તમામ પ્રકારના જે મેટલો છે તે આફ્રિકન દેશોમાંથી મળવાપાત્ર છે. જેથી જે ઉદ્યોગોને વિકસાવવાની જરૂરત રહેતી હોય છે તે પરિપૂર્ણ થઈ જાય છે. વિશ્વ આખામાં તમામ સ્થળ ઉપર સૌરાષ્ટ્ર લોકો પોતાનું વર્ચસ્વ સ્થાપીત કરતા નજરે પડે છે ત્યારે આફ્રિકન દેશોમાં ખેતી વધુ પ્રબળ બની છે જે સૌરાષ્ટ્રના લોકો માટે એક ઉજ્જવળ તક સાબીત થશે.

આ માટે જ એસવીયુએમના માધ્યમથી લોકોને અને આફ્રિકામાં રહેલી વ્યાપાર માટેની તકો માટે તેઓને જાગૃત કરવામાં આવશે જેથી સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો અને સૌરાષ્ટ્રના ખેડૂતોના વિકાસ અવિરત ચાલુ રહે. ત્યારે અંતમાં આ પ્રશ્નના જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે, ખેત પેદાશો તો ઠીક પણ ખેત ઉપકરણો અને ખેત ઓજારો માટે પણ સૌરાષ્ટ્રમાં વિશાળ તકો રહેલ છે જે આફ્રિકન દેશો માટે ખૂબજ ઉપયોગી સાબીત થશે અને હાલ આફ્રિકન દેશો ટેકનોલોજીમાં ખુબજ પછાત છે.

પ્રશ્નો. સરકારનો અભિગમ અને સરકારનું વલણ કેવું રહે છે ?

જ. ખુબજ ગંભીરતાથી આ પ્રશ્નના જવાબમાં પરાગભાઈએ જવાબ આપતા કહ્યું હતું કે, સરકારનો અભિગમ સૌરાષ્ટ્ર માટે ખૂબજ ઉદાસીન રહ્યો છે. જયારથી મુખ્યમંત્રી પદ ઉપર વિજયભાઈ રૂપાણી પોતાનો હોદ્દો સ્વીકાર્યો છે ત્યારથી લાગે છે કે સૌરાષ્ટ્ર માટે વિકાસના દ્વાર ખુલ્લા થયા હોય, નાના મોટા તમામ કામો વિજયભાઈની આવવાની સાથે જ પૂર્ણ થઈ ગયા છે. જેમ કે આંતરરાષ્ટ્રીય હવાઈ મથક, રાજકોટ ખાતે એઈમ્સ ત્યારબાદ અદ્યતન એસ.ટી. બસસ્ટેન્ડ સાથો ક્ધવેન્શન હોલ બનાવવાની પણ માંગ કરવામાં આવી છે.

ત્યારે ઘણી ખરી વખત માત્ર નિર્ણયો જ કરવામાં આવતા હોય છે પરંતુ તેને પરિપૂર્ણ કરવા માટે હકારાત્મક વલણ અને હકારાત્મક અભિગમ દાખવવો જોઈએ તે કરવામાં સરકાર ઘણી વખત નિષ્ફળ નિવડી છે. વાત કરવામાં આવે તો અમદાવાદ, વડોદરા, સુરતમાં ક્ન્વેન્શન હોલની માંગણીની સાથે જ મળી ગયો હતો જયારે અનેક સમયથી રાજકોટમાં ક્ધવેન્શન હોલની માંગણી કરવામાં આવી રહી છે. તેમ છતાં રાજકોટને હજુ સુધી ક્ન્વેન્શન હોલ મળ્યો નથી જે દયનીય વાત છે. સરકાર ખરા અર્થમાં ગુજરાતનો વિકાસ ઈચ્છતી હોય તો તેને સૌપ્રથમ સૌરાષ્ટ્રનો વિકાસ કરવો અનિવાર્ય બની રહેશે.

પ્રશ્નો. ગુજરાતનો દરિયાઈ કાંઠો ખૂબજ મોટો છે જેમાં બંદરો પણ ઘણા આવેલ છે જેથી વિકાસને લઈ આપનું શું માનવું છે ?

જ. આ પ્રશ્નના જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાતનો વિશાળ દરિયાકાંઠો વ્યાપાર માટે ખૂબજ ઉપયોગી છે. જેથી સરકાર દ્વારા દરિયાકાંઠા અને બંદરોનો મહત્તમ વિકાસ કરવો જોઈએ જેથી દરિયાઈ માર્ગે થતા વ્યાપારનો માર્ગ મોકળો થઈ શકે અને તેનો લાભ દેશને અને એમાં પણ સવિશેષ ગુજરાત અને સૌરાષ્ટ્રને મળી શકે. વધુમાં સરકાર દ્વારા બંદરોનો વિકાસ કરવો તે પણ ખૂબજ મહત્વપૂર્ણ વાત છે. હાલ સરકાર તેના તરફ નહીંવત ધ્યાન દેતા તેનો વિકાસ દિવસે ને દિવસે રુંધાઈ રહ્યો છે ત્યારે સરકાર દ્વારા જો બંદરોના નિર્માણ માટે ધ્યાન આપે તો સૌરાષ્ટ્રના વિકાસની ગતિને ખુબજ વેગ મળશે કારણ કે ગુજરાતમાં સૌરાષ્ટ્ર પાસે જ મુખ્યત્વે બંદરો રહેલા છે જેનો વિકાસ થવો જરૂરી છે.

પ્રશ્નો. ભવિષ્યમાં એસવીયુએમને લઈ આપનું વિઝન શું છે ?

જ. પરાગભાઈ તેજુરાએ એસવીયુએમના વિઝનને લઈ માહિતી આપતા જણાવ્યું હતું કે, એસવીયુએમ સૌરાષ્ટ્ર માટે પ્રવેશ દ્વાર માનવામાં આવી રહ્યો છે અને તેનું માનવું છે કે, સૌરાષ્ટ્ર એક એવી ધરતી અને એક એવી ભૂમિ છે જેના ઉપર વિશ્વ આખાની નજર રહેલી છે. સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો અનેકવિધ વ્યાપારોથી સુસજ્જ બન્યું છે ત્યારે એસવીયુએમનો એક માત્ર ઉદ્દેશ છે કે, સૌરાષ્ટ્રમાં જ મહત્વપૂર્ણ તમામ કાર્યો થાય જેથી લોકો અન્ય જગ્યાએ જવા કરતા સૌરાષ્ટ્રમાં જ પોતાનું ગુજરાન ચલાવી શકે અને પોતાના વિકાસને પણ પરિપૂર્ણ કરી શકે.

વિશ્વ આખુ અત્યારના હરિફાઈમાં દોડી રહ્યું છે પરંતુ ઘણા ખરા દેશોને એ વાતનો ખ્યાલ નથી કે, સૌરાષ્ટ્ર અને ગુજરાત પાસે જે વસ્તુ અને જે ઉદ્યોગ સાહસીકોની દ્રષ્ટી રહેલી છે તે અન્ય દેશો કરતા કયાંય વધારે છે. જેથી એસવીયુએમ દ્વારા સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોનો વિકાસ થઈ શકે અને ઘણી સિધ્ધીઓ હાંસલ કરી શકે તે દિશામાં કાર્યરત રહેવા પ્રયત્નશીલ રહેશે અને તે જ દિશામાં એસવીયુએમ હકારાત્મક પગલા લેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.