Abtak Media Google News
  • અગાઉ રાજકોટ, સરધાર અને માધાપરમાં આવેલી એએલસીની અંદાજે 650 એકર જમીનમાંથી 300 એકર ફાજલ કર્યા બાદ 350 એકર રાજવી પરિવારને ફાળવી દેવાઈ હતી 
  • તત્કાલીન કલેકટરે મામલતદારના ચુકાદાને રિવીઝનમાં લેવાનો આપ્યો હતો આદેશ

રાજકોટના રાજવી પરિવારની રાજકોટ, સરધાર, માધાપરમાં આવેલી વીડીની એએલસીની અંદાજે 650 એકર જમીનમાંથી 300 એકર જમીન ફાજલ કર્યા બાદ અંદાજે 350 એકર જમીન રાજકોટના રાજવી પરિવારને ફાળવી દેવાના કેસની પ્રાંત દ્વારા સુનાવણી શરૂ કરવામાં આવનાર છે. શહેર પ્રાંત -1 કચેરી દ્વારા રાજવી પરિવારના સભ્યોને 23મીએ હાજર થવા ફરમાન પણ કરવામાં આવ્યું છે.

મળતી માહિતી અનુસાર સ્વ.મનોહરસિંહ પ્રદ્યુમનસિંહજી જાડેજા તેમજ સ્વ.પ્રદ્યુમનસિંહજી લાખાજીરાજસિંહ જાડેજાના વારસદારોની રાજકોટ, માધાપર, સરધારના અલગ અલગ સર્વે નંબરમાં આવેલી વીડીની જમીન ફાળવવા માટે સુપ્રીમ કોર્ટે કેસ રાજકોટ કલેકટરને રિમાન્ડ કર્યો હતો. કલેકટરે આ કેસમાં પૂર્વ ઝોન મામલતદારને અધિકૃત કર્યા હતા. આ કેસની લાંબી સુનાવણી ચાલ્યા બાદ પૂર્વ ઝોન મામલતદારે 650 એકરમાંથી 300 એકર જમીન સરકારી ફાજલ જાહેર કરી હતી. જ્યારે 350 એકર જમીન રાજવી પરિવારને ફાળવવામાં આવી હતી. આમાં એએલસીના એક યુનિટનું ખોટુ અર્થઘટન થયું હોવાનું જાહેર થતાં તત્કાલિન જિલ્લા કલેકટર દ્વારા મામલતદારના ચૂકાદાને રિવીઝનમાં લેવાનો અગાઉ આદેશ આપવામાં આવ્યો હતો.

આ કેસની સુનાવણી હવે રાજકોટ શહેર પ્રાંત-1ના નાયબ કલેકટર દ્વારા શરૂ કરવામાં આવનાર છે. આ માટે સ્વ.મનોહરસિંહ જાડેજા, સ્વ.પ્રદ્યુમનસિંહ લાખાજીરાજસિંહ જાડેજાના વારસદાર પ્રેમીલાકુમારીબા (પ્રેમીલાજી) પ્રદ્યુમનસિંહ, સ્વ.અનિરૂધ્ધસિંહ પ્રહલાદસિંહ, રણસૂરવિરસિંહ અનિરૂધ્ધસિંહ, મોહિનીબા જાડેજા સહિતના વારસદારોને નોટિસ આપી આગામી તા.23ના રોજ હાજર થવા ફરમાન કરવામાં આવ્યું છે.

કેટલીક જમીન વેચાઈને બિનખેતી પણ થઈ ગઈ!!

ખેત જમીન ટોચ મર્યાદા હેઠળના કેસમાં જે જમીન છે. તેમાં કેટલી જમીન રાખવા પાત્ર છે તે અંગેની અપીલ પેન્ડિંગ છે. આનો નિવેડો આવતા પહેલા જ એ પૈકીનો કેટલોક હિસ્સો વેચી દેવામાં આવ્યો હોવાનું પણ ધ્યાને આવ્યું છે. જેમાં કેટલીક જમીન બિનખેતી પણ થઈ ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

તત્કાલીન મામલતદારે એએલસીના યુનિટનું ખોટું અર્થઘટન થયું હોવાની શંકાએ કેસ રિવિઝનમાં લેવાયો

આ પ્રકરણમાં તત્કાલીન મામલતદારે એએલસીનો કેસ તો કાયદાની નવી જોગવાઈ મુજબ ચલાવ્યો પણ ફાળવણી જુના નિયમ પ્રમાણે વધુ કરી દેવામાં આવી હોવાનું ધ્યાને આવ્યું છે. જેને પગલે સરકાર પક્ષે જ અપીલમાં જવું પડ્યું છે.  આમાં એએલસીના એક યુનિટનું ખોટુ અર્થઘટન થયું હોવાનું જાહેર થતાં તત્કાલિન જિલ્લા કલેકટર દ્વારા મામલતદારના ચૂકાદાને રિવીઝનમાં લેવાનો અગાઉ આદેશ આપવામાં આવતા આ પ્રકરણ ફરી ખુલ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.