Abtak Media Google News

પ્રસુતાના પરિવારજનો પાસેથી ડિલીવરી પછી પૈસા માંગતા હોવાની ફરીયાદ બાદ સુપ્રિટેન્ડેન્ટની લાલ આંખ

જૂનાગઢની સરકારી હોસ્પિટલમાં સંતાનનો જન્મ થતા જ પ્રસૂતાના પરિવારજનો પાસેથી રૂપિયા માંગનાર તોડબાજ કર્મીઓ સામે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ એ લાલ આંખ કરી 21 કર્મીઓને છુંટા કરી દેવાયા છે તથા છૂટા કરાયેલા કર્મીઓના કારણે સેવામાં કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે કોરોનાના કપરા કાળમાં કામ કરનાર કર્મીઓને ફરી ભરતી કરાયા છે.

જુનાગઢ સરકારી હોસ્પિટલમાં સૌથી વધુ કેસ પ્રસુતિ વિભાગમાં આવે છે અને જૂનાગઢની સિવિલ હોસ્પિટલને સૌથી વધુ સફળ ડીલેવરી કરવા માટે એવોર્ડ પણ મળ્યા છે. પરંતુ “ચાંદ મે દાગ”ની જેમ કેટલાક કર્મીઓ દ્વારા દાખલ સગર્ભાને સંતાનનો જન્મ થતા જ કર્મીઓ દ્વારા નાણાં પડાવવામાં આવતા હતા અને તેને કારણે સિવિલ હોસ્પિટલને દાગ લાગતો હતો.

આ બાબતની હકીકતો જૂનાગઢ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. સુશીલકુમાર ને મળતા તેઓ ચોંકી ઊઠયા હતા અને બાદમાં તપાસ કરતા જૂનાગઢની સિવિલ હોસ્પિટલને દાગ લગાડતાં 21 તોડબાજ કર્મીઓની હકીકતો સામે આવતા તુરત જ હોસ્પિટલના વર્ગ-4ના 21 કર્મીઓને તાત્કાલિક ધોરણે છૂટા કરી દેવાયા હતા. જેના કારણે જૂનાગઢની સિવિલ હોસ્પિટલના અમુક તોડબાજ કર્મીઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

બીજી બાજુ એકસાથે 21 કર્મીઓને છૂટા કરાયા બાદ જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં કોઈપણ પ્રકારની સેવા અટકે નહિ અને અવ્યવસ્થા ન સર્જાય તે માટે તાત્કાલિક નવી ભરતી પણ કરી લેવાય છે અને કોરોનાના કપરા કાળમાં જીવના જોખમે સારી કામગીરી કરનાર  કર્મીઓને ફરી ફરજ પર લેવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.