Abtak Media Google News

આગજનીની ઘટનામાં દેલોલ ગામના ૧૭ લોકોના મોત નિપજ્યા’તા

પંચમહાલ જિલ્લાના હાલોલની અદાલતે ગોધરાકાંડ પછી ફાટી નીકળેલાં રમખાણો દરમિયાન પંચમહાલ જિલ્લાના દેલોલ ગામે આગજનીની ઘટનામાં ૧૭ લોકોના મોત નિપજ્યા હતા. જેમાં પોલીસે કુલ ૨૨ આરોપીઓની ધરપકડ કરી હતી. સમગ્ર મામલે ૧૮ વર્ષ સુધી ટ્રાયલ ચાલ્યા બાદ કેસમાં પુરાવાના અભાવે ૨૨ આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. નિર્દોષ છૂટેલા લોકો પર બે બાળકો સહિત ૧૭ લોકોની હત્યા કરવાનો આરોપ હતો. બચાવ પક્ષના વકીલ ગોપાલસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, એડિશનલ સેશન્સ જજ હર્ષ ત્રિવેદીની કોર્ટે તમામ ૨૨ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા, જેમાંથી સુનાવણી દરમિયાન ૮નું મોત નીપજ્યું હતું.

સોલંકીએ જણાવ્યું હતું કે, પંચમહાલ જિલ્લાના દેલોલ ગામમાં બે બાળકો સહિત ૧૭ લોકોની હત્યામાં પુરાવાના અભાવે કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. ફરિયાદ પક્ષ અનુસાર પીડિતોની ૨૮ ફેબ્રુઆરી, ૨૦૦૨ના રોજ હત્યા કરવામાં આવી હતી અને પુરાવાનો નાશ કરવાના ઈરાદાથી તેમના મૃતદેહને સળગાવી દેવામાં આવ્યા હતા.

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર નજીક ટોળાએ સાબરમતી એક્સપ્રેસની એક બોગીને આગ ચાંપ્યાના એક દિવસ પછી ૨૭ ફેબ્રુઆરી, ૨૦૦૨ના રોજ કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. બોગી સળગાવવાની ઘટનામાં ૫૯ મુસાફરોના મોત થયા હતા. જેમાંથી મોટાભાગના અયોધ્યાથી પરત ફરી રહેલા ‘કાર સેવક’ હતા.

દેલોલ ગામમાં હિંસા બાદ હત્યા અને રમખાણો સંબંધિત ભારતીય દંડ સંહિતા કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી. અન્ય એક પોલીસ ઇન્સ્પેક્ટરે ઘટનાના લગભગ બે વર્ષ પછી નવો કેસ નોંધ્યો અને રમખાણોમાં કથિત સંડોવણી બદલ ૨૨ લોકોની ધરપકડ કરી.

સોલંકીએ જણાવ્યું હતું કે ફરિયાદી પક્ષ આરોપીઓ સામે પૂરતા પુરાવા એકત્ર કરવામાં અસમર્થ હતું અને સાક્ષીઓ પણ હોસ્ટાઈલ થયા હતા. બચાવ પક્ષના વકીલે કહ્યું કે પીડિતોના મૃતદેહ ક્યારેય મળ્યા નથી.  પોલીસે નદી કિનારે નિર્જન સ્થળેથી હાડકાં કબજે કર્યા હતા, પરંતુ તે એટલી હદે સળગી ગયા હતા કે પીડિતોની ઓળખ થઈ શકી નથી.

શું હતો મામલો ?

ગોધરા ખાતે ફેબ્રુઆરી ૨૦૦૨માં સાબરમતી એક્સપ્રેસની એક બોગીમાં આગ ચાંપી દેવામાં આવી હતી જેમાં ૫૯ લોકોના મોત નિપજ્યા હતા. જેમાંથી મોટા ભાગના અયોધ્યાથી પરત ફરી રહેલા ‘કાર સેવકો’ હતા. જે બાદ રાજ્યભરમાં કોમી રમખાણો ફાટી નીકળ્યાં હતા. જેના એક દિવસ બાદ ૨૮ ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ પંચમહાલ જિલ્લાના દેલોલ ગામ ખાતે ૨ બાળકો સહિત ૧૭ લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા.

૨૨ આરોપીઓ પૈકી ૮ના ચાલુ ટ્રાયલે મોત નિપજ્યા

પંચમહાલ જિલ્લાના દેલોલ ગામે ૧૭ લોકોની હત્યા નિપજાવી દેવામાં આવી હતી. જે મામલે પોલીસે ૨૨ આરોપીઓની ધરપકડ કરી હતી. સમગ્ર મામલાની ટ્રાયલ હાલોલ કોર્ટમાં ૧૮ વર્ષ સુધી ચાલી હતી. જે દરમિયાન ૨૨ આરોપીઓ પૈકી ૮ મોતને ભેટ્યા હતા. ત્યારબાદ કોર્ટે પુરાવાના અભાવે બાકી રહેલા તમામ આરોપીઓને નિર્દોષ છુટકારો આપ્યો છે. કોર્ટ ૧૭ લોકોની હત્યાના મામલે પુરાવાના અભાવે તમામ આરોપીઓને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.