Abtak Media Google News

ત્રણ બેઠકમાં પુનરાવર્તન, બે બેઠકમાં પરિવર્તન ? કયાં પક્ષની જીત… લોકોમાં અટકળો

 

ઝાલાવાડની 5 બેઠક માટે ગુરુવારે મતદાન પ્રક્રિયા સંપન્ન થઈ. જિલ્લામાં કુલ સરેરાશ 62.19 ટકા મતદાન થયું છે. વર્ષ 2017ની ચૂંટણીમાં કુલ 65.27 ટકા મતદાન થયું હતું. આથી આ વખતે મતદાનમાં 3.08 ટકાનો ઘટાડો થયો છે. સાથે જ પાંચેય બેઠકમાં પણ મતદાન ઘટ્યું છે.આ વખતે પ્રથમ વખત પાંચેય બેઠકમાં ત્રિપાંખિયો જંગ હોવા છતાં મતદાન ઘટ્યું છે. આ સ્થિતિમાં આપ કોને નુકસાન કરશે, એ આવતા ગુરુવારે જાહેર થશે જ પરંતુ અત્યારની સ્થિતિ 3 બેઠકમાં પુનરાવર્તન અને 2 બેઠકમાં પરિવર્તન થવાનું અનુમાન રાજકીય પંડીતો લગાવી રહ્યા છે. ગઢ ગણાતી વઢવાણ બેઠકમાં ભાજપે ઉમેદવાર બદલતાં બ્રાહ્મણ-જૈન સમાજે વ્યક્ત કરેલો રોષ ગણતરીના દિવસોમાં જ શમી ગયો હતો. સાથે જ ગ્રામ્ય મતો કોંગ્રેસ અને આપમાં વહેંચાવાની ધારણા ભાજપને લાભ કરાવી શકે છે.

લીંબડીમાં નિર્ણાયક સાબિત થનારા સાયલાના કોળી મતદારો પણ વહેંચાઈ જવાની સાથે પક્ષપ્રવેશને કારણે સીધો ફાયદો ભાજપને થવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. ધ્રાંગધ્રામાં આપ અને કોંગ્રેસ વચ્ચે મત વહેંચાવાને કારણે ભાજપ બેઠક જાળવી રાખે, તેવી આગાહી રાજકીય પંડીતો કરી રહ્યા છે.ચોટીલા-દસાડામાં પરિણામ ચોંકાવી શકે. કારણ કે દસાડામાં 65 હજાર ઠાકોર મતદારો પર પ્રભુત્વ ધરાવનારા ઠાકોર આગેવાને કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે. ચોટીલામાં કોંગ્રેસનું પ્રભુત્વ હોવા છતાં ભાજપના પક્ષપ્રવેશ કાર્યક્રમ ઉપરાંત આપના ઉમેદવાર કોંગ્રેસના મતમાં ગાબડું પાડે, તેવી ગણતરી રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે.સુરેન્દ્રનગર જિલ્લાની મોટાભાગની વિધાનસભાની બેઠકમાં ભાજપ, કોંગ્રેસ અને આપે જ્ઞાતિના સમિકરણનું ખાસ ધ્યાન રાખ્યું છે, પરંતુ વઢવાણ એક એવી સીટ છે કે આ ચૂંટણીમાં ત્રણમાંથી એક પણ પક્ષે જ્ઞાતિના સમિકરણ ઉપર ભાર મૂક્યો નથી. ભાજપે પહેલા જન્મે જૈન અને બ્રાહ્મણ પરિવારના પુત્રવધુ જિજ્ઞાબેન પંડ્યાને ટિકિટ આપી હતી. બાદમાં એમણે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવતા મૂળ લીંબડીના અને સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ જગદિશ મકવાણાને ભાજપે ઉમેદવાર જાહેર કર્યા છે.

જ્યારે કોંગ્રેસે તરૂણ ગઢવીને અને આમ આદમી પાર્ટીએ પાટીદાર હિતેશ બજરંગને ટિકિટ આપી મેદાનમાં ઉતાર્યા છે. જેમાં ત્રણેય પક્ષના ઉમેદવારો પહેલી વખત ચૂંટણી લડી રહ્યાં છે. આ બેઠકને ભાજપનો ગઢ માનવામાં આવે છે, તેમ છતાં કોંગ્રેસના કમિટેડ મતદારો પણ ઓછા નથી. બીજી તરફ કોળી, બ્રાહ્મણ, જૈન, અનુસુચિત જાતિ અને ક્ષત્રિય સહિતની તમામ જ્ઞાતિઓ આ ચૂંટણી લડતા અલગ અલગ જ્ઞાતિના ક્યા પક્ષના ઉમેદવારને મત આપી જીતાડશે, તે ભર્યા નાળિયેર જેવું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.