સોરઠના દરિયા કાંઠે કોફિનમાં પેક કરેલા 219 પેકેટ ચરસ મળ્યા

  • જૂનાગઢ, ગીર સોમનાથ એસઓજી સાથે તપાસમાં એટીએસ જોડાયું
  • એક સપ્તાહ પૂર્વે કચ્છના ખાડી વિસ્તારમાં સુરક્ષા એજન્સીને જોઇ પાકિસ્તાનની બોટ દસ પેકેટ ચરસ ફેંકી ભાગી છુટી’તી
  • રૂા.3 કરોડનો ચરસનો જંગી જથ્થો મળી આવતા સૌરાષ્ટ્રના દરિયામાં સર્ચ ઓપરેશન

કચ્છના દરિયામાંથી અવાર નવાર મળતા ડ્રગ્સનું પગેરૂ વિદેશ સ્થીત ડ્રગ્સ માફિયા પર સુરક્ષા એજન્સીની ભીસ વધતા ડ્રગ્સ માફિયાઓએ કચ્છના બદલે સોરઠનો દરિયા કિનારો પસંદ કર્યો હોય તેમ છેલ્લા ચાર દિવસમાં સોમનાથ, માંગરોળ અને પોરબંદર દરિયા કિનારેથી 219 પેકેટ ચસર મળી આવ્યું હતું. કોફિનમાં પેક ચરસના પાકિસ્તાન અને અફઘાનિસ્તાન લખેલા બાચકા મળી આવ્યા છે.

જૂનાગઢ અને ગીર સોમનાથ પોલીસની સાથે તપાસમાં એટીએસ જોડાયું છે. એક સપ્તાહ પૂર્વે કચ્છના ખાડી વિસ્તારમાં ભારતીય સુરક્ષા એજન્સીની બોટને જોઇ ભાગી છુટેલી પાકિસ્તાની બોટમાંથી દસ જેટલા ચરસના બાચકા ફેંકી દેવામાં આવ્યા હતા તે બોટમાં જ ચરસનો મોટો જથ્થો આવ્યાની અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે ફેંકી દીધાનું શંકા સાથે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. એટીએસ અને કોસ્ટ ગાર્ડ તેમજ મરીન સિકયુરીટી સ્ટાફ દ્વારા સૌરાષ્ટ્રના દરિયામાં સઘન સર્ચ ઓપરેશન શરૂ કર્યુ હોવાનું અને વધુ ચરસનો જથ્થો મળે તેમ હોવાનું પોલીસ સુત્રો જણાવી રહ્યા છે.

સૌરાષ્ટ્રની જળ સીમા નજીકના દરિયાકાઠા વિસ્તાર જેવા સોમનાથ, માંગરોળ, પોરબંદર નજીક ચરસ ,ડ્રગ્સના મનાતા 219 પેકેટ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.પેકેટ મળતાની સાથે જ પોલીસે દરિયાઈ પટ્ટીના વીસ્તારોમાં સર્ચ ઓપરેશન શરૂ કરી વધુ કાર્યવાહી હાથધરી છે.માંગરોળના દરીયા કાંઠેથી મળી આવેલ બિનવારસુ માદક પદાર્થનાં જથ્થો શંકાસ્પદ રીતે મળી આવતા આવો બીજો કોઇ જથ્થો ગીર સોમનાથ દરીયાઇ કાંઠા વિસ્તારમાં પણ મળી આવવાની સંભાવના હોય ગીર સોમનાથ એસ.ઓ.જી. તથા મરીન પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરી હતી.

જે અંતર્ગત આજે વહેલી સવારના પોલીસની અલગ- અલગ 10 ટીમોની રચાન કરી જિલ્લાના હદ વિસ્તારના દરિયાકાંઠે પગપાળા ચાલી સર્ચ ઓપરેશન હાથ ધરતા આદ્રી ગામથી લઇને લાટી કદવાર સુધીના દરીયાકાંઠા વિસ્તારમાં દરીયાઇ પાણીમાં તણાઇ આવેલ અલગ અલગ જગ્યાએથી બિનવારસુ શંકાસ્પદ માદક પદાર્થના કુલ – 160 – પેકેટ મળી આવેલ જે પેકેટ ચેક કરતા રેડીશ – બ્રાઉન કલરનો માદક પદાર્થ હોય જેથી વૈજ્ઞાનિક તપાસણી માટે એફ.એસ.એલ. ટીમને સ્થળ ઉપર બોલાવવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પેકેટનું વજન એક કીલોગ્રામ હોય જે તમામ કબ્જે લઇ એફ.એસ.એલ. રીપોર્ટ આવ્યે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ હજુપણ આવો શંકાસ્પદ જથ્થો મળી આવવાની શકયતા હોય જેથી સર્ચ ઓપરેશન હાલ ચાલુરાખવામાં આવેલ છે. આદ્રિ, વેરાવળ, ત્રિવેણીથી આગળ,કડોદરા, લાટી દરિયાકાંઠાના વિસ્તારોમાંથી મળેલ આ જથ્થો જો ચરસનો હોય તો સંભવિત અઢી કરોડનો મુદામાલ થઈ શકે. આ જથ્થો મધદરિયામાં કદાચ ફેંકી દીધો હોય તેમ લાગી રહ્યુ છે. તેમજ મળેલ જથ્થો સંભવત: મેઇડ ઇન પાકિસ્તાન પણ હોઈ શકે.

ગઈકાલે જૂનાગઢ એસઓજીને મળેલી બાતમી આધારે માંગરોળ દરિયા કિનારેથી ચરસનું શંકાસ્પદ એક પેકેટ મળી આવતા ત્યાં એસઓજી અને મરીન પોલીસ દ્વારા માંગરોળ, આત્રોલી, શીલ સહિતના દરિયાકિનારે સવાર સુધી સર્ચ કર્યું હતું, જેમાં બપોર સુધીમાં માંગરોળ દરિયામાંથી પોલીસને એક-એક કિલોના 39 પેકેટ મળી આવ્યા છે, જેમાં ચરસ હોવાનું માલુમ પડે છે, પરંતુ હાલ તેની ખરાઈ માટે એએસએલની ટીમને સાથે રાખીને તપાસ કરવામાં આવી રહી છે. અંદાજે 50-60 લાખનો જથ્થો મળી આવ્યો છે.

તેમજ પોરબંદરના માધવપુર અને ગોરસર વચ્ચેના દરિયા કિનારેથી પોલીસને શંકાસ્પદ પદાર્થ ભરેલા 20 પેકેટ મળી આવ્યા છે. આ પેકેટ માંગરોળથી મળી આવેલ ચરસના પેકેટ જેવા જણાતા હોવાની આશંકાએ એફ.એસ.એલ. તપાસકરવામાં આવી રહી છે.આ અંગે ગુજરાત એટીએસને જાણ કરીને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, જૂનાગઢ, સોમનાથ, દ્વારકા, પોરબંદર જિલ્લાના કોસ્ટલ વિસ્તારમાં એલર્ટ આપવામાં આવ્યું છે, કોસ્ટલ સ્ટાફ તેમજ દરિયાકિનારે એસઓજી અને મરીન પોલીસ દ્વારા સર્ચ કરવામાં આવી રહ્યું છે. તેમજ દરિયાકિનારે આવેલા ગામોમાં પણ શંકાસ્પદ રહેણાકો અને વ્યક્તિઓની પૂછતાછ શરુ કરવામાં આવી રહી છે. હાલ તો આ શંકાસ્પદ ચરસનો જથ્થો દરિયામાંથી તણાઈને આવ્યો હોય તેવું અનુમાન છે. થોડા દિવસો પહેલા પોરબંદરમાંથી એક બોટ પણ મળી આવી હતી, તે મામલે પણ તપાસ કરવામાં આવી રહી છે.

ગીર સોમનાથ અને જૂનાગઢ એસપી દ્વારા કરાઇ સઘન કાર્યવાહી

જૂનાગઢ જિલ્લાના અને ગીર સોમનાથ જિલ્લાના દરિયામાંથી બીન વારસી ચરસનો જથ્થો મળી આવ્યા બાદ ગીર સોમનાથના દરિયામાંથી 160 ચરસના પેકેટ અને જૂનાગઢ જિલ્લાના માંગરોળમાંથી 25, આત્રોલીમાંથી 14 અને પોરબંદર જિલ્લાના માધવપુર દરિયા કિનારેથી 20 પેકેટ ચરસ મળી આવતા ગીર સોમનાથ એસપી મનોહરસિંહ જાડેજા, જૂનાગઢ એસપી રવિ તેજા વસમ સેટ્ટી અને પોરબંદર એસપી રવિ મોહન સૈનીએ પત્રકારોને માહિતી આપી હતી. ત્રણેય જિલ્લા પોલીસના એસઓજી ટીમ અને એટીએસની ટીમ દ્વારા સઘન ચેકીંગ અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. દરિયામાંથી ચરસના વધુ પેકેટ મળી આવવાની શંકા સાથે સ્થાનિક શખ્સોની સંડોવણી અંગે તપાસ ચાલી રહ્યાનું પત્રકાર પરિષદમાં જણાવ્યું છે.