2 હજારની નોટબદલીથી અર્થતંત્રને ફાયદા હી ફાયદા!

મોદી મંત્ર -1 : અર્થતંત્રને મજબૂતાઈ આપવામાં નોટબદલીનો પણ મહત્વનો ફાળો રહેશે

ટૂંકા ગાળાનો ફાયદો એ રહેશે કે જે નાણાનો સંગ્રહ હતો તે હવે સર્ક્યુલેશનમાં અને બેંકોમાં આવશે

લાંબા ગાળાનો ફાયદો એ રહેશે કે મોટું ચલણ જ ન હોવાથી, કાળા નાણા તેમજ સંગ્રહ ઉપર આંશિક અસર સાથે અર્થતંત્રમાં આ નાણા વધુ ઉપયોગી બનશે

મોદી સરકાર વર્ષ 2024ની ચૂંટણીને ધ્યાને રાખીને બે જ દિશામા સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. જેમાં એક તો અર્થતંત્રને મજબૂતાઈ અને બીજું આતંકવાદનો ખાત્મો. અર્થતંત્રને મજબૂતાઈ આપવાના મોદી સરકારના અનેક પગલાંઓ સફળતાની દિશામાં છે. જેથી જ ભારત અત્યારે સૌથી ઝડપી વિકસતું અર્થતંત્ર બન્યું છે. હવે આ વિકસતા અર્થતંત્રને 2000ની નોટબદલી થોડા અંશે બુસ્ટર આપશે તેવું નિષ્ણાંતોનું માનવું છે.

19 મે 2023 ના રોજ ભારતીય રિઝર્વ બેંક એ એક મોટો નિર્ણય લીધો અને 2000 રૂપિયાની નોટોને ચલણમાંથી પાછી ખેંચવાનો નિર્ણય કર્યો. આરબીઆઈના નિર્ણય બાદ લોકોમાં થોડા અંશે ડરનો માહોલ પણ છવાયો હતો. જો કે બાદમાં લોકોમાં પણ જાગૃતતા આવી કે આ નોટબંધી નથી. આતો નોટ બદલી છે.  આરબીઆઇની ગાઈડલાઈનમાં પણ જણાવાયું છે કે 30 સપ્ટેબર સુધી આ નોટ બેંકમાં જમા કરાવી શકાય છે તેમજ બદલાવી શકાય છે. ત્યારબાદ પણ 2000ની નોટ લીગલ ટેન્ડર તરીકે પણ ચાલુ રહેશે.

નિષ્ણાંતોના મતે 2 હજારની નોટબદલીથી અર્થતંત્રને ફાયદા હી ફાયદા જેવી સ્થિતિ છે. ટૂંકા ગાળાના ફાયદા જોઈએ તો જે નાણાનો સંગ્રહ હતો તે હવે સર્ક્યુલેશનમાં અને બેંકોમાં આવશે. જેને કારણે નાણા આર્થિક વ્યવસ્થાઓમાં રોકાશે. બેકિંગમાં પણ મોટા પ્રમાણમાં નાણાં આવશે. આમ ડેડ પડેલા નાણાં અર્થતંત્રના ફરતા થશે.

લાંબા ગાળાના ફાયદા જોઈએ તો મોટું ચલણ જ ન હોવાથી, કાળા નાણા તેમજ સંગ્રહ ઉપર આંશિક અસર સાથે અર્થતંત્રમાં આ નાણા વધુ ઉપયોગી બનશે. વધુમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો વ્યાપ પણ વધશે. આમ નોટ બદલીથી અનેક ફાયદાઓ થશે. બીજું કે અર્થશાસ્ત્રીઓ જણાવે છે કે ચલણમાં જેટલી મોટી નોટ એટલું અર્થતંત્રને મોટું નુકસાન થાય છે. આમ કાળા નાણાંમાં મોટી નોટ ઉપયોગી બનતી હોય તેમાં પણ રાહત મળશે.