Abtak Media Google News
ગોંડલ ગચ્છ સંસ્થાપક આચાર્યદેવ ડુંગરસિંહજી મ.સા.ના

ગોંડલ નવાગઢ સ્થાનકવાસી જૈન સંઘની કમિટી બની ‘કંદમૂળ ફ્રી કમિટી’

દેશ-વિદેશમાં જિનશાસનની ધજા – પતાકા લહેરાવી રહેલાં ગૌરવંતા ગોંડલ સંપ્રદાયના આદ્ય સંસ્થાપક નિદ્રાવિજેતા આચાર્યદેવ  ડુંગરસિંહજી મ.સા. નો 202ક્ષમ સ્વર્ગારોહણ પુણ્યસ્મૃતિનો અવસર  ગોંડલ નવાગઢ સ્થાનકવાસી જૈન સંઘના આંગણે ત્રિદિવસીય ગુરુ સ્મરણોત્સવ સ્વરૂપે જપ-તપ-જ્ઞાન-ધ્યાનની અનોખી સાધના – આરાધના સાથે અત્યંત ભક્તિભાવે ઉજવવામાં આવ્યો હતો.

શ્રી નવાગઢ સંઘમાં દાદા ગુરુદેવ  ડુંગરસિંહજી મ.સા. પ્રત્યે શ્રદ્ધા, ભક્તિ અને સમર્પણ ભાવની અર્પણતા કરવાં તપ સમ્રાટ  ગુરુદેવ  રતિલાલજી મ.સા., એવમ પૂજ્ય શ્રી મુક્ત-લીલમ ગુરુણીના સુશિષ્યા તપસ્વી પૂજ્ય શ્રી રાજેમતીબાઈ મહાસતીજી,  ડોલરબાઈ મ.સા.,  અજિતાબાઈ મ.સા.આદિ,  કલ્પનાબાઈ મ.સા.,  સુનિતાબાઈ મ.સા.,  શ્વેતાંશીબાઈ મ.સા.,  પરમ મિત્રાજી મ.સા. આદિ ઠાણા એવમ શાસનચંદ્રિકા  હીરાબાઈ મ.સા.ના સુશિષ્યા ગોંડલ ગામના દીકરી એવા  સ્મિતાબાઈ મ.સા., સંઘાણી સંપ્રદાયના  ઉષાબાઈ મ.સા. તેમજ જ્યોત્સનાબાઈ મ.સા. આદિ સાધ્વીવૃંદ વિશેષ ભાવો સાથે પધાર્યાં હતાં.

પૂજ્ય સાધ્વીજવૃંદના સાંનિધ્યે ત્રિદિવસીય તપ સાધના, જપ સાધના, ત્રિદિવસીય જ્ઞાન શિબિરની સાથે આયોજિત કરવામાં આવેલા અનોખા ધાર્મિક અનુષ્ઠાનોમાં સમસ્ત શ્રી સંઘના ભાવિકોએ જોડાઈને  દાદા ગુરુદેવ પ્રત્યે શ્રદ્ધા ભક્તિભાવની અર્પણતા કરી હતી.

ત્રિદિવસીય આ સ્મરણોત્સવ અંતર્ગત કલ્પનાબાઈ મ.સા. તેમજ  સુનિતાબાઈ મ.સા.એ ગાદીપતિ ગુરુદેવ વાણીભૂષણ  ગિરીશમુનિ મહારાજ સાહેબ તેમજ ઉત્સાહધરા પૂજ્ય શ્રી ઉષાબાઈ મહાસતીજીને ગુણાંજલી અર્પણ કરવા સાથે દાદા ગુરુદેવ  ડુંગરસિંહજી મ.સા.ના ગુણ સમૃદ્ધ જીવનનું સ્મિતાબાઈ મ.સા.એ સુંદર ભાવો સાથે વર્ણન કરતાં ઉપસ્થિત સહુ ગુરુ તત્ત્વ પ્રત્યે અહોભાવિત બન્યાં હતાં.

ઉપરાંતમાં,  ડોલરબાઈ મ.સા. તેમજ અજિતાબાઇ મ.સા.એ  આચાર્યદેવની એકાવતારી પદની સંયમ સાધના સાથે ગોંડલને એક તીર્થભૂમિ સ્વરૂપની ઓળખ આપીને સહુને પ્રેરિત કર્યાં હતાં. ત્રણ દિવસ સુધી આયોજિત કરવામાં આવેલી જ્ઞાન શિબિર અંતર્ગત  હેમાંશીબાઈ મ.સા. તેમજ  શ્વેતાંશીબાઈ મ.સા.એ વિવિધ સ્પર્ધાઓ દ્વારા ભાવિકોની જ્ઞાનવૃદ્ધિ કરાવી હતી. પ્રમુખ  પ્રવીણભાઈ કોઠારીએ  સાધ્વીવૃંદના શ્રીસંઘમાં પદાર્પણ પ્રત્યે અહોભાવ વ્યક્ત કરી કહ્યું હતું કે ગોંડલમાં શાસનચંદ્રિકા  હીરાબાઈ મ.સા.ની પ્રેરણાએ દાદા ગુરુદેવની પાટને લોકહ્રદયમાં શ્રદ્ધાનું સ્થાન બનાવી, મહાઉપકાર કર્યો છે.

પૂજ્ય દાદા ગુરુદેવને ભાવાંજલિ અર્પણ સાથે પૂજ્ય મહાસતીજીના અનુરોધને ઝીલીને  ગોંડલ નવાગઢ સ્થાનકવાસી જૈન સંઘના પદાધિકારીઓએ આ અવસરે કંદમૂળ ત્યાગની પ્રતિજ્ઞા કરતાં સંઘની કમિટી કંદમૂળ ફ્રી કમિટી બની.

ત્રિદિવસીય આ સ્મરણોત્સવને કમિટીના તમામ મેમ્બર્સએ સફળ કરવા પુરુષાર્થ કરેલ તેમજ સ્મરણોત્સવને અનુમોદનાનો લાભ  ગુરુભક્ત પરિવાર તેમજ સંઘ દ્વારા લેવામાં આવ્યો હતો. સર્વ સંયમી આત્માઓ તેમજ ભાવિકો દ્વારા અર્પણ કરવામાં આવેલી ભાવભીની શ્રદ્ધાંજલિ અને સ્મૃતિવંદના સાથે આ સમર્પણોત્સવનું સમાપન થયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.