Abtak Media Google News

મોદી મંત્ર – 2 : દેશમાં રહી હરામીવેળા કરનારાઓની ખેર નથી!!

ગેરકાયદે ફંડ એકત્રિત કરવાની મોડસ ઓપરેન્ડી, સ્થાનિક સંપર્ક સહિતના મુદ્દે તપાસનો ધમધમાટ

ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ)એ કથિત અલ-કાયદા મોડ્યુલનો પર્દાફાશ કર્યાના એક દિવસ પછી એજન્સીના અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું કે આ કેસમાં વધુ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

ગુજરાત એટીએસ અધિકારીઓના જણાવ્યા મુજબ શહેરના નારોલમાં રહેતા મુન્ના ખાલિદ અંસારી અને અઝારુલ ઈસ્લામને યુપીના ગોરખપુરથી દેશ છોડીને ભાગી જવાનો પ્રયાસ કરતી વખતે ઝડપી લેવામાં આવ્યા હતા.

અમદાવાદના કાલુપુર વિસ્તારમાંથી અબ્દુલ લતીફ અંસારી નામનો અન્ય એક શખ્સ ઝડપાયો હતો. ત્રણેય આરોપીઓને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, હાલ કોર્ટે ત્રણેયને સાત દિવસની કસ્ટડીમાં પૂછપરછ માટે મોકલી દીધા છે.

સોમવારે એટીએસ અધિકારીઓએ ઓઢવમાં સોનીની ચાલીના રહેવાસી સોજીબમિયા અહેમદઅલીની ધરપકડ કરી હતી અને જણાવ્યું હતું કે તે ડિસેમ્બર 2021થી શહેરમાં રહે છે. ચારેય બાંગ્લાદેશના નાગરિક હતા અને ભારતમાં નકલી આધાર કાર્ડ અને પાન કાર્ડ મેળવીને રહેતા હતા. તેમણે બેંક ખાતા પણ ખોલાવ્યા હતા.

એટીએસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આતંકવાદી સંગઠનના ચાર સભ્યોને ભારત મોકલતા પહેલા બાંગ્લાદેશ સ્થિત હેન્ડલર્સ દ્વારા તાલીમ આપવામાં આવી હતી.

ચારેય આતંકી અલ-કાયદાની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે ભંડોળ એકત્ર કરવા, સ્થાનિક યુવાનોને કટ્ટરપંથી બનાવવા અને આતંકવાદી સંગઠનમાં જોડવાનું નાપાક કાર્ય કરી રહ્યા હતા. તેમની સામે ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમની કલમ 38, 39 અને 40 હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશતા પહેલા આ યુવાનોને તેમના હેન્ડલર્સ દ્વારા એનક્રિપ્ટેડ ચેટ એપ્લિકેશન્સ અને વીપીએનનો ઉપયોગ કરવાની તાલીમ આપવામાં આવી હતી. અહેવાલ મુજબ યુવાનોને કટ્ટરપંથી બનાવવા માટે આતંકયોએ અન્ય રાજ્યોના યુવાનોનો પણ સંપર્ક કર્યો હતો.

એટીએસ અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ ચારેયને ભારત-બાંગ્લાદેશ સરહદ પાર કરવામાં કોણે મદદ કરી, ભંડોળ એકત્ર કરવાની તેમની પદ્ધતિ, સ્થાનિક સંપર્કો અને તેમના દ્વારા કટ્ટરપંથી બનેલા લોકોની સંખ્યા જેવા પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.