તમિલનાડુના ટ્રિપલ મર્ડર કેસમાં 27 વ્યકિતને આજીવન કેદની સજા!!

અનુસૂચિત જાતિના 3 લોકોની ક્રૂરતાપૂર્વક કરાઈ હતી હત્યા: 33 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ કરાઈ હતી દાખલ

28 મે, 2018 ની રાત્રે શિવગંગા જિલ્લાના તિરુપ્પાચેટ્ટી પાસેના કાચનથમ ગામના અનુસૂચિત જાતિ સમુદાયના ત્રણ વ્યક્તિઓ અરુમુગમ (65), એ. નમુગનાથન (31) અને વી.ચંદ્રશેખર (34)ની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. મંદિરમાં આયોજિત સમારોહમાં સન્માન કરવા બાબતે થયેલા વિવાદ બાદ આ હત્યાકાંડ કરવામાં આવ્યો હતો.

તમિલનાડુના શિવગંગામાં એક વિશેષ અદાલતે શુક્રવારે કાચનાથમ ટ્રિપલ મર્ડર કેસમાં 27 દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે. 28 મે 2018 ના રોજ, શિવગંગા જિલ્લાના કચનાથમ ગામમાં સશસ્ત્ર ગેંગ દ્વારા ત્રણ દલિતોની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં 4 વર્ષ બાદ કોર્ટમાંથી નિર્ણય આવ્યો છે.

શિવગંગામાં એસસી/એસટી એક્ટ હેઠળના કેસોની વિશેષ સુનાવણીએ સજા સંભળાવી છે. કોર્ટના જજ મુથુકુમારને 1 ઓગસ્ટ 2022 ના રોજ હત્યામાં 27 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. 5 ઓગસ્ટે સજાની જાહેરાત કરવામાં આવી હતી.આ કેસમાં ચાર કિશોરો સહિત કુલ 33 લોકો સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી જેમાં ટ્રાયલ દરમિયાન એકનું મોત થયું હતું. 3 ઓગસ્ટના રોજ વિશેષ અદાલતના ન્યાયાધીશે ગુનેગારોને આપવામાં આવનારી સજા અંગે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દોષિતો અને પીડિતોના પરિવારજનોને સાંભળ્યા હતા.

2018 માં, મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે કેટલાક આરોપીઓની જામીન અરજીઓ ફગાવી દેતા એવું જણાવ્યું હતું કે, આરોપી જૂથે જે ક્રૂર રીતે અનુસૂચિત જાતિના લોકોને માર્યા તે કદરૂપા ચહેરાની યાદ અપાવે છે.  આ ઘટનાની અસર શિવગંગા જિલ્લામાં શાંતિ અને વ્યવસ્થા પર પડી હતી, જાતિ દ્વેષ ભડક્યો હતો.