Abtak Media Google News

સિનેમા સાથે ખીણનો જૂનો નાતો, હવે ફરી પહેલાની જેમ ત્યાંના લોકેશનો પસંદ થવા લાગે તેવી આશા

ધરતી પરનું સ્વર્ગ કહેવાતું કાશ્મીર શરૂઆતથી જ દેશના ફિલ્મ ઉદ્યોગ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે.  1989 માં આતંકવાદની શરૂઆત પહેલા, ખાસ કરીને કાશ્મીર ખીણમાં મોટી સંખ્યામાં ફિલ્મોનું શૂટિંગ કરવામાં આવતું હતું, પરંતુ પછીથી આ વલણમાં નોંધપાત્ર ઘટાડો થયો.  નોંધનીય છે કે 1980ના દાયકાના અંતમાં ખીણમાં આતંકવાદના ઉદય સાથે ત્યાંના સિનેમા હોલ પણ એક પછી એક બંધ થઈ ગયા હતા.  ત્યારે ખીણમાં 19 સિનેમા હોલ હતા.  તેમાંથી એકલા રાજધાની શ્રીનગરમાં જ 9 સિનેમા હોલ ’ફિરદૌસ’, ’શાહ’, ’નાઝ’, ’નીલમ’, ’રીગલ’, ’પેલેડિયમ’, ’ખય્યામ’, ’શિરાઝ’ અને ’બ્રોડવે’ હતા.1999માં જ્યારે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો હતો.

ત્યારે નેશનલ કોન્ફરન્સની ફારુક અબ્દુલ્લા સરકારે ’રીગલ’, ’નીલમ’ અને ’બ્રોડવે’ સિનેમાઘરો ખોલવાનો પ્રયાસ કર્યો હતો.  શ્રીનગર, લાલ ચોકના હાઈ સિક્યોરિટી એરિયામાં સ્થિત ’રીગલ’ સિનેમાને તેના માલિકો દ્વારા લગભગ 11 વર્ષના અંતરાલ પછી ફરીથી ખોલવામાં આવ્યું હતું, પરંતુ 24 સપ્ટેમ્બર, 1999 ના રોજ, આતંકવાદીઓ દ્વારા તેના પર 3 ગ્રેનેડ ફેંકવામાં આવ્યા હતા, જેમાં લોકો માર્યા ગયા હતા. જેથી તે પણ લોક થઈ ગઈ હતી.છેલ્લા કેટલાક સમયથી અહીં સ્થિરતા પાછી આવતા બોલિવૂડ ફરી એકવાર કાશ્મીર તરફ વળવા લાગ્યું છે. 18 સપ્ટેમ્બરથી અહીં સિનેમા હોલ ખુલી ગયા છે. તે કાશ્મીર માટે માત્ર ઐતિહાસિક દિવસ જ ન હતો, પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા 5 ઓગસ્ટ, 2019ના રોજ જમ્મુને વિશેષ દરજ્જો આપતી કલમ 370 અને 35-એ હટાવ્યા બાદ અહીં થઈ રહેલા સકારાત્મક ફેરફારોના દોરમાં આ એક મોટો ફેરફાર છે.  જમ્મુ અને કાશ્મીરના ’મિશન યુવા’ વિભાગ દ્વારા સંબંધિત જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી ખોલવામાં આવેલા આ બહુહેતુક થિયેટરોમાં ફિલ્મોના સ્ક્રીનિંગ ઉપરાંત કૌશલ્યની સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવશે.

જમ્મુ કાશ્મીરમાં લગભગ 3 દાયકાના મનોરંજન ’બ્લેક આઉટ’ પછી, ’એન્ટરટેનમેન્ટ યુગ’ ફરી એક વાર પાછો આવ્યો છે.  એવી અપેક્ષા રાખવી જોઈએ કે વહીવટીતંત્રની તકેદારી અને જનતાના સહકારથી થિયેટર અને અન્ય મનોરંજનના સ્થળો પૂરજોશમાં ચાલવા લાગશે અને ફિલ્મોના શૂટિંગમાં પણ ઝડપ આવશે, જે ખીણની ખોવાયેલી ભવ્યતા પાછી લાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.