Abtak Media Google News

મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રાહત રકમની ચુકવણી શરૂ

કોરોના કાળ દરમ્યાન ફ્રન્ટલાઈન વર્કર તરીકે ફરજ બજાવતા રાજકોટ મહાનગર પાલિકાના અધિકારી, કર્મચારીઓ પૈકી કોવિડ-19 અંતર્ગત અવસાનના કિસ્સામાં મુખ્યમંત્રી રાહત ફંડમાંથી વળતર ચૂકવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.  મેયર ડો.પ્રદીપ ડવ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા તથા આરોગ્ય સમિતિ ચેરમેન ડો.રાજેશ્રીબેન ડોડીયાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોનામાં ફરજ બજાવતા અધિકારી, કર્મચારીઓનું અવસાન પામે તેવા કર્મચારીના વારસદારને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રૂ.25 લાખ વળતર ચૂકવવાનું નિર્ણય કરવામાં આવ્યો છે.

મોટાભાગના અધિકારી, કર્મચારીઓએ દિવસ-રાત જોયા વગર અને પોતાના આરોગ્યની કે પરીવારની પરવા કર્યા વગર ફ્રન્ટલાઈન વર્કર તરીકે કપરી ફરજ બજાવેલ છે. આ ફરજ દરમ્યાન મહાનગરપાલિકાના આશરે 12 જેટલા અધિકારી, કર્મચારીઓ કોવીડ-19ના કારણે અવસાન પામેલ છે. રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી, કર્મચારીઓ પૈકી સ્ટેનોગ્રાફર નીલેશભાઈ દવે, જુનિયર ક્લાર્ક સિધ્ધરાજસિંહ પરમાર, સફાઈ કામદાર દેવુબેન ચૌહાણ, કમલેશભાઈ પરમાર, તુલસીભાઈ ચૌહાણ, ચંપાબેન વાઘેલા, કાન્તાબેન વોરા, વિજયાબેન બાબરીયા, કમલેશભાઈ ચાવડા, પ્રવીણભાઈ વાઘેલા તથા કાળુભાઈ નારોલાને રાજ્ય સરકારની નીતિ અનુસાર મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રૂ.25 લાખ વળતર ચૂકવવાનું થાય આ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારને જરૂરી વિગતો સહ દરખાસ્ત કરવામાં આવેલ.

આ દરખાસ્તના અનુસંધાને રાજ્ય સરકાર દ્વારા તે પરત્વે વળતર ચૂકવવાનું મંજુર કરી ઘટિત હુકમ કરવામાં આવેલ છે અને મૃતક અધિકારી, કર્મચારીના વારસદારોના બેંક એકાઉન્ટમાં ઈ.સી.એસ.થી આ રકમ જમા થવાનું શરૂ થઇ ગયેલ છે. તેમજ જે અધિકારી, કર્મચારીઓના વારસદારોના ખાતામાં રકમ જમા થયેલ નથી તેમના ખાતામાં ટૂંક સમયમાં રકમ જમા થઇ જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.