પાણી ભરાતા 18 સ્ટેટ હાઇવે સહિત 201 રસ્તાઓ બંધ

બનાસકાંઠા, વડોદરા, છોટા ઉદયપુર, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, રાજકોટ, અમરેલી, મોરબી, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને પોરબંદરના 162 પંચાયતી માર્ગો પણ પાણી પાણી થતા વાહન વ્યવહાર માટે સંદતર બંધ કરાયા

હવામાન વિભાગે આગામી ચાર દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી કરી છે, ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે.રાજકોટ શહેર અને જિલ્લામાં ગઈકાલ રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 212 તાલુકાઓમાં વરસાદ થઈ રહ્યો છે. વરસાદને કારણે રાજ્યમાં 15 સ્ટેટ હાઈવે સહિત 136 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યાં છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ જામનગર, વલસાડ, રાજકોટ અને દ્વારકામાં થયો છે. જેને લઈને રાજ્યના કુલ 201 રસ્તાઓ બંધ કરવા પડ્યા છે.

જે રીતે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં બે દિવસથી અનરાધાર મેઘો વરસ્યો છે જેને લઈને બનાસકાંઠા, વડોદરા, છોટા ઉદયપુર, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, રાજકોટ, મોરબી, જામનગર, ભાવનગર, જૂનાગઢ, અમરેલી અને પોરબંદરના કુલ 201 રસ્તાઓ બંધ કરવા પડયા છે. જેમાં પંચાયતી રસ્તાઓ 162, અન્ય રસ્તાઓ 20, સ્ટેટ હાઇવે 18 અને એક નેશનલ હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે.

રાજ્યમાં છેલ્લા બે દિવસથી મેઘમહેર થઈ રહી છે. ત્યારે અત્યાર સુધી સિઝનનો 64.44 ટકા વરસાદ થયો છે. ઝોન પ્રમાણેની સ્થિતિ જોઈએ તો, કચ્છમાં 66.13 ટકા, ઉત્તર ગુજરાતમાં 54.45 ટકા, મધ્યગુજરાતમાં 55.92 ટકા અને સૌરાષ્ટ્રમાં 68.74 ટકા વરસાદ થયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 64.44 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં વરસાદ થવાથી નવા નીરની આવક થઈ છે. જેનાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. ખેડૂતોનો ઉભો પાક વરસાદને કારણે બચી ગયો છે.

બે દિવસ ભારે વરસાદની સંભાવનાને પગલે NDRF અને SDRFની ટીમોને પણ એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે. IMDના અધિકારીએ જણાવ્યું હતું કે ત્રણ દિવસની હવામાનની આગાહી જોતાં સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે, જેમાં સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર-સોમનાથ અને અમરેલી જિલ્લામાં, મધ્ય ગુજરાતના વડોદરા, ખેડા અને દક્ષિણ ગુજરાતના ભરૂચ અને વલસાડ જિલ્લાઓમાં આગામી બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના રહેલી છે, જેથી અગમચેતીનાં પગલાંરૂપે રાહત બચાવકાર્ય અંગે જરૂર પડે NDRF અને SDRFની ટીમો આ જિલ્લાઓમાં એલર્ટ રહે એ અંગે સૂચના આપવામાં આવી છે.

રાજકોટ-જૂનાગઢના એસટી રૂટો ફરી શરૂ કરાયા

છેલ્લા 2 દિવસથી સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા થયા હોય તેમ 30 ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે જેને લઈ રાજકોટ એસ.ટી ડિવિઝન દ્વારા જૂનાગઢ અને જામનગરમાં કુલ 200થી વધુ રૂટો રદ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત બીજા અન્ય રૂટો પર બંધ કરવાનો વારો આવ્યો હતો . જો કે ગઈકાલ રાતથી જ મેઘરાજાએ વિરામ લેતા આજ સવારથી જ ફરી પાછા આ રૂટો શરૂ કરી દેવામાં આવ્યા છે.