Abtak Media Google News

શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે ઈલેકટ્રીક સિટી બસને અપાશે લીલીઝંડી

આગામી શુક્રવારથી રાજકોટના રાજમાર્ગો પર 27 સીટની કેપેસિટીવાળી 23 ઈલેકટ્રીક બસ દોડવા માંડશે. જન આશિર્વાદ યાત્રા અંતર્ગત રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે ઈલેકટ્રીક બસનો શુભારંભ કરવામાં આવશે. આ ઉપરાંત તેઓ પૃથ્વીરાજ ચૌહાણ શાળા નં.48ના નવનિર્મીત બિલ્ડીંગનું લોકાર્પણ કરશે અને ઈ-ડબલ્યુએસ અને એમઆઈજી-1 કેટેગરીના અલગ અલગ આવાસનો ડ્રો પણ યોજવામાં આવશે.

આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસીપલ કમિશનર અમિત અરોરા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન અતુલભાઈ પંડિત, બાંધકામ સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ તથા હાઉસિંગ સમિતિ ચેરમેન વર્ષાબેન રાણપરાએ જણાવ્યું છે કે, મહાપાલિકા દ્વારા આગામી શુક્રવારના રોજ બપોરે 03:30 કલાકે, જિલ્લા ગાર્ડન ખાતે, પૃથ્વિરાજ ચૌહાણ પ્રાથમિક શાળા નં.48ના નવનિર્મિત બિલ્ડીંગનું લોકાર્પણ, ઈલેક્ટ્રીક બસનો શુભારંભ, આવાસોનો ફાળવણી ડ્રો શિક્ષણ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીના વરદ હસ્તે થશે. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડો.પ્રદિપ ડવ ઉપસ્થિત રહેશે.

રૂ.2.79 કરોડના ખર્ચે પૃથ્વિરાજ ચૌહાણ પ્રાથમિક શાળા નં.48નું નવનિર્મિત બિલ્ડીંગ બાંધવામાં આવેલ છે. આ બાંધકામ આશરે 1740 ચો.મી.નું બાંધકામ કરવામાં આવેલ છે. જેમાં, 9 ક્લાસરૂમ, પ્રિન્સીપાલ ઓફીસ, સ્ટાફરૂમ, લાઈબ્રેરી વિગેરે સુવિધા આપવામાં આવેલ છે. શુક્રવારથી 23 ઈલેક્ટ્રીક બસનું શુભારંભ કરવામાં આવશે.

ભારત સરકાર રાજકોટ રાજપથ લી.ને 50 મીડી એસી. ઈલેક્ટ્રીક બસ ગ્રોસકોસ્ટ મોડલથી ખરીદ કરવાનું તા.26/08/2019ના રોજ મંજુર કરવામાં આવેલ. કેન્દ્ર સરકાર દ્વારા પ્રત્યેક મીડી એસી. ઈલે. બસ માટે મહત્તમ રૂ.45 લાખ સુધીની મર્યાદામાં ગ્રાન્ટ મંજુર કરવાનું નિયત થયેલ છે, જે ગ્રાન્ટની રકમ સદરહું કામે નિયત થનાર એજન્સીને તબક્કાવાર કેન્દ્ર સરકારશ્રી દ્વારા નિયત થયેલ ધોરણ અનુસાર બેન્ક ગેરેન્ટી સામે આપવામાં આવનાર છે.

શહેરમાં ટ્રાફિકની ગીચતા તથા રસ્તાની પહોંળાઈની વિગતોને ધ્યાને લઈ 9(નવ) મીટર લંબાઈની મીડી ઇલેક્ટ્રીક બસ, સંપૂર્ણ વાતાનુકુલિત સુવિધાયુક્ત ઈ-બસ, 27 આરામદાયક બેઠકની ક્ષમતા,  ઈ-બસમાં મુસાફરોના મનોરંજન માટે એફએમ રેડિયો સીસ્ટમની સુવિધા, ઈ-બસ જીપીએસ ટ્રેકિંગ સીસ્ટમથી સુસજ્જ , મુસાફરોની સલામતી માટે ઈ-બસની અંદર તથા બહારની બાજુએ કેમેરાની સુવિધા, ઈ-બસમાં મુસાફરોની સલામતી માટે ફાયર સેફટી વ્યવસ્થા અને મેડિકલ કીટની સુવિધા, ઈ-બસમાં મુસાફરોની સલામતી માટે એસઓએસ-ઈમરજન્સી આલાર્મની, ઈ-બસમાં ફુલ્લી ઓટોમેટીક પ્રવેશ દ્વાર તથા ઈમરજન્સી દ્વારની સુવિધા, ઈ-બસમાં મુસાફરો માટે પબ્લીક એનાઉન્સમેન્ટ અને પબ્લીક ઇન્ફોર્મેશન સિસ્ટમની, ઈ-બસમાં મુસાફરોને આકર્ષિત કરે તે મુજબનું કલરફૂલ ઇન્ટીરીયર તથા એમ્બીયન્સની સુવિધા રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.